ગરબો શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
October 13, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under અવિનાશ વ્યાસ, ગરબો, ગીત
આવી ન્હોતી જાણી, .
પૂનમ, તને આવી ન્હોતી જાણી.
દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો,
એને જોતાં રે વેંત હું લજાણી.
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.
તું યે એવી ને તારો ચાંદલિયો એવો,
કરતો અડપલું તો યે મારે સહેવો,
એને વાર જરા મારી દયા આણી.
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.
અજવાળી રાતનું કાઢીને બહાનું,
કામ કરે દિલડું દઝાડવાનું છાનું.
. તને કોણ કહે રાતની રાણી ?
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.
– અવિનાશ વ્યાસ
હમણાં જ નવારાત્રિ પૂરી થઈ. અને બે દિવસ પહેલા જ શરદપૂનમ પણ ગઈ, જેની આપ સૌને જરા મોડી મોડી શુભકામનાઓ. જો કે અહીં અમેરિકામાં અમારે તો નવરાત્રિ અને રાસનું એક week-end હજી બાકી છે એટલે થયું કે આજે અવિનાશભાઈને યાદ કરીએ. કારણ કે અવિનાશભાઈને યાદ કર્યા વગરનાં કોઈ પણ ગુજરાતી ગીત-ગરબા-રાસ અધૂરા જ ગણાય… અવિનાશભાઈનાં ગીતોની ખાસિયત એ છે કે એને વાંચતા વાંચતા આપણા કાન પણ સળવળવા જ માંડે !
Permalink
September 29, 2011 at 4:45 PM by ઊર્મિ · Filed under ગરબો, તુષાર શુક્લ
સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,
આવ્યા રે ચાંચરના ચોકમાં
માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં
માટીનું કોડિયું આ દિપક થઇ જાય
જ્યારે જગમગતી જ્યોતે સોહાય
દીવે થી દીવે જ્યાં પ્રગટી ઉઠે ને
ત્યાં તો અંધારા આઘા ઠેલાય
માડી આવો ને હૈયાના ગોખમાં
સોળે શરણાર સજી…
તાળી ને ચપટી લઇ, માથે માંડવણી લઇ
ગરબે ઘૂમે છે આજ ગોરીઓ
ગેબ તણો ગરબો આ ઘૂમ ઘૂમ ઘૂમતો
એ અંબા જગદંબા એ કોરીઓ
પેર્યો નવલખ તારાનો હાર ડોકમાં
સોળે શણગાર સજી…
– તુષાર શુક્લ
ગઈકાલથી શરૂ થયેલી નવરાત્રિની આપ સૌને શુભેચ્છાઓ, આજે આ ગરબાના રૂપમાં.
Permalink
October 20, 2010 at 9:51 PM by ઊર્મિ · Filed under અવિનાશ વ્યાસ, ગરબો
હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ?
આ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો ?
આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,
આ ચૂડલિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં. હો રંગ o
આજ અમે ગ્યા’તાં દોશીડાને હાટ જો,
આ ચૂંદલડી રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં. હો રંગ o
આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો,
આ મોજડિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં. હો રંગ o
-અવિનાશ વ્યાસ
આજકાલ ચાલી રહેલી આ ગરબા-રાસની મૌસમમાં આજે અવિનાશભાઈનો એક ખૂબ જ લોકપ્રિય રાસ માણીએ… ઉષા મંગેષકર અને હેમુ ગઢવીનાં સ્વરમાં આ રાસ આપ અહીં સાંભળી શકો છો.
Permalink
October 14, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, ગરબો, રિષભ મહેતા
ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો
પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો
જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો
ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો
મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો
– રિષભ મહેતા
હાલમાં ચાલી રહેલી નવરાત્રિની આપ સૌ મિત્રોને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
Permalink