મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
– ઉષા ઉપાધ્યાય

ઘર – હરીન્દ્ર દવે ( પ્રેરણા – Song of the open road – Walt Whitman

આ રોજ સવારે આંગણથી આરંભાતો
ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતો:
આ મારગ. ત્યાં હું ગતિ કરું કે માર્ગ સ્વયમ્
કે છળી બેઉને, રહે કાળ પોતે વહેતો.

હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું,
એ કેવા છલકાતા હેતે સામો ધસતો,
આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ
આ પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો.

આ પાલખ પર ઘૂ ઘૂ કરતાં બે પારેવાં
મુજ પદરવથી શરમાઈ ફરી વાતે વળગ્યાં
આ પૂર્વગગનથી કિરણ કિરણની ધૂપસળી
અડકી તો રૂના પોલ સમાં વાદળ સળગ્યાં.

ઝાલી માતાનો કર જે ગગન નીરખતો’તો
મન થતું, જરા એ બાળક સંગે ગેલ કરું;
આ એકમેકથી રીસ કરી અળગા ચાલે,
બે માણસમાં એક ગીત ગાઈ મનમેળ કરું.

આ નેત્ર ઉદાસી ભરી અહીં બે વૃદ્ધ ઊભા,
હું અશ્રુ બે’ક સારી એને સાંત્વન આપું :
આ ઉન્મન ને સુંદર યુવતીની આંખોને,
એ તરસે છે, તલખે છે એવું મન આપું.

આ ભીડભર્યા કોલાહલમાં નીરવ રીતે,
કોઈ મિત્ર તણો હૂંફાળો કર થઈ જીવી શકું,
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા,
પરવા કોને, હું થી૨ ૨હું કે વહી શકું.

જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે,
આ માર્ગ પછીની મંજિલ એ મારું ઘર છે,
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.

– હરીન્દ્ર દવે ( પ્રેરણા – Song of the open road – Walt Whitman )

બે પંક્તિઓ પર ધ્યાન ખેંચીશ –

તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા,
પરવા કોને, હું થી૨ ૨હું કે વહી શકું.

અને –

ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.

– બસ, આ જ જાણે કે કાવ્યનો સાર છે.

વોલ્ટ વ્હીટમેનના કાવ્ય કરતાં ઘણું જુદું છે પણ થોડી આભા છે ખરી…

1 Comment »

  1. Pragnaju said,

    October 5, 2023 @ 6:05 AM

    કવિશ્રી હરીન્દ્ર દવે ( પ્રેરણા – Song of the open road – Walt Whitman )ખૂબ સુંદર ગીત
    રસ્તાને ઓળખવા માટે “ખુલ્લો” શબ્દ પસંદ કરવાથી, માણસની આધ્યાત્મિક સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાના નિર્માણમાં સ્વતંત્રતાની ભૂમિકાના મહત્વમાં વ્હિટમેનની શ્રદ્ધા પર ભાર મૂકે છે, જે તેમના સાથી માનવો માટે આ કવિતામાં તેમના સંદેશનો સાર છે.
    ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
    એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.
    વાહ
    ડૉ તીર્થેશ નો સ રસ આસ્વાદ સાર
    માણો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment