વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા
ભરત વિંઝુડા

ગગન – હરીન્દ્ર દવે

શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.

વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજ૨ જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !

પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !

મારું આખું ગગન એક એ પાંદડું.

– હરીન્દ્ર દવે

ફરી વખત – મીરાંબાઈ યાદ આવે –

” ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે ”

આપણે પોતે જવાબદાર હોઈએ છીએ આપણી કુંઠિત દ્રષ્ટિના…. આપણો ઘૂંઘટ/આપણું પર્ણ આપણે ખસેડવાનું છે…

2 Comments »

  1. pragnajuvyas said,

    September 28, 2022 @ 11:36 PM

    આ કવિશ્રી હરીન્દ્ર દવે ની પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલા આ ગીત ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે. આ કવિએ પણ પૃથ્વી અને વિરાટ વ્યોમના સંબંધને સમજતી વેળા એ નિરર્થકતા અનુભવી છે, આપણે ખાબોચિયામાં જીવતા હોઈએ છીએ – અને તરસ તથા તૃપ્તિના ભ્રમને પોસતા હોઈએ છીએ. પણ એક વાર આ ખાબોચિયાનું માપ સમજાઈ જાય ત્યારે અહીંના સઘળા સંબંધો, સઘળી સુવાસો, વિષ કે અમૃત – એ બધાનું અસ્થાયીપણું સમજાઈ જાય છે.
    અહીં એવો વિરાટ પ્રશ્ન નથી, પણ વ્યથાનું નાનકડું આશ્ચર્યચિહ્ન છે ! મન ગૂંગળાઈ ગયું છે. મનને જે કહેવું છે એ પ્રગટપણે કહી શકાતું નથી. અને સરળતાથી નિસાસો મૂકી શકાય એટલું નિર્બંધ મન પણ નથી ! કવિ આ વાતને હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. ક્યારેક ધરતીની ચારે દિશાઓમાંથી આપણને સ્નેહલિંગન કે સાંત્વન મળ્યું હોય છે, પણ આજે પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
    ને મને પર્ણ !
    મારું આખું ગગન એક એ પાંદડું.
    માણસને જ્યારે વિરાટ પ્રકૃતિ, બ્રહ્માંડોની અસીમ પરંપરાનો સંદર્ભ સમજાય છે ત્યારે એની તરસ અને તૃપ્તિ બંનેના અર્થો બદલાઈ જાય છે. ‘સિતારોસે આગે જહાં ઔર ભી હૈ’ એમ ઇકબાલ કહે છે, ત્યારે એ આ સૃષ્ટિ સાથેના આપણાં નાનાં નાનાં અનુબંધો, નાનાં સુખો કે નાના વિષાદોની હાંસી નથી કરતાં, એની નિરર્થકતા સમજાવે છે.
    ડૉ તીર્થેશનો સરસ આસ્વાદ
    ધન્યવાદ

  2. વિવેક said,

    September 29, 2022 @ 12:04 PM

    અદભુત રચના…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment