આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.
ભગવતીકુમાર શર્મા

હું ખેલતો નથી ! – હરીન્દ્ર દવે

સમેટો શેતરંજ, કે હવે
હું ખેલતો નથી !

હવે ન હારની વ્યથા, ન જીતનો રહ્યો નશો,
મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો?
આ મારી જાળમાં ફરી હું ખુદ ચરણ નહીં મૂકું.

આ મારા માયાલોકમાં
કહો, હું ટહેલતો નથી,
સમેટો શેતરંજ કે
હવે હું ખેલતો નથી.

હવે કોઈની ચાલ ચોંપથી નિહાળવી નથી,
હવે ભિડાવવા કોઈને રાત જાગવી નથી,
ખેર હો તમારા વ્યૂહની, ન મારો રાહ એ:

કોઈનું સૈન્ય શું, હું
કાંકરીએ ઠેલતો નથી,
સમેટો શેતરંજ, કે
હવે હું ખેલતો નથી !

હવે ઉદાસ આંખથી કોઈને ના નિહાળવા,
કોઈનાં ત્રસ્ત નેણના પ્રહાર પણ ન ઝીલવા,
આ ઊંટ, હાથી, અશ્વને કહો, હવે ડરે નહીં :

હતો શિકારી વનમાં એ
શિકારે સ્હેલતો નથી,
સમેટો શેતરંજ કે
હવે હું ખેલતો નથી.

– હરીન્દ્ર દવે

 

એવો મુકામ આવી જાય છે કે જ્યાં પછી કોઈ ફરક નથી પડતો. નાજુક એવા લાગણીના સંબંધને કોઈક જયારે taken for granted લઈ લે છે ત્યારે આવી અવસ્થા આવી જાય છે. ” મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો ? ” – આથી વધુ સંબંધ-મૃત્યુની સાબિતી શું હોઈ શકે ! પ્રેમાળ હૈયાને ઠેસ પહોંચાડવાથી ઘોર અન્ય કોઈ અપરાધ નથી.

મુકુલભાઈ યાદ આવી જાય – ” જા નથી રમતા સજનવા…..”

3 Comments »

  1. pragnajuvyas said,

    February 17, 2021 @ 9:14 AM

    મા હરીન્દ્ર દવેનુ સુંદર ગીત
    હવે ઉદાસ આંખથી કોઈને ના નિહાળવા,
    કોઈનાં ત્રસ્ત નેણના પ્રહાર પણ ન ઝીલવા,
    આ ઊંટ, હાથી, અશ્વને કહો, હવે ડરે નહીં :
    વાહ્
    સુંદર વિચારો સાથે જીવનની વાસ્‍તવિક્તાને યથાર્થ સ્‍વરુપે હરિન્‍દ્રભાઇએ જે નિરુપણ કરેલ છે તે જ્ઞાન-વિચારોનું ઉંડાણ હ્રદયસ્‍પર્શી અને આનંદદાયક લાગે છે.

  2. Maheshchandra Naik said,

    February 17, 2021 @ 9:35 PM

    સરસ ગીત,
    કવિશ્રી હરીન્દ્ર દવેને લાખ્,લાખ સલામ્…

  3. વિવેક said,

    February 18, 2021 @ 12:59 AM

    લગાલગા લગાલગા ના લયતાલ સાથે ગતિ કરતું સંબંધ-વિફળતાનું મજાનું ગીત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment