નથી બારણું ક્યાંય પાછા જવાનું,
સ્મરણને ફક્ત દ્વાર છે આવવાનું.
– રવીન્દ્ર પારેખ

(જનમોજનમની આપણી સગાઈ) – મેઘબિંદુ

જનમોજનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન,
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન;
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ;
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

– મેઘબિંદુ

લંડનના શ્રી વિપુલ કલ્યાણીના ‘ઓપિનિયન’ સામયિકમાં ૧૩-૧૨-૨૦૧૮ના રોજ નંદિની ત્રિવેદીએ આ ગીત સાથે ટાંકેલ પ્રસંગ સાભાર એમના જ શબ્દોમાં જોઈએ:

કવિતાના શબ્દોનું વજન કેવું જબરજસ્ત છે, એની વાત કરતાં આ ગીતનાં ગાયિકા હંસા દવેએ એક ખૂબ સુંદર પ્રસંગ વર્ણવ્યો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે અમેરિકાની ટૂર પર હતાં અને ત્યાંના ડલાસ શહેરમાં એમનો કાર્યક્રમ હતો. હંસાબહેને આ ગીત શરૂ કર્યું. કાર્યક્રમ પૂરો થયો. ઓડિયન્સમાં એક પ્રોફેસર દંપતી બેઠું હતું. આંખમાં ઝળઝળિયાં સાથે બન્ને સ્ટેજ ઉપર આવ્યાં અને અમને કહ્યું, “અમારી વચ્ચે આઠ વર્ષથી અબોલા હતાં. બાળકોને ખાતર એક જ છત નીચે, એક જ ઘરમાં રહેવા છતાં અમે અલગ હતાં, પણ આ તમારાં ગીતની અમારા પર એવી અસર થઈ છે કે આજથી અમે સાથે મળીને સરસ રીતે જીવવાની કોશિશ કરીશું.” આનાથી મોટો પુરસ્કાર બીજો કયો હોઈ શકે? આશ્ચર્યજનક વાત તો હવે આવે છે. દસ વર્ષ બાદ અમદાવાદના ટાઉનહોલમાં અમારો કાર્યક્રમ હતો. પુરુષોત્તમભાઈએ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો. તમે માનશો? અમારા આશ્ચર્ય વચ્ચે એક બહેન ઊભાં થયાં અને એમણે કહ્યું કે એ હું જ એ વ્યક્તિ છું. અમેરિકાથી થોડા સમય માટે અમે અહીં અમદાવાદ આવ્યાં છીએ અને છેલ્લાં ૧૦ વર્ષથી સુંદર સહજીવન ગાળી રહ્યાં છીએ. કવિના શબ્દોની આ જ તો કમાલ છે! ધારદાર કવિતા કેટકેટલાંનું જીવન બદલી શકે છે.

9 Comments »

  1. Naresh Kapadia said,

    September 18, 2021 @ 2:05 AM

    વાહ વાહ. કેવું સરસ.
    એવું માનીએ કે એ દંપત્તિ વચ્ચે કશુંક એવું હતું જે પીગળતું નહોતું. એને કોઈ નામ ન આપીએ. એ ઓગળ્યું, પીગળ્યું એટલું જ પૂરતું નથી શું? મોટી વાત એ છે કે એ દંપત્તિને એ ગીત અને તેના સારમાં શ્રદ્ધા બેઠી. કાગળના ફૂલોને બદલે સાચુકલા ફૂલોની સુગંધમાંની શ્રદ્ધાએ આવો ચમત્કાર સર્જ્યો હશે.
    મને આ સંદર્ભે ગની ચાચાની એક પંક્તિ યાદ આવે છે,
    શ્રદ્ધા જ મારી લઇ ગઈ મને મંઝીલ સુધી,
    રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.

  2. Mansi said,

    September 18, 2021 @ 2:31 AM

    સમજ અને પ્રેમ….ની સિમેન્ટ જોડે ઉદાસ મેડી…

  3. બીરેન ટેલર said,

    September 18, 2021 @ 4:15 AM

    કવિ અને કલાકાર ને આથી વિશેષ એવૉર્ડ મળે ખરો!

  4. saryu parikh said,

    September 18, 2021 @ 9:29 AM

    વાહ્ દર્દિલી અને હ્રદયસ્પર્શી.
    સરયૂ

  5. pragnajuvyas said,

    September 18, 2021 @ 10:18 AM

    પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે અમેરિકાની ટૂ દરમિયાન ગાયેલા ગીતની અસરની અદ્ભુત વાત ફરી માણી આનંદ
    મનમા ગુંજે
    ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
    ખરી પડ્યો એનોય રાગ
    ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
    તારી સુગંધને ક્યાં વેરી? આપણામાં સચ્ચાઈ અને લાગણી બેઉ હોય તો એનીય કિંમત ચૂકવવી પડે છે. સંવેદનશીલતા કેવડો મોટો શાપ બની બેસતી હોય છે. ત્યારે ન સમજાયેલી વાત આજે સમજાય છે !
    યાદ આવે ડૉ વિવેકજીની તીર ખૂંપેલા હરણની ચીસ-
    છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
    મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

    પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
    કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.
    ધન્યવાદ કવિશ્રી મેઘબિંદુના મધુરા ગીત માટે

  6. Poonam said,

    September 18, 2021 @ 12:10 PM

    મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
    વિસ્તરતી જાય છે આ કેડી.

    Aahaa…

  7. જયેન્દ્ર ઠાકર said,

    September 18, 2021 @ 1:40 PM

    સાંભળ્યુ ગીત અને દ્વિધા ટળી
    માણ્યું જીવનને મુક્તી મળી!
    કાવ્યનો આજ સાચો પ્રસાદ છે જે જીવનને વહેતું કરે છે…મુક્ત કરે છે

  8. Lata Hirani said,

    September 19, 2021 @ 3:47 AM

    ખૂબ ભાવસભર ગીત

  9. Indu ashah said,

    September 19, 2021 @ 8:08 PM

    સુંદર હ્રદય સ્પર્શિ ગીત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment