આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે !
અંકિત ત્રિવેદી

શાહીનું ટીપું – રમણીક સોમેશ્વર

ટપાક્. શાહીનું ટીપું. તગતગતું નીકળે બહાર. પરથમ તો આળસ મરડી ખાય બગાસું. પછી સૂંઘે પવનને. થોડું અડી લે આકાશને. મૂછમાં હસતું જોઈ લે ઝાડ-પાન-ફૂલને. થોડા ટહુકા વીણી મૂકી દે કાનમાં. પછી ચડી જાય વિચારે. વિચારમાં ને વિચારમાં દદડવા લાગે રેલો, તે રેલો ક્યાં લગ પૂગ્યો તેનુંય ભાન ન રહે. પણ રેલો ઈ તો રેલો. ભીનાશ બધી શોષાઈ જાય રેતીમાં ત્યારે જ એની ખબર પડે. પછી હાળું ટીપું, રેતીના કણ થઈને ઊડે ને ભરાય મારી આંખમાં. આંખ ચોળતો, ઝાંખ વચ્ચે હું લખવા માંડું કવિતા. વાત તો આટલી જ કે શાહીનું ટીપું ટપાક્ દઈને નીકળે બહાર. દરિયો માની પોતાને માળું ઉછાળે મોજાં ક્યારેક, ને ક્યારેક સૂરજનું સંતરું લઈને રમતે ચડે સાંજે તે કાળું ટપકું થઈને થીજી જાય પાછું. ઊંઘમાં ને ઊંઘમાં લવારે ચડે તો ગજવે વનનાં વન હૂ ડૂ ડૂ ડૂ પવન થઈને. હેં! ગવન થઈને ઊડવું ગમે પાછું એને. ને ચાળે ચડે તો ‘રાસ રમંતાં મારી નથણી ખોવાણી…’ ના, ના, વાત તો અમથી આટલી જ કે ટપાક્ દઈને ટીપું શાહીનું ધસી આવે બહાર -ટોચે. ટોચે ઝગમગતું ટીપું– આદમનો અવતાર, ઈવનો વિસ્તાર. હાળું જીવ લઈને જન્મ્યું તે ભરી દીધી પરથમી આખીને; અને હવે તાકે આકાશ સામે ટગરટગર. ગ્રહો—નક્ષત્રોને લે ઊંડણમાં ને ખેંચે સમદરને તળિયેથી બધો ભેજ. તેજ—ભેજના તાંતણાં વણી સજાવે સેજ. એ જ… એ જ…
એ જ તો કહેવું છે મારે..
ટીપું શાહીનું ટપાક્…

– રમણીક સોમેશ્વર

છંદોબદ્ધ કાવ્યો લખી લખીને થાકેલા કવિઓએ મુક્ત ગગનમાં ઉડ્ડયન કરવું નિર્ધાર્યું એ દિવસે અછાંદસ કવિતાનો જન્મ થયો. વિશ્વની તમામ ભાષાઓએ વહેલોમોડો છંદમુક્તિનો સ્વાદ માણ્યો. આપણે ત્યાં અછાંદસ કાવ્ય લખાતા થયા ત્યારે એના નામાભિધાન વિશે પણ ચર્ચાઓ ચાલી હતી. એક સમય એવો આવ્યો જ્યારે અત્યારે પ્રચલિત સ્વરૂપસંવિધાનના સ્થાને પરિચ્છેદ તરીકે જ ગદ્યકાવ્ય લખવામાં આવતા. રમણીક સોમેશ્વરનું આ કાવ્ય પણ પરિચ્છેદ સ્વરૂપે લખાયેલ ગદ્યકાવ્ય જ છે.

શાહીના ટીપાંની મિષે કવિએ અદભુત અને અનૂઠી રીતે કવિતાની વિભાવના વ્યક્ત કરી છે. ઇન્કપેનમાંથી વધારાની શાહીનું ટીપું તગતગતું બહાર આવે અને ટપાક્ કરતું નીચે પડે એ ‘ટપાક્’ શબ્દ સાથે કાવ્યારંભ થાય છે. કવિ એક શબ્દચિત્ર દોરવાની શરૂઆત કરે છે, પણ પ્રારંભ કરે છે ધ્વનિથી. કવિતામાં આદમ-ઈવનો પણ ઉલ્લેખ છે. એટલે કાવ્યચેતના આદિમથી આજ સુધીના પ્રલંબ પટ પર વિસ્તરી હોવાનું સમજાય છે. ભાષા અને લિપિના અસ્તિત્વના હજારો વર્ષ પૂર્વે બોલીનો જન્મ થયો હતો. કદાચ એટલે જ કવિએ કાવ્યારંભ ધ્વનિ-શ્રુતિથી કર્યો હોઈ શકે.

ઊંઘમાંથી ઊઠીને માણસ બગાસું ખાઈ આળસ મરડીને દિવસની શરૂઆત કરે, એ જ રીતે શાહીનું ટીપું પણ બહાર આવીને આળસ મરડે છે, બગાસું ખાય છે, પવનને સૂંઘે છે, આકાશને ‘થોડું’ અડી લે છે અને મૂછમાં હસતાં હસતાં ઝાડ-પાન-ફૂલને જુએ છે. થોડા ટહુકાય ગુંજે ભરી લે છે. વિચારે ચડીને દદડવા માંડતું ટીપું આખાય બ્રહ્માંડને ઊંડણમાં લઈ લે છે એ જોઈને ઉમાશંકર જોશીની વાત યાદ આવે: ‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો?’

નાના અમથા શાહીના ટીપાંમાં ભરી પડી અસીમ સંભાવનાઓનો તાગ કાઢવાની આ કવાયત આખરે તો કવિસિસૃક્ષા જ છે.

3 Comments »

  1. Vinod Manek 'Chatak' said,

    June 29, 2024 @ 11:48 AM

    સરસ અછાંદસ ગદ્ય પરિચ્છેદ કાવ્ય

  2. Dr. Bhuma Vashi said,

    June 29, 2024 @ 9:20 PM

    વાહ.
    સુંદર રચના અને આસ્વાદ.
    આભાર.

  3. Dhruti Modi said,

    July 1, 2024 @ 3:55 AM

    વાહ, ગદ્ય કવિતા !

    શાહીનું એક ટીપું તો જબરું નીકળ્યું ભાઈ આખી સૃષ્ટિને ચકડોળે. ચઢાવી ! પણ સાચે જ મઝાની ગદ્ય રચના!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment