મહોબત છેડ એવા સૂર કે તડપી ઉઠે બેઉ
નયન દીપકને ઝંખે છે ને હૈયું મલ્હાર માગે છે
– અમર પાલનપુરી

ભૂલ – હરીન્દ્ર દવે

અડકીને ચાલો તોય અળગા, સાજન,
હોઠ મલકે ને ખીલે નહીં ફૂલ,
સેજમાં તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂળ.

મનમાં ઊઠે છે કેવા કેવા તરંગ,
હવે ‘કોને કહું’ ‘કોને કહું’ થાતું,
પાસે ને પાસે તમે આવો ને મન મારું
અદકું ને અદકું મૂંઝાતું;
વેણમાં ન હૈયાનાં પ્રોવાતાં કહેણ
કહો કેમ કરી કરવા કબૂલ?

વેગળા રહો તો વ્રેહવેદનાએ પ્રીછું,
રીસ રાખો તો માનથી મનાવું,
સમજો તો બોલતા અબોલાનો ભેદ
એક આંખના ઈશારે સમજાવું.
એટલેથી રીઝો તો મબલખના મેળામાં
કહું કે ‘સાજન મારી ભૂલ !’

– હરીન્દ્ર દવે

સુંદર મજાનું ઊર્મિકાવ્ય….નાજુક શી વાત….નમણાં શબ્દો….નઝાકતભરી માવજત….

3 Comments »

  1. pragnajuvyas said,

    March 2, 2020 @ 11:14 AM

    પ્રેમરસની, શૃંગારની વાતો વ્યક્ત કરવામાં આપણું સાહિત્ય આજે પણ એટલું જ સમૃદ્ધ અને સદ્ધર છે જેટલું એ સદાકાળ રહ્યું છે. જ્યાં આજના સર્જકો ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓમાં પ્રસ્થાપિત બંધનો તોડીને આગળ વધી રહ્યા છે ત્યાં આપણા સદાબહાર કવિઓ-ગઝલકારોએ કરેલ કૃતિઓ હજુ તેમની સિદ્ધહસ્ત સર્જકતાનો પરિચય આપતી અડીખમ ઊભી છે. પ્રસ્તુત કૃતિ એક પ્રેમીકાની તેના પ્રિયતમ વિશેની લાગણીઓને ખૂબ સુંદર રીતે વાચા આપે છે, શ્રી હરીન્દ્ર દવેની સર્જકતાનું આ એક ઓછું જાણીતું પણ અતિશય સબળ ઉદાહરણ છે. તેઓની આ ખૂબજ નાજુક પ્રેમભરી સ્થિતિને વર્ણવતુ ઊર્મિગીત છે. સજની ભૂલ કબૂલતો કરે છે પણ છતાં પણ અંતરમાં નજીક છે અને એક જ સેજ પર છે છતાંય સાજનથી વિરહની વેદના દર્શાવે છે, સેજ” શબ્દ લાગે છે બહુ નાજુક પણ મુખ્યત્વે કવિઓ આ “સેજ” શબ્દનું સગપણ કાંટા સાથે જ કરે છે. કવિપ્રિયતા એવી છે આ શબ્દ માટે. કેમકે કાવ્યના દરેક પ્રકાર અને પ્રસંગમાં આ શબ્દ લાગણીઓ દર્શાવવા માટે બંધબેસતો છે. ગઝલ હોય કે કાવ્ય, હાલરડું હોય કે ગીત બધે જ આ શબ્દને માળો મળી રહે છે.ઠાવકા અને શરાબી સપનાંની વાત કરતાં ગઝલકાર અહીંયા હંમેશાની જેમ સેજને કાંટાળી સેજ સાથે સરખાવે છે, સારાં સમય માટે બીજા ઘણાં પર્યાય મળે પણ કપરાં સમયે નિંદર રાણી પણ પિયરીયે નાસી જાય.એક જ પથારીમાં સુવા કરતાં બાલમના બાથમાં સમાઈને સુવાંની મહેચ્છા આ નજીક અંતર હોવા છતાંયે દૂરી અનુભવાય છે, એ ઉજાગરાની રાત એમનાં આ છંદમાં વ્યક્ત કરે છે,
    અડકીને ચાલો તોય અળગા, સાજન,
    હોઠ મલકે અને ખીલે નહીં ફૂલ,
    સેજ તમારી સોડે સૂતી, ને તોય
    નેણ ખટકે ઉજાગરાની શૂળ.
    મા કવિશ્રીનુ મધુરું ગીત ભૂલ
    ડૉ તીર્થેશજીનો મધુરતમ આસ્વાદ ‘સુંદર મજાનું ઊર્મિકાવ્ય….નાજુક શી વાત….નમણાં શબ્દો….નઝાકતભરી માવજત’.

  2. Pravin Shah said,

    March 2, 2020 @ 11:42 AM

    અને pragnajuvyas નુ વિશ્લેશણ !!!!

  3. વિવેક said,

    March 3, 2020 @ 12:18 AM

    ઉમદા ગીત… બહુ મુલાયમતાથી કરવામાં આવેલી સાદ્યંત સુંદર અભુવ્યક્તિ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment