ક્યાંક તારા સ્પર્શથી જીવંત થઈ ગઈ છે શિલા,
ક્યાંક પથરાઓ ડૂબ્યા છે એક તારા સ્પર્શથી.
વિવેક મનહર ટેલર

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે

5 Comments »

  1. perpoto said,

    June 3, 2013 @ 4:24 AM

    અગની અડકે…
    એક જ દે ચીનગારી મહાનલ યાદ આવે…

  2. Laxmikant Thakkar said,

    June 3, 2013 @ 8:00 AM

    “અગની અડકે તો જરા પ્રજળું
    હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.”
    -ઈશ્વરે આવી ” સ્પાર્ક ” ની શક્યતા દરેકમાં મૂકી જ છે…
    “પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, “ની પ્રાર્થના -અર્દાસ વિનન્તિ …સહજ જ થૈ જતી હોય છે સુપાત્ર
    જીવ દ્વારા…જ્યારે અંતરના તાર અન્હદ સાથે અચાનક જોડાઈ જતા હોય છે…જ્યારે એ પલાંઠી વાળી શાંત ચિત્ત થઈ બે સે છે ત્યારે …ક્યારેક …
    — લા કાંત / ૩-૬-૧૩

  3. pragnaju said,

    June 3, 2013 @ 8:17 AM

    શ્રી હરીન્દ્ર દવેના પોતાના અવાજમાં ગી ત માણવું એક લ્હાવો છે

    સહજ ઉઘડતી ગહનતાથી તેની અનુભૂતિ થાય

    પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
    લઈ લો આ આંખડીના નૂર.

  4. Dhaval Shah said,

    June 3, 2013 @ 12:16 PM

    આપણા સૌથી ઉત્તમ ગીતોમાંથી એક !

  5. M.D.Gandhi, U.S.A. said,

    June 4, 2013 @ 1:10 AM

    બહુ સુંદર ગીત છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment