સ્મિત – હ્યૂ શીલ – અનુ.- હરીન્દ્ર દવે
દસ કે વધુ વર્ષ પહેલાં
એક પુરુષે મારી સામે સ્મિત કર્યું,
ત્યારે મને કશી જ ગમ ન પડીઃ
માત્ર તેના સ્મિતનું સૌજન્ય અનુભવાયું.
એ પુરુષનું શું થયું એની મને જાણ નથીઃ
પણ હજી ટકી રહ્યું છે એ સ્મિતઃ
એને ભૂલી નથી શકતી એટલું જ નહીં,
જેમ એનો વધુ વિચાર કરું છું એમ એ વધુ નિકટ લાગે છે.
એના માટે મેં લખ્યાં છે ઘણાં પ્રેમગીતો,
ઘણી યે પરિસ્થિતિમાં એને વણી લીધો છે;
કેટલાકે વેદનાને જોવા પ્રયત્ન કર્યો છે,
કેટલાકે હર્ષને.
વેદના પણ ઠીક છે અને હર્ષ પણઃ
એ બધાથી ૫૨ એક જ વસ્તુ રહે છે – પેલું સ્મિત,
એ સ્મિત કરનાર માણસ મને હજી મળ્યો નથી
પણ એના સ્મિતના સૌજન્ય માટે હું કૃતજ્ઞ છું.
– હ્યૂ શીલ ( ચીની ભાષા ) – અનુ.- હરીન્દ્ર દવે
ઘણીબધી રીતે અર્થઘટન શક્ય છે – સામાન્ય વાચ્યાર્થ પણ યોગ્ય જ છે…. કદાચ આવું કંઈ બન્યું જ ન હોય અને માત્ર વિશફુલ થિન્કિંગ જ હોય કવયિત્રીનું…. કદાચ સાવ ભિન્ન વાત પણ હોય અને એ સ્મિત કોઈ બીજા માટે હોય જે કવયિત્રી પોતા માટે સમજી બેઠી હોય… કવયિત્રીની કલ્પનાના ઘોડાઓ દોડવા માટે એટલા આતુર હતાં કે એક સ્મિત થયું-ન થયું અને વછૂટ્યા સીધા હણહણતા…… જે પણ હોય – ન હન્યતે યાદ આવી જાય…. પાકિઝાનો ટ્રેનના ડબ્બાનો અમર સિન યાદ આવી જાય – “ આપ કે પાંવ દેખે……”
pragnajuvyas said,
July 13, 2022 @ 10:01 PM
હ્યૂ શીલ નું સુંદર કાવ્ય અને મા. હરીન્દ્ર દવેનો સ રસ અનુવાદ
વારંવાર માણ્યું કાવ્ય
ઘણા ખરાના અનુભવની વાત !
એક વાર હું હોસ્પિટલમા સંબંધીને મળી આવતી હતી ત્યાં એક વૃધ્ધ દર્દી કોઇની રાહ જોતો હોય તેમ લાગ્યું .મેં સહજતાથી તેના કપાળ પર હાથ મુક્યો ત્યાં તેણે છેલ્લો શ્વાસ લેતા પહેલા સ્મિત આપ્યું…. વાતને વર્ષો થયા પણ મને નથી ભુલાતું મરનાર વ્યક્તિના ચહેરા પર રમતા સંતોષના છેલ્લા સ્મિત બનવાનું સદભાગ્ય
વિવેક said,
July 14, 2022 @ 5:44 PM
સૈફ પાલનપુરીની અમર નઝમ ‘શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી’ પણ યાદ આવી જાય…