હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.
હેમંત પૂણેકર

રહ્યો હુંયે ઊભો…. – રમણીક સોમેશ્વર

(શિખરિણી)

અજાણ્યું લાગે છે નભ સકળ, નીચે અજનબી
જણાતી આ કેવી નવલ-નવલી સાવ ધરણી!
જુઓ, આ ડોકાયાં ઝમઝમ થતાં શાંત ઝરણાં
રુંવાટાં શાં ફૂટયાં લહલહ થતાં ભોંય તરણાં
ઝરે માથે ઝીણાં ક્ષણ ઝબકતાં ઓસ ટપકાં
હજારો સૂર્યોની ચિર છવિ લઈ મંદ મલકે
મથું એને મારા દૃગ ઉભય મધ્યે પકડવા
અને હું રેલાતો અરવ અણજાણી પળ વિશે

કશું ધીમેધીમે વિકસિત થતું ને વિલસતું
વહે અંગાંગે કૈ, અકળ, સમજાતું નવ મને
નિહાળું હું સામે પળ પળ નવાં રૂપ ધરતી
નવી સૃષ્ટિ જાણે મુજ હૃદય માંહે ઊઘડતી
બધાયે આલાપો સમય-સ્થળના સાવ વિસરી
રહ્યો હુંયે ઊભો પવન-ઝૂલતા વૃક્ષ સરિખો.

– રમણીક સોમેશ્વર

પ્રકૃતિ પળેપળ નિતનવાં રૂપ ધારે છે, બસ, જોવા માટે આંખ હોવી જોઈએ. પહેલી નજરે જોઈએ તો આ સૉનેટ એક દૃશ્ય-ચિત્રથી વિશેષ કંઈ નથી પણ ધ્યાન આપતાં સમજાય કે કવિએ કેવી મજાની રંગપૂરણી આ ચિત્ર માંહે કરી છે! અચાનક આકાશ અને ધરતી અજાણ્યાં, મતલબ બિલકુલ નવાં લાગવા માંડ્યાં છે. શાંત ઝરણાં નજરે ચડે છે અને રુંવાં ફૂટે એમ ધરતીમાંથી ઘાસ ઊગી રહ્યું છે. ઘાસની ઉપર ઝાકળબુંદો એક સૂર્યની હજારો છબી પ્રતિબિંબતાં શોભી રહ્યાં છે. અને આ દૃશ્યનું પાન કરવાની મથામણ કવિને કોઈ પ્રશાંત અજાણી ક્ષણની અનુભૂતિમાં તાણી જાય છે. ધરતીના પળ-પળ બદલાતા રૂપને આત્મસાત્ કરવાની ક્ષણે પોતાની અંદર કંઈક સાવ અકળ વસ્તુ વિકસતી અને વિલસતી કવિ અનુભવે છે. પવનમાં વૃક્ષ મંદ-મંદ ડોલતું હોય એમ કવિ આ નૂતન અગમ્ય અનુભૂતિના પવનના ઝોકે સમય-સ્થળ બધું જ ભૂલી જઈને સમાધિસ્થ થઈ ઊભા છે… કુદરત સાથે તાદત્મ્ય અનુભવવાની પળે માણસ પોતાની અંદર જે અકળ સુખ પામે છે એની અનુભૂતિનું આ ગાન છે…

19 Comments »

  1. Harihar Shukla said,

    May 29, 2021 @ 1:55 AM

    પવનથી ઝૂલતું વૃક્ષ અને હું 👌💐
    કવિ ખરેખર શિખરિણી છંદની જેમ ઝૂલે છે, અને ભાવક પણ!👌💐

  2. kishor Barot said,

    May 29, 2021 @ 2:00 AM

    ચિત્ત પ્રસન્ન થઈ ગયું.

  3. Dinesh parmar pratik said,

    May 29, 2021 @ 2:01 AM

    અદભુત સોનેટ પ્રકૃતિને નવા રંગે મઢવાનો અનેરો પ્રયાસ

  4. જિત ચુડાસમા said,

    May 29, 2021 @ 2:02 AM

    આહા… કવિએ એક મનોરમ્ય સૃષ્ટિ ઊભી કરી ને એ સૃષ્ટિને નિહાળતાં પોતે પણ સ્થિર થઈ ગયા. ગતિમય દૃશ્યોને કવિ છેલ્લે સ્વયંમાં સ્થિત કરી દે છે.

  5. Kaushik patel said,

    May 29, 2021 @ 2:10 AM

    વાહ… ખૂબ સુંદર રચના… કવિને વંદન.

  6. Parbatkumar said,

    May 29, 2021 @ 2:23 AM

    નિહાળું હું સામે પળ પળ નવાં રૂપ ધરતી

    પ્રકૃતિ સાથે
    અનુભૂતિનું સુંદર ગીત

  7. Shah Raxa said,

    May 29, 2021 @ 2:42 AM

    કુદરતી સાનિધ્યનો રોમાંચ થઈ ગયો..કવિ કુદરતને આંખથી પી શકે છે…વાહ…આસ્વાદથી શીતળતા મળી..

  8. DILIPKUMAR CHAVDA said,

    May 29, 2021 @ 3:02 AM

    વાહ કુદરતના ખોળે બેસીને માણવા જેવી મજાની સોનેટ

  9. Nirupam Chhaya said,

    May 29, 2021 @ 4:48 AM

    આ કૃતિને કાવ્ય ધ્યાન કહી શકાય. ધ્યાનની અવસ્થામાં
    વ્યક્તિ આવું જ કંઈક અકળ અકથ્ય રણઝણવું
    ની અનુભૂતિમાં મુગ્ધ સ્થિર થઈ જાય છે. કવિ અંતિમ
    પંક્તિમાં કહે છે તેમ ‘હું યે ઊભો પવન ઝૂલતા વૃક્ષ સરિખો’
    પવનમાં ઝૂલતાં વૃક્ષમાં હું પણું હોતું નથી.. પોતે કશું કરતું નથી
    પવન જેમ વહે એ રીતે તે ઝૂલે છે….ધ્યાનમાં પણ કશું પોતાનું
    હોવાપણું હોતું નથી…સ્થિર વિચારશૂન્ય….

  10. jagdip nanavati said,

    May 29, 2021 @ 5:44 AM

    આજની પેઢીના કવિઓને કદાચ કુદરતનાં આ સ્વરૂપો માણવાનું નસીબમાં જ નહીં હોય અથવા એવો મોકો નહીં મળતો હોય જેથી કરીને આ પ્રકારનું સુંદર શબ્દચિત્ર ચિત્રાંકિત કરી શકે..
    ખરેખર ખૂબ સુંદર….

  11. Pravin Shah said,

    May 29, 2021 @ 6:06 AM

    અદભુત..

  12. હરીશ દાસાણી said,

    May 29, 2021 @ 6:17 AM

    કાવ્યાનંદ અને નિસર્ગ રૂપ સાથે નૃત્ય કરે છે.

  13. લલિત ત્રિવેદી said,

    May 29, 2021 @ 8:09 AM

    વાહ વાહ… કવિ
    સરસ છે… અભિનંદન

  14. pragnajuvyas said,

    May 29, 2021 @ 8:15 AM

    કવિશ્રી રમણીક સોમેશ્વરનુ પ્રકૃતિ સાથે અનુભૂતિનું સુંદર સોનેટ
    નિહાળું હું સામે પળ પળ નવાં રૂપ ધરતી
    નવી સૃષ્ટિ જાણે મુજ હૃદય માંહે ઊઘડતી
    બધાયે આલાપો સમય-સ્થળના સાવ વિસરી
    રહ્યો હુંયે ઊભો પવન-ઝૂલતા વૃક્ષ સરિખો.
    વાહ્

  15. Poonam said,

    May 29, 2021 @ 8:24 AM

    “ બધાયે આલાપો સમય-સ્થળના સાવ વિસરી,
    રહ્યો હુંયે ઊભો પવન – ઝૂલતા વૃક્ષ સરિખો… ”

    – રમણીક સોમેશ્વર – adilham ne zulu pan… 👌🏻

  16. praheladbhai prajapati said,

    May 29, 2021 @ 11:04 AM

    NICE LOVE WITH NATURE AND PRAKRUTI

  17. Maheshchandra Naik said,

    May 29, 2021 @ 6:09 PM

    સરસ,સરસ….

  18. Lata Hirani said,

    June 2, 2021 @ 8:43 AM

    પ્રકૃતિ કાવ્યો પ્રમાણમાં ઓછા મળે છે ત્યારે આ કાવ્ય અને ખાસ કરીને આ પંક્તિ
    રુંવાટાં શાં ફૂટયાં લહલહ થતાં ભોંય તરણાં
    વાંચીને રૂંવાડે ખુશી ફૂટી નીકળી !

  19. વિવેક said,

    June 3, 2021 @ 2:44 AM

    સહુનો ખૂબ ખૂબ આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment