મારા માધવને દીઠો છે ક્યાંય? – હરીન્દ્ર દવે
વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય
મારગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય?
યમુનાનાં વહેણ તમે મૂંગાં છો કેમ? અને રાધાની આંખ કાં ઉદાસ?
વહી જતી આ લેરખી વ્યાકુળ કરે અહીં, સરતી આ સાંજનો ઉજાસ.
બ્હાવરી વિભાવરીનાં પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી ન્હાય..
મારા માધવને…
ઊડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે સાચવશું સુંવાળા રંગ,
મારી તે મોરલીના આભમાં ઊગે છે એક શ્યામના તે નામનો મયંક.
જળમાં તે તેજ એવું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય..
મારા માધવને…
– હરીન્દ્ર દવે
મૂળથી અળગાં થઈ ગયાની વેદના ઉજાગર કરતું મજાનું ગીત. સૂર વાંસળીથી, ભક્ત ઈશ્વરથી અને કવિ શબ્દથી અળગાં થઈ જાય ત્યારે આવી પીડા થાય. કૃષ્ન સાથે સંલગ્ન પ્રતીકો વિરહવ્યથાના પોતને ઘાટો કરતા જાય છે. પ્રભુના પ્રેમની ટપાલ લઈને મોર્પિચ્છ ઊડતું આવે તો જીવનમાં શ્યામ નામનો ચંદ્રોદય થાય છે અને એનું તેજ ભીતર એવું રેલાય છે કે તળિયે ખોવાઈ ગયેલો હરિવર પણ જડી આવે છે… વાત મૂળથી છૂટાં થઈ જવાની સમજ અને તરણાંના સહારે ભવસાગર પાર કરી જવાની તત્પરતાની જ છે.
Rakesh Thakkar, Vapi said,
April 14, 2017 @ 1:38 AM
મજાનું ગીત.
જળમાં તે તેજ એવું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય..
મારા માધવને…
ketan yajnik said,
April 14, 2017 @ 9:30 AM
માંડવ ક્યાંય નથી ની પ્રસ્તાવનાનું મથાળું ” વિરહ માં મિલનની શોધ”
Pravin Shah said,
April 14, 2017 @ 10:49 PM
અમે સાચવશું સુંવાળા રંગ… સુંદર ગીત…
અનિલભાઈ મકવાણા said,
March 5, 2019 @ 11:39 PM
આ કાવ્ય શેમાંથી લીધું છે
વિવેક said,
March 6, 2019 @ 12:47 AM
@ અનિલભાઈ મકવાણાઃ
યાદ નથી… આપને કંઈ અગત્યનું કામ હોય તો શોધવાની મહેનત કરું.
અનિલભાઈ મકવાણા said,
March 6, 2019 @ 4:22 AM
હા ધોરણ – 10 માટે જરૂર છે કાલે ગુજરાતી નું પેપર છે