રંગ છે – હરીન્દ્ર દવે
આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.
ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.
છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જો જો, કે સાકીનો રંગ છે.
બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એ નો એ જ આ ધરતીનો રંગ છે.
કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કો’ક એમાં ખુદાઈનો રંગ છે.
– હરીન્દ્ર દવે
SARYU PARIKH said,
July 24, 2017 @ 9:36 AM
વાહ! કમાલનો રંગ.
સરયૂ પરીખ
Joy Christian said,
July 25, 2017 @ 1:23 AM
એમાં ખુદાઈનો રંગ છે.
વિવેક said,
July 25, 2017 @ 8:11 AM
બીજો શેર વાંચીને જવાહર બક્ષી યાદ આવ્યા વિના ન રહે:
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
-જવાહર બક્ષી