એ સૂરજનો તાપ ના જીરવી શકે,
ફૂલ થઈ ઝાકળ ઉપર ના ક્રોધ કર.
રિષભ મહેતા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મેઘબિન્દુ

મેઘબિન્દુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(લાગણીનાં દોરડાં) – મેઘબિન્દુ

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?
લાગણીનાં દોરડાં ઘસાયાં!
વાતોની વાવનાં ઊતરી પગથિયાં
અમે પાણી પીધું ને ફસાયા!

કેટલીય વાર મારી ડૂબેલી ઇચ્છાને
મીંદડીથી કાઢી છે બા’ર,
ગોબા પડેલી ખાલી ગાગરનો
મને ઊંચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ
તોયે સ્મરણોનાં નીર છલકાયાં.

અફવાઓ સુણી સુણીને મને રોજરોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે આંસુંના સથવારે
હૈયાનો બોજ કરું હલકો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય
ને લાગણીનાં દોરડાં ટુંકાયાં!

– મેઘબિંદુ

સંબંધ અને સમજણના નામે મોટા ભાગના લોકો પાસે ઉપલક વાતો જ રહી ગઈ છે. મોટાભાગના લોકો વાતોની વાવમાં જ ઊંડા ઊતરીને પાણી પીતાં રહે છે, પરિણામે જીવનના કૂવામાંથી જીવનઅમૃત કાઢવું શક્ય બનતું નથી. કારણ? લાગણીનાં દોરડાં જ ઘસાઈ ગયાં છે. હવે સંબંધની ગાગર કેમ કરીને ભરાશે? મીંદડી એટલે વાવ, કૂવા વગેરેમાં પડેલી વસ્તુ કાઢવાનું આંકડિયાઓવાળું એક સાધન. કવિ કહે છે, એમણે જીવનજળમાં ડૂબી ગયેલ ઇચ્છાઓને અનેકવાર મીંદડીની મદદથી બહાર કાઢવાની કોશિશ કરી છે, પણ વૃથા! સરવાળે સંબંધ તો ખોખલો જ રહ્યો છે, વળી ગોબાઈ પણ ગયો છે. આ ખાલી સંબંધને વેંઢારવું પણ ભારઝલ્લું બની ગયું છે. સાથે હોઈએ તોય સાથ ન વર્તાય અવી નિર્જન પથ પર જૂની મીઠી યાદોના આંસુ છલકાયા વિના રહેતાં નથી. ખાલી ગાગર પણ છલકાય છે ત્યાં છે ખરી કવિતા!

મુખડું અને પ્રથમ બંધ જેટલો ગીતનો બીજો બંધ પ્રભાવક થયો નથી. વળી લોકો સાથે હલકોની પ્રાસસગાઈ પણ પ્રમાણમાં નબળી અનુભવાય છે. પણ છેલ્લી કડી ગીતને અદભુત રીતે કાવ્યશિખરે લઈ જાય છે. ઘસાઈ ગયેલી દોરી તૂટી ન જાય એ માટે ઘસારો હોય ત્યાં-ત્યાં ગાંઠ મારતાં જઈએ છીએ, પરિણામે દોરી સતત ટૂંકી થતી જાય છે. આ વાત લાગણીની ઘસાઈને ક્રમશઃ ટૂંકી થતી જતી દોરી સાથે સાંકળીને કવિએ કમાલ કરી છે.

Comments (8)

(જનમોજનમની આપણી સગાઈ) – મેઘબિંદુ

જનમોજનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન,
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન;
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ;
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

– મેઘબિંદુ

લંડનના શ્રી વિપુલ કલ્યાણીના ‘ઓપિનિયન’ સામયિકમાં ૧૩-૧૨-૨૦૧૮ના રોજ નંદિની ત્રિવેદીએ આ ગીત સાથે ટાંકેલ પ્રસંગ સાભાર એમના જ શબ્દોમાં જોઈએ:

કવિતાના શબ્દોનું વજન કેવું જબરજસ્ત છે, એની વાત કરતાં આ ગીતનાં ગાયિકા હંસા દવેએ એક ખૂબ સુંદર પ્રસંગ વર્ણવ્યો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે અમેરિકાની ટૂર પર હતાં અને ત્યાંના ડલાસ શહેરમાં એમનો કાર્યક્રમ હતો. હંસાબહેને આ ગીત શરૂ કર્યું. કાર્યક્રમ પૂરો થયો. ઓડિયન્સમાં એક પ્રોફેસર દંપતી બેઠું હતું. આંખમાં ઝળઝળિયાં સાથે બન્ને સ્ટેજ ઉપર આવ્યાં અને અમને કહ્યું, “અમારી વચ્ચે આઠ વર્ષથી અબોલા હતાં. બાળકોને ખાતર એક જ છત નીચે, એક જ ઘરમાં રહેવા છતાં અમે અલગ હતાં, પણ આ તમારાં ગીતની અમારા પર એવી અસર થઈ છે કે આજથી અમે સાથે મળીને સરસ રીતે જીવવાની કોશિશ કરીશું.” આનાથી મોટો પુરસ્કાર બીજો કયો હોઈ શકે? આશ્ચર્યજનક વાત તો હવે આવે છે. દસ વર્ષ બાદ અમદાવાદના ટાઉનહોલમાં અમારો કાર્યક્રમ હતો. પુરુષોત્તમભાઈએ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો. તમે માનશો? અમારા આશ્ચર્ય વચ્ચે એક બહેન ઊભાં થયાં અને એમણે કહ્યું કે એ હું જ એ વ્યક્તિ છું. અમેરિકાથી થોડા સમય માટે અમે અહીં અમદાવાદ આવ્યાં છીએ અને છેલ્લાં ૧૦ વર્ષથી સુંદર સહજીવન ગાળી રહ્યાં છીએ. કવિના શબ્દોની આ જ તો કમાલ છે! ધારદાર કવિતા કેટકેટલાંનું જીવન બદલી શકે છે.

Comments (9)

(કોનો સાદ છે!) – મેઘબિંદુ

ભૂલી જવી જે જોઈએ એ વાત યાદ છે,
બસ એટલે તો આપણી વચ્ચે વિવાદ છે.

ધાર્યું થયું ના એટલે વિવશ બની ગયો,
દૃષ્ટિ કરું છું જ્યાં હવે ઘેરો વિષાદ છે.

શ્રદ્ધા રહી ના એટલે શંકા વધી ગઈ,
મંઝિલ મળે ક્યાંથી હવે પ્રયત્ને પ્રમાદ છે.

એથી તમારા દ્વાર પર આવ્યો નહીં કદી,
સમજી ગયો’તો આપની મેલી મુરાદ છે.

છું એકલો ને આસપાસે રણની રિક્તતા
અથડાય છે જે કાન પર એ કોનો સાદ છે!

– મેઘબિંદુ

મત્લાનો શેર કેવો સરળ, સહજ પણ કેવો સચોટ! વાહ!

Comments (5)

બંદગી એણે કરી – મેઘબિંદુ

અંધકારે રોશની એણે કરી
રોશનીમાં દિલ્લગી એણે કરી

એક અફવાનો લઈને આશરો
ઝેર આખી જિંદગી એણે કરી

ફૂંકથી હું ના બુઝાયો એટલે
આસપાસે રોશની એણે કરી

કેમ એની વાતને માને ખુદા !
મોત માટે બંદગી એણે કરી

– મેઘબિંદુ

આપણી જિંદગીની વાસ્તવિક્તા રજૂ કરતા બીજા-ત્રીજા શેર ખૂબ ગમી ગયા. ફૂંકથી ન ઓલવાતા દીવાને ઝાંખો કરવા આજુબાજુ રોશની કરી ઝાંખો કરવાની વાત બીજાની લીટી નાની કરવાને બદલે આપણી લીટી લાંબી કરવી જોઈએવાળી વાતને સમાંતર જતી હોય એમ લાગે છે.

Comments (7)

ગઝલ – મેઘબિંદુ

એમનું ધાર્યું થશે તો શું થશે
જિંદગીના શ્વાસ પૂરા થઈ જશે

હા, નથી, સંબંધનો એ માનવી
જાણ છે બસ એટલી એના વિશે

છૂટવું મુશ્કેલ છે સંબંધથી
લાગણીનાં કેટલાં બંધન હશે

મૌન એનું જીરવી શકતો નથી
એ છતાં બોલે નહીં એ શું હશે

એ ક્ષણે તો શું કરી શકશે ભલા
નોંધ મારા મૃત્યુની તું વાંચશે

– મેઘબિંદુ

સરળ ભાષા અને સીધી વાત…

Comments (6)

(કોરો કાગળ) -મેઘબિન્દુ

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !

સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે,
દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં;
તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !

-મેઘબિન્દુ

મુંબઈમાં- મુલુંડમાં રહેતાં કવિ ‘મેઘબિન્દુ’નું આખું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જ.તા. – ૧૯૪૧).  વાંચ્યું છે કે એમની કવિતાનું મૂળ એમની અંગત સંવેદનામાં છે. જ્યારે પ્રિયજનને કાગળ લખવા બેસીએ ત્યારે ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય, પણ તોયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું, શું ના લખવું- ની વિમાસણમાં ડૂબી જવાય છે… અને એ વિમાસણમાં ને વિમાસણમાં જેમાં આખું હૈયું ઠાલવવાનું હોય છે એ કાગળ સાવ અધૂરો જ રહે છે… ઝળઝળિયાંથી આગળ તો જઈ જ નથી શકતું…!  આ સુંદર ગીતનો દિવ્ય ભાસ્કરની હયાતીનાં અક્ષર કોલમમાં આવેલો આસ્વાદ સુ.દ.નાં શબ્દોમાં અહીં વાંચો.

કવિશ્રીનાં કાવ્યસંગ્રહો : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય

Comments (17)