પુરુરાજ જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 21, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પુરુરાજ જોશી
પછી પાછલી તે રાતની, નીંદરની પાનીમાં ઓચિંતી ભોંકાશે શૂળ
સમણાંની વેલ એવી છૂંદાશે, ખરી જશે ઓશિકે આંસુનાં ફૂલ!
ટેબલ અરીસો પેન પુસ્તક ને રેડિયો, બિછાનું ઉંબર ને બારણાં
આંખો ફરશે ને મારી મેડીના કણકણથી કલ૨વશે તારાં સંભારણાં,
પછી તારો અભાવ એવું મ્હોરશે કે સહરામાં મ્હોર્યું ના હોય કો બકુલ!
પછી પાછલી તે રાતની…
આયનામાં ભાળીશ તો દેખાશે મુખ તારું, છાયાને કેમ કરી બાંધવી?
મળવાના બિલ્લોરી કાચમાં પડેલ એક તીણી તે તડને શેં સાંધવી?
પછી સામસામા કાંઠા શા તરફડશું આપણે ને ટળવળશે તૂટેલો પુલ!
સમણાંની વેલ એવી છૂંદાશે…
વાયરાની સંગ તું તો વહી જાશે દૂર દૂર રહી જાશે આંહી તારી માયા
એક જ આકાશ નીચે હોવાનાં આપણે ને ભેળી નહીં થાય તોય છાયા
પછી તારાં તે ચરણોની મેંદીને ચૂમવા વલવલશે ફળિયાની ધૂળ !
પછી પાછલી તે રાતની…
– પુરુરાજ જોષી
કલાપીએ ‘કારણ પ્રીતિનું પ્રીતિ’ એમ કહ્યું પણ બે પ્રેમીઓના છૂટા પડવાનાં કારણોનું શું? ખેર, જે રીતે ‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી’ એ જ રીતે પ્રેમીઓના છૂટા પડવાના કારણ હોવા અને હોય તો જાહેર કરવા જરૂરી નથી. કવિ તો આમેય કારણો આપવા બંધાયેલ નથી. પાછલી રાતે અચાનક નીંદરની પાનીમાં શૂળ ભોંકાશે, ઊંઘ ઊડી જશે, પરિણામે સપનાંની વેલ છૂંદાઈ જતાં ઓશિકે આંસુના ફૂલ ખરશે એમ કહીને કવિ ગીત ઉપાડે છે. સાવ સરળ લાગતી વાત પણ પ્રતીકોના સમુચિત પ્રયોગને લઈને કેવી હૃદ્ય બની રહે છે! આઘાત તો છે પણ કવિએ શીર્ષકમાં કહ્યું એમ કૂણો છે. ઓચિંતી કોઈક વાત યાદ આવી જાય અને આંખમાં ઊંઘ અને સ્વપ્નોનું સ્થાન આંસુ લઈ લે પછી આંખ અંધારામાં ફાંફાં મારતી રહે છે… ઓરડાના કણેકણ સાથે પ્રિયજનનાં સંભારણાંઓ વણાયેલ છે. સંભારણાં તો મીઠાંય હોવાનાં. પરિણામે સહરાના રણમાં બકુલ મહોર્યું હોય એમ અભાવ મઘમઘી ઊઠે છે. આયનામાં જાત તો દેખાય પણ પોતે જેની છાયા છે એ છાયાને કઈ રીતે જોઈ શકાય? બિલોરી કાચ નાની વસ્તુને પણ મોટી કરી બતાવે. પણ અહીં તો મળવાના બિલોરી કાચમાં જ તીણી, ઝીણી નહીં, તડ પડી છે. બે જણ સામસામા કાંઠાની જેમ ભેગા થવા ટળવળતાં રહેશે પણ બંનેને સાંકળતો પુલ કોઈક કારણોવશ તૂટ્યો છે એનું શું? સામી વ્યક્તિ પહોંચબહાર ચાલી જાય ત્યારે એક જ આકાશ નીચે અલગઅલગ સ્થાને જીવતાં હોવાને લઈને એક ન થઈ શકાવાની વેદનાને રહી ગયેલ માયાના આશ્વાસનથી જ જીરવવાની છે. અલગતાની પીડાની પરાકાષ્ઠાને કવિએ એટલી તો નજાકતથી રજૂ કરી છે કે પતી ગયા પછી પણ ક્યાંય સુધી ગીત ઝીણી ફાંસની જેમ ધીમું-મધુરું સતત ભોંકાતું રહે છે…
Permalink
April 4, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પુરુરાજ જોશી
અજવાળું
ઘોંઘાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન !
અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતીક્ષા…
અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હૃદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.
– પુરુરાજ જોષી
અંધારાના નાના-વિધ shades ઉપસાવી આપતું મજાનું કાવ્ય. અછાંદસ હોવા છતાં કવિતાની ઘણીખરી પંક્તિઓમાં લય જળવાયેલો હોવાથી અંધારાનું સંગીત સાચે જ મંદ, મધુર વાયોલિન જેવું સંભળાય છે. કવિતાનો ઉપાડ વાંચતા જ તાઓ પંથનું મહાન વાક્ય યાદ આવે: “Darkness is eternal, light is a disturbance”
Permalink
April 5, 2011 at 8:27 PM by ધવલ · Filed under અછાંદસ, પુરુરાજ જોશી
અજવાળું
ઘોંધાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન!
અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતિક્ષા…
અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હ્રદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.
– પુરુરાજ જોષી
અંધારાનો એક બીજો રંગ !
Permalink
March 23, 2010 at 8:45 PM by ધવલ · Filed under ગઝલ, પુરુરાજ જોશી
બે ચાર છાંટાથી છીપે, એવી નથી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.
નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.
મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ એ રીતે સ્પરશ.
કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.
અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.
સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.
– પુરુરાજ જોષી
મન મૂકીને વરસવા મજબૂર કરી દે એવી મોહક ગઝલ.
Permalink
November 21, 2007 at 12:11 AM by ઊર્મિ · Filed under ગીત, પુરુરાજ જોશી
કારતકમાં શી કરી ઝંખના !
માગશરમાં મન મોહ્યાં સાજન !
પોષે રોષ કીધા કંઈ કપરા
મોઘે મબલખ રોયાં સાજન !
ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !
ચૈતરમાં ચંપો મૂરઝાયો
વૈશાખી વા જોયા સાજન !
જેઠે આંધી ઊઠી એવી
નેણ આષાઢી લ્હોયાં સાજન !
શ્રાવણનાં સમણાનાં મોતી
ભાદરવે ક્યાં પ્રોયાં સાજન !
આસોમાં સ્મરણોના દીવા
રૂંવે રૂંવે રોયાં સાજન !
-પુરુરાજ જોશી
ગાગાગાગા ગાગાગાગા ગઝલનાં છંદમાં લખાયેલાં આ કાવ્યને આપણે ગઝલ કહીશું, કે ગીત? (કે પછી ગીતઝલ?)
Permalink