તેં મને બચપણ દીધું, ગઢપણ દીધું, દીધું મરણ;
તે ન દીધું જીવવાનું કોઈ કારણ, હદ કરી !
રમેશ પારેખ

હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી – હરીન્દ્ર દવે

હવે થાકી ગયો, સાકી, પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેકતા મયથી.

ગગનમાં શું રહે છે, કોક મારા જેવો દુર્ભાગી,
કોઈ બોલાવતું લાગે છે મુજને એ મહાલયથી.

બધાં દશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે,
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી.

મને એ ભેદ લાગે છે દિલાસો આપનારાઓ,
તમે મુજ દુર્દશા દેખી રહ્યા છો ખૂબ વિસ્મયથી.

હું જાણી જોઈને મારાં કદમ એ જાળમાં મૂકું,
નથી હોતો કદી અજ્ઞાત તારા કોઈ આશયથી.

તમે અદૃશ્ય રહી બાજી ૨મો ગાફેલ રાખીને,
મહત્તા કોઈની ઘટતી નથી એવા પરાજયથી.

ન મારી આ દશાને ભૂલથી પણ દુર્દશા કહેતા,
ખરીદી પાનખર મોંઘી વસંતો કેરા વિક્રયથી.

જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છું, મિત્રો,
હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી.

– હરીન્દ્ર દવે

ફરિયાદ છે, ચીખ છે, આંસુ છે – પણ ખુમારી છે !!!!

1 Comment »

  1. pragnajuvyas said,

    May 26, 2021 @ 2:40 PM

    જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છું, મિત્રો,
    હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી.
    અફલાતુન શેર
    –મા હરીન્દ્ર દવેની ખૂબ સ રસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment