આવકાર સપ્તાહ : ૦૧ : ધરાનું નૂર છું – ઉષા ઉપાધ્યાય
બખ્તર
બખ્તર સઘળાં છૂટે છે,
થાકનાં તાળાં તૂટે છે.
રાત ભમે છે વગડામાં,
અજવાળાંને લૂંટે છે.
સરખાં બન્ને, પ્રેમ ને કૂંપળ,
પથ્થર તોડી ફૂટે છે.
રણ વચ્ચે રેતીના પટમાં,
જીવન લાધ્યું ઊંટે છે.
પાતાળે ધરબીને રાખો.
મોત બધુંયે ઝૂંટે છે.
સાત સમંદર ડહોળી જાણ્યું,
સુખ તો ઘરના ખૂંટે છે!
– ઉષા ઉપાધ્યાય
કવિમિત્રોનો પ્રેમ કુરિયરના રસ્તે થઈ સતત મારા આંગણિયે છલકાતો રહે છે, પણ પહેલાં ઘરના નવીનીકરણનું કામ અને પછી નવા થયેલા ઘરમાં નવેસરથી ગોઠવાવાના ભગીરથકાર્યમાં વ્યસ્ત હોવાના કારણે નવા સંગ્રહોની સંખ્યા તો વધતી ગઈ, પણ એમાંથી પસાર થવાનું કાર્ય ટલ્લે ચડતું રહ્યું… એ બદલ પ્રેમથી કાવ્યસમુચ્ચય પાઠવનાર તમામ સર્જકમિત્રોની દિલથી ક્ષમા પ્રાર્થું છું. હવે થોડો ઠરીઠામ થયો છું, એટલે બને એટલા કાવ્યસંચયોને ન્યાય આપવાની યથાશક્તિ યથામતિ કોશિશ કરીશ… લયસ્તરો પર આ આખું સપ્તાહ કાવ્યસંગ્રહોને આવકારીશું…
આજે આ આવકાર સપ્તાહનું પગરણ લબ્ધપ્રતિષ્ઠ સર્જકના નૂતન સંગ્રહની એક ગઝલ સાથે કરીએ…
(કેટલાક કવિમિત્રોએ ધ્યાન દોર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ગઝલમાં એકાધિક જગ્યાએ ગાગાગાગાના આવર્તનોમાં અનિયમિતતા રહી ગઈ છે.)



અગન રાજ્યગુરુ said,
March 9, 2026 @ 12:42 PM
વાહ…ઉમદા ઉપક્રમ
Aasifkhan Pathan said,
March 9, 2026 @ 12:46 PM
વાહ ક્યા બાત સરસ
Urvi Panchal said,
March 9, 2026 @ 1:03 PM
વાહ્ ખૂબ સુંદર. ‘ધરાનું નૂર છું’ માટે આદરણીય ઉષા બેનને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ 💐
જયેશ ભટ્ટ said,
March 9, 2026 @ 1:24 PM
વાહ,
Vrajlal Savaliya said,
March 9, 2026 @ 7:38 PM
વાહ ખુબ સરસ
Kishor Barot said,
March 9, 2026 @ 7:52 PM
ટૂંકી બહેરમાં મોટી વાત. 👌
Kishor Ahya said,
March 9, 2026 @ 8:02 PM
કવિયત્રી સુ.શ્રી ઉષા ઉપાધ્યાયના કાવ્ય સંગ્રહ ‘ધરાનું નૂર છું ‘ને ખૂબ ખૂબ આવકાર. સ્વતંત્ર શેર બખ્તર ગઝલમાં જીવનની સચ્ચાઈ રજૂ થઈ છે. જેમાં યુદ્ધ પછીનો થાક ઉતરવાની વાત, કુંપળ અને પ્રેમની સરખામણી, રણમાં ઉટનું મહત્વ ,મોતની નિશ્ચિતતા અને સુખ ઘરમાં જ છે એ દર્શાવતા લયબદ્ધ શેર મૂક્યા છે. ટૂંકી બહરની ગઝલ પડકારરૂપી કહેવાય છે કેમકે બહુ ઓછા શબ્દોમાં કહેવાનું ઘણું હોય છે. કવયિત્રીની ટૂંકી બહરના શેર પર સારી પકડ આ ગઝલમાં દેખાઈ આવે છે.
સરસ ગઝલ, સરસ પસંદગી અને આસ્વાદમાં શ્રી વિવેકભાઈએ કવિઓ પ્રત્યે દર્શાવેલ પ્રેમ સભર લાગણી! “કવિમિત્રોનો પ્રેમ કુરિયરના રસ્તે થઈ સતત મારા આંગણિયે છલકાતો રહે છ” વાહ!
🌹🌹🌹🌹
Vrajesh Mistri said,
March 12, 2026 @ 11:32 AM
સુખ