મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.
વિવેક ટેલર

(વૃક્ષ પવનને મળે એમ) – રમણીક સોમેશ્વર

વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં
કદી ઝૂલીએં, કદી પવન સંગાથે થોડું ઢળીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં

પવન વૃક્ષની ભીની ફોરમ સંગાથે લઈ ફરે
વૃક્ષ પવનને સંભારીને ડાળ ડાળ રણઝણે
રણઝણવું રણઝણવું રમતાં ખોવાઈએં ને જડીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં

વૃક્ષ ગોઠડી કરે અને ટહુકાની ભાષા બોલે
પવન વૃક્ષ પાસે અંતરનાં ઊંડાણોને ખોલે
ઝીણું જંતર વાગે એને સ્થિર બની સાંભળીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં

– રમણીક સોમેશ્વર

જેમ પવન વૃક્ષની ડાળ-ડાળ સોંસરવો નીકળી જાય અને વૃક્ષનું આખું અસ્તિત્વ ગીત-ગીત બની જાય એમ જ આપણી ભીતર ઊતરી જતું મજાનું ગીત…

3 Comments »

  1. Dr. Manish V. Pandya said,

    January 4, 2015 @ 7:18 AM

    વૃક્ષની આસપાસ નર્તન કરતી પ્રીયતમ અને પ્રિયતમાની લાગણીઓ દર્શાવતી રચના ઘણી ગમી.

  2. Harshad said,

    January 4, 2015 @ 11:04 AM

    lIKE IT. Beautiful.

  3. La Kant Thakkar said,

    January 8, 2015 @ 6:12 AM

    આપણી આસપાસ ઘટતી સહજ કુદરતની ક્રિયાઓ ,તત્ત્વો ,એની અસરો ભીતરના કાઠા-પોત અનુસાર ઉઘડતા હોય છે …અને આપસમાં કંઈક તો આપ-લે થઇ જતી હોય છે !જે જ્ઞાનેન્દ્રિયો ,કર્મેન્દ્રિયો પર એનર્જી ફોકસ્ડ થાય તત્કાલ, એવા પ્રભાવ-પરિણામો દેખાય, અનુભવાય . અંતરની પહોંચ,- જેવી એને જેટલી …એમ ભાવકને આનંદ અનુભવાય .અંદર રસ તેવો કસ જણાય . નિસર્ગ મળનાર પાત્રની રીતિ અને પ્રીતિ પર અનુભૂતિની ઊંચાઈ નિર્ભર કરે એવું બનતું હોય છે .ગતિ (ઝૂલણ-રણઝણ ), ધ્વનિ (કલનાદ- હૃદય ધબકાર સાથે તાલ મળે ) ,ગંધ-સુગંધની મ્હાણ ,એમાં રમમાણ સ્થિરભાવ ( ઝીણું જંતર વાગે એને સ્થિર બની સાંભળીએ)…..આમ આધ્યાત્મિકતા તરફ લઇ જાય એવું પણ બની શકે …. સહજતા …..એફર્ટલેસનેસસહ થાય તેની મઝા -મોજ-આનંદ અનુપમ .
    ચિત્ત એની મેળે અંદર વળી જાય ,સ્થિર થાય એની મજા “કંઈક” ઓર !
    આભાર અને અભિનંદન …નિર્મળ હૃદયવાળા “રમણીક સોમેશ્વર” અને રસિક માણીગર વિવેક ટેલર ,ધવલભાઈ અને અન્ય સહભાગી . “કવિશ્રી” ને ત્રણેક વખત મળવાનું સૌભાગ્ય મળેલ છે ..સૌહાર્દ અને સભ્યતા ,હળવાશ સાંભરી આવ્યા …
    આ પ્લેટફોર્મ પર એક વિનંતિ કરવાની તક ઝડપી લેવાની ઈચ્છા જાગે છે .એક સીનીયર બ્લોગર શ્રી “સુરેશ જાની “ને તેમના બ્લોગ ” ગુજરાતની પ્રતિભાઓ” અંતર્ગત સમાહિત કરવા માટે , સ્વ.કૈલાશ પંડિતની જીવન-કથાની વિગતોની જરૂરત છે ,જો કોઈ આ સુભગ કાર્યમાં સહાયરૂપ થઇ શકે તેમ હોય તો ચોક્કસ તેમનો સંપર્ક કરી શકે છે . (sbjani2006@gmail.com)

    -લા’ કાન્ત / ૮.૧.૧૫

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment