હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
મરીઝ

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાં
.                         આંગળીથી માખણમાં આંક્યાં;
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
.                         ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એનાં હોઠ બે બીડાયાં હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું ને સરી
.                         હાથેથી મોગરાની માળા;
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
.                         કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદાને કહો રે
કોઈ જઈને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

– હરીન્દ્ર દવે
(૧૯૬૧)

કાનકુંવરના પરાક્રમો અને ફરિયાદો હદપાર વધી ગયા હોવાનું પ્રતીત થતાં યશોદા માતા એને સીધો કરવા માટે શુદ્ધ હિંદુસ્તાની શૈલીમાં થાંભલા સાથે બાંધી રાખવાની સજા કરી પોતાના કામમાં પરોવાઈ ગયાં. એ પછીની ક્ષણોને કવિનો કેમેરા કેવી અદભુત રીતે ઝીલે છે એ જુઓ! ગીત બહુ જાણીતું છે પણ માખણ જેવું મુલાયમ છે અને વારંવાર મમળાવવું ગમે એવું છે…

3 Comments »

  1. pragnajuvyas said,

    February 19, 2022 @ 7:51 PM

    શ્રી હરીન્દ્રભાઈ ઍક વરિષ્ઠ પત્રકાર, લેખક, કવિ અને વિવેચક હતા.કૃષ્ણ પ્રત્યે ખાસ લગાવ હતો અને તેથી તેમણે ઘણા સુંદર કૃષ્ણ-ગીતો લખ્યા. દેહધારણથી દેહવિલય સુધીના કૃષ્ણ જીવન અને એમનાં કાર્યોનું આલેખન નારદની ભાવનાપ્રધાન દ્રષ્ટિથી કર્યું છે. કૃષ્ણના આંશિક રૂપ સમા નારદ પોતાની સમગ્રતારૂપી કૃષ્ણને પામવાનો પ્રયત્ન કરે છે તેમાં વર્તમાન જીવનમાં ખંડિત વ્યક્તિત્વ વડે અખંડ વ્યક્તિત્વને પામવાની જીવતા માણસની અભીપ્સા જોઈ શકાય. કૃષ્ણના જન્મની એંધાણી મળતાં જ તેમને મળવા નીકળતા નારદ દર વખતની જેમ થોડા મોડા પડે છે; અને અંતે કૃષ્ણે જીવનલીલા સંકેલી દીધી એ પછી જ તેમનાં દર્શન પામે છે. કૃષ્ણકથાના ચમત્કારોનું નિવારણ લેખકે કેટલાક ચમત્કારોને ગાળી નાખીને, કેટલાકને બુદ્ધિગ્રાહ્ય ઘટનારૂપે નિરૂપીને, તો કેટલાકને ભાવનાશીલ પાત્રોની દ્રષ્ટિથી નિરૂપીને કર્યું છે.
    આ અદ્ભુત ગીતને આશિત દેસાઈના સ્વરમાં સાંભળવાની મઝા કાંઇ ઔ !

  2. Parbatkumar Nayi said,

    February 19, 2022 @ 9:43 PM

    હરીન્દ્ર દવેનાં ઘણાં બધાં ગીત ગમે છે
    એમાંનું આ પણ એક

  3. Lata Hirani said,

    February 20, 2022 @ 1:19 PM

    સરસ કૃષ્ણગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment