પુસ્તક ઊઘાડતાં શું જૂનું ગુલાબ મહેકે?
ના, ફૂલ એ સૂકું નહિ, પણ યાદ એક ચહેકે.
- વિવેક મનહર ટેલર

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને – પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને હું મારી ઉદાસ જાળને
તારાં સાગરનેત્રોની દિશામાં પાથરું છું.

ત્યાં સર્વોચ્ચ ઉજાસમાં મારું એકાંત લંબાઈને પ્રજ્વળી ઊઠે છે,
ડૂબતા માણસની જેમ તેના હાથ તરફડે છે.

સાગર કે દીવાદાંડી પાસેના કિનારા જેવી ગંધવાળી
તારી અવિદ્યમાન આંખોની આરપાર હું
પાઠવું છું રક્તિમ સંકેતો.

તું રાખે છે માત્ર ગહન અંધકાર, ઓ મારી અતીતની સંગિની,
તારા આદરમાંથી કવિચત્ છલકે છે ત્રસ્ત કિનારો.

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને, હું તારાં સાગરનેત્રોમાંથી છલકતા દરિયામાં ફેંકું છું મારી ઉદાસ જાળોને.

હું તને પ્રેમ કરતો હોઉં એ ક્ષણના અમારા અંતરાત્મા
માફક ચમકતા પ્રથમ તારાઓને
રાત્રિનાં પંખીઓ ચાંચથી ટોચે છે.

રાત્રિ તેની છાયાઘોડલી ૫૨ સવા૨ થઈ
રેવાલ ગતિએ ચાલે છે.
ભૂરી પર્ણ-ઝૂલોને ખેરતી.

– પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

પાબ્લો નેરુદના પ્રણયકાવ્યો સમગ્ર વિશ્વમાં સુખ્યાત ! અંગત રીતે મને ગમતો કવિ, પણ તેઓની રાજકીય વિચારધારા જરાપણ ન સમજાય… હશે…આપણી નિસ્બત કવિતા સાથે છે…

વિદેશી ભાષાની કવિતાઓનો સમજાવી થોડી મુશ્કેલ હોય છે-તેનું ક્લેવર આપણી કવિતા કરતાં ખાસું નોખું હોય છે. સામાન્ય રીતે તેઓ કોઈ સ્પષ્ટ સંદેશ આપવા અથવા તો કોઈ કેન્દ્રીય વિચાર ને વ્યક્ત કરવા માંગતા હોય તેવું નથી હોતું, પણ તેઓ એક ભાવવિશ્વ સર્જે છે અને તેમાં ભાવક પોતાની રીતે તરબોળ થઈ શકે. અહીં ઢળતી સાંજે સાગરતટે બેઠેલો એક કલાન્ત નિરાશ પ્રેમી બહાર જે જુએ છે અને અનુભવે છે તેને પોતાના આંતરિક જગતના પરિપ્રેક્ષ્યમાં કવિતામાં કહે છે….તર્કસંગતતા ન પણ હોય, અમુક ઉદ્ગાર મને નથી સમજાતાં, પણ કવિ સાથે એક ભાવનાત્મક ઐક્ય હું અનુભવી શકું છું……

3 Comments »

  1. pragnajuvyas said,

    April 25, 2023 @ 8:26 PM

    કવિશ્રી પાબ્લો નેરુદાનુ જાણીતુ કાવ્ય માણતા મા હરીન્દ્ર દવે નો અનુવાદ ઉતમ શબ્દશ, શબ્દાનુસારી , અર્થાનુસારી અને રસાનુસારી છે.
    Leaning into the afternoons,
    I cast my sad nets towards your oceanic eyes.
    There, in the highest blaze my solitude lengthens and flames;
    Its arms turning like a drowning man’s.
    I send out red signals across your absent eyes
    That wave like the sea, or the beach by a lighthouse.
    You keep only darkness my distant female;
    From your regard sometimes, the coast of dread emerges.

    Leaning into the afternoons,
    I fling my sad nets to that sea that is thrashed
    By your oceanic eyes.
    The birds of night peck at the first stars
    That flash like my soul when I love you.
    The night, gallops on its shadowy mare
    Shedding blue tassels over the land…

    આ કાવ્ય ની અનુભિતી માણીએ

    “બપોર સુધી ઝુકાવવું” એ સંબંધના અંત અથવા મૃત્યુ માટેનું રૂપક છે. બપોર એ પ્રેમ સંબંધના છેલ્લા હાંફવાનું પ્રતીક છે, અને પછી સાંજનો અંધકાર ઉતરશે.
    “હું તમારી દરિયાઈ આંખો તરફ મારી ઉદાસી જાળી નાખું છું” વાક્ય વક્તાઓ સ્ત્રીની આંખો પર નિયંત્રણ મેળવવાની અસમર્થતાને દર્શાવે છે. મહાસાગરનો અર્થ છે સમુદ્ર સાથે સંબંધિત, અને અપાર અને અનંત. જાળી પ્રવાહી સમુદ્રને પકડી શકતી નથી.
    ધન્યવાદ ડો તીર્થેશ

  2. વિવેક said,

    April 26, 2023 @ 6:13 PM

    વિદેશી કવિઓની કાવ્યકૃતિઓના અનુવાદ સાથે ભાગ્યે જ કોઈ ગુજરાતી અનુવાદકે મૂળ કૃતિને મૂકવાનું ઔચિત્ય સેવ્યું હશે. હરીન્દ્ર દવે કવિ તરીકે ઉત્તમ પણ અનુવાદક તરીકે કેટલા એ એક સવાલ છે. કવિતાનો શબ્દશઃ અનુવાદ કરવાની કોશિશ ક્યારેક બૂમરેંગ પણ સાબિત થાય. ચુસ્ત અનુવાદ અને ભાવાનુવાદ –આ બેની વચ્ચે અનુવાદકે સામંજસ્ય કેળવીને કામ કરવાનું હોય છે. દરેક ભાષાના શબ્દપ્રયોગોની અલગ અર્થચ્છાયા હોય છે, શબ્દોનો અનુવાદ કરતી વખતે ભાષાપ્રયોગ મરી પરવારે તો અનુવાદ પ્રત્યાયનક્ષમ બની ન શકે. આ રચનામાંથી જ બે’ક ઉદાહરણ લઈએ:

    Afternoon નું ગુજરાતી ઢળતી બપોર, પાછલો પહોર કે અપરાહ્ન કરવાના બદલે કવિએ ઢળતા મધ્યાહ્ન કર્યું છે, જે કાવ્યારંભે જ ખટકો જન્માવે છે. ઢળતાની સાથે ઝૂકીને – બે એકસમાન અર્થવાળા શબ્દો ભાવકને વિડંબનામાં નાખે છે. solitude lengthensમાં lengthensનો કવિએ શબ્દશઃ અનુવાદ લંબાવું કર્યો છે, જેની એકાંત સાથે ગડ બેસતી નથી. એકાંત વિસ્તરવું વધુ ઉચિત ન લાગે? સાગર કે દીવાદાંડી જેવી ગંધવાળી પંક્તિ પરથી અનુમાન કરી શકાય કે કવિએ મૂળ સ્પેનિશ કવિતાનો કદાચ અન્ય કોઈ અંગ્રેજી અનુવાદ આધારભૂત ગણ્યો હશે.

    બીજી તરફ, છાયાઘોડલી, ટોચવું તથા પર્ણ-ઝૂલો જેવા શબ્દો ઉત્તમ કારયિત્રી પ્રતિભાનો સાક્ષાત્કાર પણ કરાવે છે એય નોંધવું રહ્યું.

  3. ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને – પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે ) – Bhasha Abvhivyakti said,

    August 20, 2023 @ 11:17 PM

    […] Permalink […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment