જુદા જુદા ધરમ મળે જુદા ખયાલ મળે,
નવાઈ છે કે સૌનું લોહી તો ય લાલ મળે.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

(લાગણીનાં દોરડાં) – મેઘબિન્દુ

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?
લાગણીનાં દોરડાં ઘસાયાં!
વાતોની વાવનાં ઊતરી પગથિયાં
અમે પાણી પીધું ને ફસાયા!

કેટલીય વાર મારી ડૂબેલી ઇચ્છાને
મીંદડીથી કાઢી છે બા’ર,
ગોબા પડેલી ખાલી ગાગરનો
મને ઊંચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ
તોયે સ્મરણોનાં નીર છલકાયાં.

અફવાઓ સુણી સુણીને મને રોજરોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે આંસુંના સથવારે
હૈયાનો બોજ કરું હલકો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય
ને લાગણીનાં દોરડાં ટુંકાયાં!

– મેઘબિંદુ

સંબંધ અને સમજણના નામે મોટા ભાગના લોકો પાસે ઉપલક વાતો જ રહી ગઈ છે. મોટાભાગના લોકો વાતોની વાવમાં જ ઊંડા ઊતરીને પાણી પીતાં રહે છે, પરિણામે જીવનના કૂવામાંથી જીવનઅમૃત કાઢવું શક્ય બનતું નથી. કારણ? લાગણીનાં દોરડાં જ ઘસાઈ ગયાં છે. હવે સંબંધની ગાગર કેમ કરીને ભરાશે? મીંદડી એટલે વાવ, કૂવા વગેરેમાં પડેલી વસ્તુ કાઢવાનું આંકડિયાઓવાળું એક સાધન. કવિ કહે છે, એમણે જીવનજળમાં ડૂબી ગયેલ ઇચ્છાઓને અનેકવાર મીંદડીની મદદથી બહાર કાઢવાની કોશિશ કરી છે, પણ વૃથા! સરવાળે સંબંધ તો ખોખલો જ રહ્યો છે, વળી ગોબાઈ પણ ગયો છે. આ ખાલી સંબંધને વેંઢારવું પણ ભારઝલ્લું બની ગયું છે. સાથે હોઈએ તોય સાથ ન વર્તાય અવી નિર્જન પથ પર જૂની મીઠી યાદોના આંસુ છલકાયા વિના રહેતાં નથી. ખાલી ગાગર પણ છલકાય છે ત્યાં છે ખરી કવિતા!

મુખડું અને પ્રથમ બંધ જેટલો ગીતનો બીજો બંધ પ્રભાવક થયો નથી. વળી લોકો સાથે હલકોની પ્રાસસગાઈ પણ પ્રમાણમાં નબળી અનુભવાય છે. પણ છેલ્લી કડી ગીતને અદભુત રીતે કાવ્યશિખરે લઈ જાય છે. ઘસાઈ ગયેલી દોરી તૂટી ન જાય એ માટે ઘસારો હોય ત્યાં-ત્યાં ગાંઠ મારતાં જઈએ છીએ, પરિણામે દોરી સતત ટૂંકી થતી જાય છે. આ વાત લાગણીની ઘસાઈને ક્રમશઃ ટૂંકી થતી જતી દોરી સાથે સાંકળીને કવિએ કમાલ કરી છે.

8 Comments »

  1. Poonam said,

    September 23, 2021 @ 5:10 AM

    નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
    તોયે સ્મરણોનાં નીર છલકાયાં…
    – મેઘબિંદુ – sama(ran)…

    Aaswad 👌🏻

  2. નેહા said,

    September 23, 2021 @ 5:28 AM

    વાહ કવિતા
    મસ્ત આસ્વાદ

  3. Harihar Shukla said,

    September 23, 2021 @ 7:10 AM

    વધતી ગાંઠો અને ટૂંકાતું દોરડું 👌
    ગાંઠો પાડવી જેટલી સહેલી, છોડવી એટલી જ અઘરી 👍

  4. praheladbhai prajapati said,

    September 23, 2021 @ 7:25 AM

    એક પછી એક ગાંઠ વધતી રે જાય
    ને લાગણીનાં દોરડાં ટુંકાયાં!
    NICE ,
    =UMAR NE AARE PAHOCHI GYAA ,

  5. pragnajuvyas said,

    September 23, 2021 @ 9:20 AM

    એકલી પડું ત્યારે આંસુંના સથવારે
    હૈયાનો બોજ કરું હલકો,
    એક પછી એક ગાંઠ વધતી રે જાય
    ને લાગણીનાં દોરડાં ટુંકાયાં!
    મેઘબિંદુની સંબંધ અંગે સંવેદનશીલ વાત
    સંબંધનાં સવાલો જટિલ હોય છે, કારણ કે એના જવાબો વ્યક્તિએ વ્યક્તિએ જુદા પડે છે. સંબંધનું કોઈ સ્પષ્ટ રૂપ હોતું નથી. સંબંધને તો સંવેદના સાથે સીધો સંબંધ છે. બે વ્યક્તિની સંવેદનાઓ મળતી આવતી હોય તો સંબંધમાં સત્વ રહે છે. બાકી, સંવેદનાઓમાં પણ અપ્સ અને ડાઉન્સ આવતાં હોય છે. ભરતી વખતે તો બધું ભર્યું ભર્યું લાગે છે, પણ ઓટ વખતે અધૂરપ વર્તાય છે..
    સંબંધ એટલે સ્વાર્થ વગરનું સગપણ…!!

  6. DILIPKUMAR CHAVDA said,

    September 23, 2021 @ 2:06 PM

    આહલાદક ગીત

  7. Nilesh Rana said,

    September 23, 2021 @ 4:20 PM

    સુન્દર કવિતા

  8. Parbatkumar said,

    September 24, 2021 @ 9:06 AM

    વાહ

    સબંધો વિશે અદભુત ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment