કૂણા આઘાતનું ગીત – પુરુરાજ જોષી
પછી પાછલી તે રાતની, નીંદરની પાનીમાં ઓચિંતી ભોંકાશે શૂળ
સમણાંની વેલ એવી છૂંદાશે, ખરી જશે ઓશિકે આંસુનાં ફૂલ!
ટેબલ અરીસો પેન પુસ્તક ને રેડિયો, બિછાનું ઉંબર ને બારણાં
આંખો ફરશે ને મારી મેડીના કણકણથી કલ૨વશે તારાં સંભારણાં,
પછી તારો અભાવ એવું મ્હોરશે કે સહરામાં મ્હોર્યું ના હોય કો બકુલ!
પછી પાછલી તે રાતની…
આયનામાં ભાળીશ તો દેખાશે મુખ તારું, છાયાને કેમ કરી બાંધવી?
મળવાના બિલ્લોરી કાચમાં પડેલ એક તીણી તે તડને શેં સાંધવી?
પછી સામસામા કાંઠા શા તરફડશું આપણે ને ટળવળશે તૂટેલો પુલ!
સમણાંની વેલ એવી છૂંદાશે…
વાયરાની સંગ તું તો વહી જાશે દૂર દૂર રહી જાશે આંહી તારી માયા
એક જ આકાશ નીચે હોવાનાં આપણે ને ભેળી નહીં થાય તોય છાયા
પછી તારાં તે ચરણોની મેંદીને ચૂમવા વલવલશે ફળિયાની ધૂળ !
પછી પાછલી તે રાતની…
– પુરુરાજ જોષી
કલાપીએ ‘કારણ પ્રીતિનું પ્રીતિ’ એમ કહ્યું પણ બે પ્રેમીઓના છૂટા પડવાનાં કારણોનું શું? ખેર, જે રીતે ‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી’ એ જ રીતે પ્રેમીઓના છૂટા પડવાના કારણ હોવા અને હોય તો જાહેર કરવા જરૂરી નથી. કવિ તો આમેય કારણો આપવા બંધાયેલ નથી. પાછલી રાતે અચાનક નીંદરની પાનીમાં શૂળ ભોંકાશે, ઊંઘ ઊડી જશે, પરિણામે સપનાંની વેલ છૂંદાઈ જતાં ઓશિકે આંસુના ફૂલ ખરશે એમ કહીને કવિ ગીત ઉપાડે છે. સાવ સરળ લાગતી વાત પણ પ્રતીકોના સમુચિત પ્રયોગને લઈને કેવી હૃદ્ય બની રહે છે! આઘાત તો છે પણ કવિએ શીર્ષકમાં કહ્યું એમ કૂણો છે. ઓચિંતી કોઈક વાત યાદ આવી જાય અને આંખમાં ઊંઘ અને સ્વપ્નોનું સ્થાન આંસુ લઈ લે પછી આંખ અંધારામાં ફાંફાં મારતી રહે છે… ઓરડાના કણેકણ સાથે પ્રિયજનનાં સંભારણાંઓ વણાયેલ છે. સંભારણાં તો મીઠાંય હોવાનાં. પરિણામે સહરાના રણમાં બકુલ મહોર્યું હોય એમ અભાવ મઘમઘી ઊઠે છે. આયનામાં જાત તો દેખાય પણ પોતે જેની છાયા છે એ છાયાને કઈ રીતે જોઈ શકાય? બિલોરી કાચ નાની વસ્તુને પણ મોટી કરી બતાવે. પણ અહીં તો મળવાના બિલોરી કાચમાં જ તીણી, ઝીણી નહીં, તડ પડી છે. બે જણ સામસામા કાંઠાની જેમ ભેગા થવા ટળવળતાં રહેશે પણ બંનેને સાંકળતો પુલ કોઈક કારણોવશ તૂટ્યો છે એનું શું? સામી વ્યક્તિ પહોંચબહાર ચાલી જાય ત્યારે એક જ આકાશ નીચે અલગઅલગ સ્થાને જીવતાં હોવાને લઈને એક ન થઈ શકાવાની વેદનાને રહી ગયેલ માયાના આશ્વાસનથી જ જીરવવાની છે. અલગતાની પીડાની પરાકાષ્ઠાને કવિએ એટલી તો નજાકતથી રજૂ કરી છે કે પતી ગયા પછી પણ ક્યાંય સુધી ગીત ઝીણી ફાંસની જેમ ધીમું-મધુરું સતત ભોંકાતું રહે છે…
pragnajuvyas said,
September 21, 2023 @ 8:01 PM
કવિશ્રી પુરુરાજ જોષીનુ ઝીણી ફાંસની જેમ ધીમું-મધુરું સતત ભોંકાતું ગીત.
ડૉ વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ
નારાજગી બે વ્યક્તિઓ વચ્ચેનો અંગત અને પોતીકો વ્યવહાર છે.મનાવવાવાળું કોઈ ન હોય તો નારાજગીની કોઈ મજા નથી.
યાદ આવે
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
મનમાં ગુંજે હ્રુ લતાજીનો મધુર સ્વર
હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે … હંસલા હાલો રે
Tanu patel said,
September 22, 2023 @ 5:52 AM
ગીતની ધ્રુવ પંક્તિ જ કેટલી સરસ,પછી પાછલી તે રાતનો…
ઘરવખરી સાથે સંકળાયેલી યાદોનાં સંભારણાં..
સરસ ગીત…..
સાથે વિવેકભાઈ નો સરસ આસ્વાદ….
Neela sanghavi said,
September 22, 2023 @ 11:28 AM
ઓશિકે આંસુના ફૂલ….ક્યા બાત.સમગ્ર રચનાના કલ્પનો અદ્ભુત. વિવેકભાઈએ કરાવેલ રસાસ્વાદ તો સોને પે સુહાગા.
Poonam said,
September 26, 2023 @ 12:05 PM
પછી તારો અભાવ એવું મ્હોરશે કે સહરામાં મ્હોર્યું ના હોય કો બકુલ!
પછી પાછલી તે રાતની… Hummm
– પુરુરાજ જોષી –
Aaswad 👍🏻