કહેવાય નહીં – હરીન્દ્ર દવે
આમ એવી શૂન્યતા છે કે હવે રહેવાય નહીં ,
તારી યાદ આવે ને જીવી જાઉં તો કહેવાય નહીં.
આ અરીસાના બધા ટુકડા વીણો તો શું થશે ?
ત્યાં જે દેખાતો હતો ચહેરો હવે દેખાય નહીં.
હું તો અવળે માર્ગ ચાલુ છું હવે હાથે કરી,
તું ન ધારે ત્યાં સુધી તારા લગી પ્હોંચાય નહીં.
હું સુરાલયમાં તો મારા પાયને વાળી શક્યો,
કેવું આ કે હાથે પ્યાલો છે ને હોઠે જાય નહીં.
એથી તારા સાથનો મહિમા વધી જાતો હશે,
ચાલનારો હું,છતાં મારા સુધી પ્હોંચાય નહીં.
તું ભલે મઝધારનું તોફાન માનીને ઝૂઝે,
ને કિનારે નાવ પહોચી જાય તો કહેવાય નહીં.
– હરીન્દ્ર દવે
yogesh shukla said,
November 3, 2014 @ 7:17 AM
સુંદર રચના ,
હું તો અવળે માર્ગ ચાલુ છું હવે હાથે કરી,
તું ન ધારે ત્યાં સુધી તારા લગી પ્હોંચાય નહીં.
Dhaval Shah said,
November 3, 2014 @ 8:20 AM
આ અરીસાના બધા ટુકડા વીણો તો શું થશે ?
ત્યાં જે દેખાતો હતો ચહેરો હવે દેખાય નહીં.
– સરસ !
kiran said,
November 4, 2014 @ 5:56 AM
આ અરીસાના બધા ટુકડા વીણો તો શું થશે ?
ત્યાં જે દેખાતો હતો ચહેરો હવે દેખાય નહીં.
સરસ
Sandip Bhatia said,
November 5, 2014 @ 1:19 PM
પ્રિય શ્રી તીર્થેશભાઇ,
હરીન્દ્ર દવેની રચના રસસભર હોવા બાબતે બેમત ન હોય. પણ ‘લયસ્તરો’ના શરુઆતથી ચાહક હોવાને કારણે કાવ્યની સાથે સાથે જ એક સ્વતંત્ર કાવ્ય જેવા આસ્વાદ વાંચવાનો એવો ચસ્કો લાગ્યો છે કે એકલું કાવ્ય મોરપિચ્છ વગરના કાનુડા જેવું લાગે છે.
સપ્રેમ !
tirthesh said,
November 6, 2014 @ 12:54 AM
thanks sandeepbhai , હું બને ત્યાં સુધી ટિપ્પણી લખવાનું ટાળું છું. રચના જો સુસ્પષ્ટ હોય તો તેને જરાય explicate કરતો નથી. મારા નમ્ર મત પ્રમાણે ભાવકને prejudice વગર રચનાનો આનંદ માણવા મળે તો કૃતિની સુંદરતા ભાવક પોતે પોતાની depth અનુસાર મનભરીને માણી શકે. જ્યાં રચના કલિષ્ટ હોય અથવાતો વાચ્યાર્થ અને ભાવાર્થ જુદા હોય ત્યાં બને તેટલી ટૂંકી ટિપ્પણી લખતો હોઉં છું. આ થોડો મારો અંગત આગ્રહ છે તેથી હું બને ત્યાં સુધી comment લખતો નથી. બાકી આપની વાત સાથે હું પૂર્ણપણે સંમત છું અને ભવિષ્યમાં એ વાત ખાસ ધ્યાનમાં પણ રાખીશ જ…thanks !
Suesh Shah said,
March 30, 2015 @ 1:25 AM
આમ એવી શૂન્યતા છે કે હવે રહેવાય નહીં ,
તારી યાદ આવે ને જીવી જાઉં તો કહેવાય નહીં.
કેવી વિવષતા! તારા વિના રહેવાતું નથી; તો ય તારી યાદ આવે ને જીવી જાઉં તો કહેવાય નહીં.
કાંઈ કહેવાય નહિં ….
આ અરીસાના બધા ટુકડા વીણો તો શું થશે ?
ત્યાં જે દેખાતો હતો ચહેરો હવે દેખાય નહીં.
એક વાર જે સ્ંબ્ંધ તુટે, એ સંધાય તો ય એમાં ગાંઠ રહી જાય છે.
ખૂબ સુંદર.
આભાર.
– સુરેશ શાહ, સિંગાપોર