હૈયા સુધી ગયાં – હરીન્દ્ર દવે
હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં,
તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં !
શબ્દોથી જે શરૂ થયું, શાંતિ મહીં વધ્યું,
સંકેત આપણા જો જમાના સુધી ગયા.
જેણે વમળમાં ધીર ધરી’તી એ પ્રેમીઓ,
કહે છે કે છેવટે તો કિનારા સુધી ગયા.
આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ,
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા.
સાવ જ અજાણ્યા એક વખત જે હતા, હવે
જ્યાં કોઈના ચરણ ન હતા, ત્યાં સુધી ગયાં..
– હરીન્દ્ર દવે
પ્રત્યેક શેર પાણીદાર…મક્તો સવિશેષ ગમ્યો….શક્યતાના પ્રદેશની વાત છે.
pragnajuvyas said,
January 28, 2020 @ 1:40 PM
હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં,
તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં !
પ્રથમ બે પંક્તિઓએ જ મને ઘાયલ કરી નાખી……
સરળ શબ્દો, લાલિત્યપૂર્ણ લય, રળિયામણું . નાજુક અર્થ- મમળાવ્યા કરવું ગમે તેવું ગીત
સાવ જ અજાણ્યા એક વખત જે હતા, હવે
જ્યાં કોઈના ચરણ ન હતા, ત્યાં સુધી ગયાં..
કેવું અદભૂત ભાવવિશ્વ સર્જાયું છે !
ડૉ તીર્થેશજીને ધન્યવાદ
Dr Sejal Desai said,
February 1, 2020 @ 12:40 AM
ખૂબ સરસ ગઝલ