અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીતના આકાશમાં ચિરકાળ સુધી મધ્યાહ્ને રહેનાર સૂરજ છે. ગુજરાતી લોકસંગીતની પરંપરાને રાસ-ગરબાઓ રચીને, સંગીતબદ્ધ કરીને અને સુમધુર કંઠ આપીને ચિરંજીવ બનાવવામાં એમનો સિંહફાળો છે. પદ્મશ્રી અવિનાશભાઈને ગુજરાત સરકારે એક-બે નહીં, પચ્ચીસ-પચ્ચીસ વાર શ્રેષ્ઠ ગીતકાર-સંગીતકારનો પુરસ્કાર આપી નવાજ્યા હતા. પ્રબોધ જોશી લખે છે: ‘ગુજરાતી ગીત-સંગીતના પર્યાય બની ગયેલા અવિનાશ વ્યાસે જે લખ્યું તે મૌલિક લખ્યું. સંગીતમાં પણ આગવી શૈલી દાખવી. એમનાં કેટલાંક ભજન પ્રાચીન ભજનોની શક્તિ દાખવે છે. સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે.’
બહુખ્યાત આ રચના વિશે વિશેષ કશું કહેવાનું હોય નહીં પણ રચનાના ઉદભવ વિશે એક મજાની વાત કહેવી અવશ્ય ગમશે. ‘ગુજરાતી વિશ્વકોશ’ કહે છે: “થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ ટેસ્ટમૅચ જોવાની ચૂક્યા નહોતા. કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફુરી ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.’
સમતાનો જ્યાં ષડજ મળે નહિ,
રિષભ મળે નહિ રહેમભર્યો;
મૃદુવચની જ્યાં મળે ના મધ્યમ,
જ્યાં ઘમંડના ગાંધાર રે;
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.
પરદુઃખીનો પંચમ ના બોલે,
ધનિકનો થઈ ધૈવત ડોલે;
નહિ નિર્બળનો નિષાદ રે.
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.
– અવિનાશ વ્યાસ
કવિતામાં માનવીનો વ્યવસાય કઈ રીતે રસીબસી જઈ શકે છે એનું ઉમદા ઉદાહરણ આ ગીત છે. જેમની રક્તવાહિનીઓમાં રક્તના સ્થાને સંગીતની સરગમ વહેતી હતી એવા કવિએ અહીં ગીતને રાગમાં ઢાળનાર શુદ્ધ સ્વરોને જ ગીતના વણાટકામમાં જોતરી લીધા છે. આપણે સહુ આ સાત સ્વરોથી સુપરિચિત છીએ: સા (ષડજ), રે (રિષભ), ગ (ગંધાર), મ (મધ્યમ), પ (પંચમ), ધ (ધૈવત), ની (નિષાદ).
સંસારનું સાજ બેસૂરું લાગે એ વાત તો સદીઓથી સંતકવિઓ ગાતા આવ્યા છે. કવિ પણ એમના સૂરમાં સૂર પૂરાવતા કહે છે મારો તાર કેમે મળ્યો મળતો નથી. ભૂમિતિમાં આપણે પ્રમેય અને પૂર્વધારણા વિશે શીખ્યા હતા. પ્રમેયોને સાબિત કરવામાં આવે છે, પરંતુ ભૂમિતિની શરૂઆત કેટલાક વિધાનોથી થાય છે જેમને સાબિતિ વિના માની લેવામાં આવે છે. આ વિધાનોને પૂર્વધારણા કહે છે. કવિના આ ગીતની ઇબારત પણ પૂર્વધારણા જેવી છે. સામાન્યતઃ ગીત ક્રમિક વિકાસ સાધી પરાકાષ્ઠા સુધી જતું જોવા મળતું હોય છે, એના બદલે અહીં કવિ પહેલાં પરિણામ જાહેર કરી દે છે અને પછી પરિણામ સુધી પહોંચવા માટે પોતે ગણેલી રીત આપણને બતાવે છે. જીવનમાં લખલખ વાનાં કરી લીધા બાદ આખરે કવિને વૈરાગ છેડવાનું સૂઝ્યું છે, કેમ કે એ એક જ રાગ છે જે ભવભવનો સથવાર થઈ ભવપાર લઈ જઈ શકે એમ છે.
આખું આયખું સંગીત ઉપર કેન્દ્રિત કરી જીવ્યા હોવાથી અહીં પ્રચલિત ગીતરચનાથી વિપરિત સ્વરૂપ-સંવિધાન આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ બંધમાં અ-અ-બ-બ મુજબ પ્રાસ મેળવીને કવિ મુખડાના પ્રાસ સાથે સંધાન સાધે છે, પણ બીજા અંતરામાં એક પંક્તિ વધારાની ઉમેરીને પ્રાસમુક્ત ત્રણમાં પંક્તિ આલેખ્યા બાદ બ-બ પ્રકારે પ્રાસ પ્રયોજી મુખડા સાથે ગીતને જોડે છે, અને અંતે છેલ્લા બંધમાં ફરી ક-ક-બ-બ મુજબ પ્રાસ પ્રયોજીને પ્રચલિત ગીતસ્વરૂપ તરફ ગતિ કરે છે. અન્ય કાવ્યસ્વરૂપોની સરખામણીમાં કદાચ ગીત એકમાત્ર પ્રકાર એવો છે, જે કવિને કાવ્યબંધારણ માટે અનંત શક્યતાઓ બક્ષે છે.
વર્ષોથી ચારે તરફ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. નવી પેઢી ગુજરાતીને ભૂલી જઈ રહી છે અને આગળ જતા ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે એવું છાસવારે સાંભળવા મળે છે. આ બધા શોકાતુર લોકોને માટે ખાસ આ બે વિડિયો છે. નવી પેઢી મા ગુજરાતીને કેવી અદા અને કેવા દબદબા સાથે સલામ કરી રહી છે એ જોઈને એમના દિલને ટાઢક થશે કે ગુજરાતીનું ભાવિ સુરક્ષિત જ નહીં પણ ઉન્નત છે. ગનીચાચાના શબ્દોને ઊછીના લઈને કહું તો જેને ‘રંક નારની ચૂદડી’ ગણતા હતા તે ગુજરાતી ભાષા અહી ‘રાજરાણીના ચીર સમ’ શોભી રહી છે.
આવા ગીતો બને છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા કરવાની છોડીને બીજું કંઈ કામનું કામ કરવું એવી મારી સલાહ છે 🙂
આ ગીત ગુજરાતી ફીલ્મ ‘મિશન મમ્મી’માંથી છે. મા ગુજરાતીનો મહિમા બુલંદ અવાજે ગાતા આ ગીતમાં પાંચ-સાત નહી પણ પુરા સત્તાવીસ ગાયકોએ પોતાનો સુર આપ્યો છે. ગીતના શબ્દો કવિ તુષાર શુક્લના છે અને સંગીત છે નિશીથ મહેતાનું.
બીજો વિડીયો અવિનાશ વ્યાસના અમર ગીત ‘કોણ હલાવે લીંબડી’નું cover version છે. એમાં સ્વર છે કીર્તિ સાગઠિયા અને નીસા સાગઠિયાનો. જેટલા પ્રેમ અને જતનથી આ વિડિયો બનાવ્યો એ જોઇને મૂળ ગીત પ્રત્યેનો કલાકારોનો પ્રેમ અને આદર દેખાઈ આવે છે.
દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો,
એને જોતાં રે વેંત હું લજાણી. . પૂનમ, તને આવી ન્હોતી જાણી.
તું યે એવી ને તારો ચાંદલિયો એવો,
કરતો અડપલું તો યે મારે સહેવો,
એને વાર જરા મારી દયા આણી. . પૂનમ, તને આવી ન્હોતી જાણી.
અજવાળી રાતનું કાઢીને બહાનું,
કામ કરે દિલડું દઝાડવાનું છાનું. . તને કોણ કહે રાતની રાણી ? . પૂનમ, તને આવી ન્હોતી જાણી.
– અવિનાશ વ્યાસ
હમણાં જ નવારાત્રિ પૂરી થઈ. અને બે દિવસ પહેલા જ શરદપૂનમ પણ ગઈ, જેની આપ સૌને જરા મોડી મોડી શુભકામનાઓ. જો કે અહીં અમેરિકામાં અમારે તો નવરાત્રિ અને રાસનું એક week-end હજી બાકી છે એટલે થયું કે આજે અવિનાશભાઈને યાદ કરીએ. કારણ કે અવિનાશભાઈને યાદ કર્યા વગરનાં કોઈ પણ ગુજરાતી ગીત-ગરબા-રાસ અધૂરા જ ગણાય… અવિનાશભાઈનાં ગીતોની ખાસિયત એ છે કે એને વાંચતા વાંચતા આપણા કાન પણ સળવળવા જ માંડે !
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમતું માંડે,
આ મારું, આ તારું- કહીને એકબીજાને ભાંડે રે.
રાખનાં રમકડાં o
એ કાચી માટીની કાયા માટે માયા કેરા રંગ લગાયા,
એ ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે.
રાખનાં રમકડાં o
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઈ.
રાખનાં રમકડાં o
– અવિનાશ વ્યાસ
(જન્મ: 21 જૂલાઈ 1912, મૃત્યુ: 20 ઑગષ્ટ 1984 )
સંગીત: અવિનાશ વ્યાસ
સ્વર: ગીતા રોય અને એ.આર. ઓઝા
[audio:http://urmisaagar.com/saagar/audio/Rakh Na Ramakada.mp3]
ગુજરાતી સુગમ સંગીતનો પર્યાય કહી શકાય એવા કોઈ ગીતકાર અને સંગીતકારનું નામ જો કોઈ પણ ગુજરાતીને પૂછો તો સૌના હોઠ પર તરત જ એક જ નામ રમતું થઈ જાય- અવિનાસ વ્યાસ. અવિનાશભાઈનું કોઈ એક જ યાદગાર ગીત પસંદ કરવું એટલે કે ચોખાનાં ઢગલામાંથી ચોખાનો માત્ર એક જ દાણો પસંદ કરવો… અને મેં તો આજે એ ઢગલામાંથી કેટલાય ચોખાનાં દાણાને વારાફરતી પસંદ-નાપસંદ કર્યે જ રાખ્યા… અને તોય જાણે ચોખાનાં બાકીનાં આખા ઢગલાને જ અન્યાય થઈ રહ્યો હોય એમ લાગ્યું ! 🙂 એમનાં ઘણા ગીતો તો એમનાં નામની સાથે તરત જ આપણા હોઠ પર રમવા માંડે, જેમ કે; ‘માડી તારું કંકુ ખર્યું’,‘છાનું રે છપનું કંઈ થાય નહીં’, ‘અચકો મચકો કારેલી’, ‘કોણ હલાવે લીમડી’, ‘પંખીડાને આ પીંજરું’, ‘હે હૂતુતુતુ’, ‘મારા રામ તમે સીતાજીની તોલે ન આવો’, ‘કહું છું જવાનીને’ કે પછી ‘અમે અમદાવાદી’ જેવા બીજા કેટલાય ગીતો… અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ અગણિત (કુલ લગભગ પંદર હજાર જેટલા) રચ્યા છે. આજે પણ અવિનાશ વ્યાસનાં ગીતો લોકોના કંઠ અને કાનમાં એકદમ તરોતાજા છે, જે સિદ્ધિ જેવી તેવી તો ન જ કહેવાય. હાલરડાંથી લઈ મરશિયાં સુધીનાં એટલે કે જીવનની દરેક અવસ્થાઓના ગીતો એમણે આપણને આપ્યાં છે. ગુજરાતી સુગમ સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવામાં અને ખરા અર્થમાં સુગમ બનાવવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન નિર્વિવાદ અનન્ય છે. ગુજરાતના ઘર ઘરમાં ગવાય એવા અદભૂત ગીતોનું સર્જન કરી પોતે જ એને સ્વરબદ્ધ કરીને લોકજીભે રમતા કર્યા છે. પોતાના નામને ખરી રીતે સાર્થક કરનારી વ્યક્તિઓ જવલ્લે જ જોવા મળે છે. આપણને અગણિત અવિનાશી ગીતો આપીને કોઈ પણ ગીતકાર-સંગીતકારને સહજ ઈર્ષ્યા આવે એવી અનુપમ પ્રસિદ્ધી પામીને તેઓ આજે સાચા અર્થમાં અવિનાશી બની ગયા છે.
‘રાખનાં રમકડાં’ એટલે કે આપણે. આપણે કેવા છે- ની આપણી જ વાત કવિએ આ ગીતમાં એટલી સરળ અને સુંદર રીતે વર્ણવી છે કે આપણને જ આપણી વાત સાવ નિરાળી લાગે ! ફિલ્મ ‘મંગલફેરા'(૧૯૪૯)નું આ ગીત ભારતની અન્ય ૧૮ ભાષાઓમાં પણ અનુવાદિત થયું છે, જે ગુજરાતી સાહિત્ય જગત અને ગુજરાતી સુગમ સંગીત માટે ખરેખર ખૂબ જ ગૌરવપ્રદ ઘટના કહી શકાય.