યાદ નથી….- હરીન્દ્ર દવે
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ
પછી રાત કે બપોર હતી, યાદ નથી;
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ
રૂપેરી કોર હતી, યાદ નથી!
ચૈતરની રાતમાં આ તારી જુદાઈ
જાણે અગની પ્રગટે ને ઝાળ ક્યાંય ના;
લૂ-દાઝી લ્હેરખીમાં જઈ બેઠું મન ક્યાંક
તોયે દેખાય ડાળ ક્યાંય ના;
અમથા તો સાબદા ન થાય અહીં કોઈ
જરા અમથી ટકોર હતી, યાદ નથી.
પળમાં વરણાગી ને પળમાં વેરાગી
–સાવ સીધાં ચઢાણ, ઢાળ ક્યાંય ના,
બોરડીના જંગલમાં ભટકું છું રોજ, છતાં
પૂછો તો મારી ભાળ ક્યાંય ના,
આમ તો સવાર-સાંજ સરખાં ને તોય
વેળા આથમણે પ્હોર હતી, યાદ નથી.
હરીન્દ્ર દવે
કવિ સામે આખું જગત છે, પણ કવિને એનું ભાન નથી. અન્યમનસ્ક અવસ્થાએ ભટક્યા કરે છે….ખોળિયે માત્ર શ્વાસ ચાલે છે, માંહ્યલો ક્યાંક નોખે જ છે….
વિવેક said,
January 27, 2021 @ 7:50 AM
મજાનું ગીત…
pragnajuvyas said,
January 27, 2021 @ 11:31 AM
હરીન્દ્ર દવેના શબ્દોમાં પણ કંઈક અજબ તાકાત છે.
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ
પછી રાત કે બપોર હતી, યાદ નથી;
પંક્તિ વાંચીને તો વાહ જ પોકારી ઉઠાય.