તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.
– બરકત વિરાણી ‘બેફામ’

સંસારનું સાજ – અવિનાશ વ્યાસ

બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો ન મળતો તાર રે;
મારો મળ્યો મળે નહિ તાર.

ગાયા કંઈએ વિધ વિધ રાગ,
છેડ્યો અંતે મેં વૈરાગ,
લઈ જાશે ભવની પાર રે,
થઈ ભવભવનો સથવાર
બેસૂર સાજ સંસાર રે.

સમતાનો જ્યાં ષડજ મળે નહિ,
રિષભ મળે નહિ રહેમભર્યો;
મૃદુવચની જ્યાં મળે ના મધ્યમ,
જ્યાં ઘમંડના ગાંધાર રે;
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.

પરદુઃખીનો પંચમ ના બોલે,
ધનિકનો થઈ ધૈવત ડોલે;
નહિ નિર્બળનો નિષાદ રે.
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.

– અવિનાશ વ્યાસ

કવિતામાં માનવીનો વ્યવસાય કઈ રીતે રસીબસી જઈ શકે છે એનું ઉમદા ઉદાહરણ આ ગીત છે. જેમની રક્તવાહિનીઓમાં રક્તના સ્થાને સંગીતની સરગમ વહેતી હતી એવા કવિએ અહીં ગીતને રાગમાં ઢાળનાર શુદ્ધ સ્વરોને જ ગીતના વણાટકામમાં જોતરી લીધા છે. આપણે સહુ આ સાત સ્વરોથી સુપરિચિત છીએ: સા (ષડજ), રે (રિષભ), ગ (ગંધાર), મ (મધ્યમ), પ (પંચમ), ધ (ધૈવત), ની (નિષાદ).

સંસારનું સાજ બેસૂરું લાગે એ વાત તો સદીઓથી સંતકવિઓ ગાતા આવ્યા છે. કવિ પણ એમના સૂરમાં સૂર પૂરાવતા કહે છે મારો તાર કેમે મળ્યો મળતો નથી. ભૂમિતિમાં આપણે પ્રમેય અને પૂર્વધારણા વિશે શીખ્યા હતા. પ્રમેયોને સાબિત કરવામાં આવે છે, પરંતુ ભૂમિતિની શરૂઆત કેટલાક વિધાનોથી થાય છે જેમને સાબિતિ વિના માની લેવામાં આવે છે. આ વિધાનોને પૂર્વધારણા કહે છે. કવિના આ ગીતની ઇબારત પણ પૂર્વધારણા જેવી છે. સામાન્યતઃ ગીત ક્રમિક વિકાસ સાધી પરાકાષ્ઠા સુધી જતું જોવા મળતું હોય છે, એના બદલે અહીં કવિ પહેલાં પરિણામ જાહેર કરી દે છે અને પછી પરિણામ સુધી પહોંચવા માટે પોતે ગણેલી રીત આપણને બતાવે છે. જીવનમાં લખલખ વાનાં કરી લીધા બાદ આખરે કવિને વૈરાગ છેડવાનું સૂઝ્યું છે, કેમ કે એ એક જ રાગ છે જે ભવભવનો સથવાર થઈ ભવપાર લઈ જઈ શકે એમ છે.

આખું આયખું સંગીત ઉપર કેન્દ્રિત કરી જીવ્યા હોવાથી અહીં પ્રચલિત ગીતરચનાથી વિપરિત સ્વરૂપ-સંવિધાન આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ બંધમાં અ-અ-બ-બ મુજબ પ્રાસ મેળવીને કવિ મુખડાના પ્રાસ સાથે સંધાન સાધે છે, પણ બીજા અંતરામાં એક પંક્તિ વધારાની ઉમેરીને પ્રાસમુક્ત ત્રણમાં પંક્તિ આલેખ્યા બાદ બ-બ પ્રકારે પ્રાસ પ્રયોજી મુખડા સાથે ગીતને જોડે છે, અને અંતે છેલ્લા બંધમાં ફરી ક-ક-બ-બ મુજબ પ્રાસ પ્રયોજીને પ્રચલિત ગીતસ્વરૂપ તરફ ગતિ કરે છે. અન્ય કાવ્યસ્વરૂપોની સરખામણીમાં કદાચ ગીત એકમાત્ર પ્રકાર એવો છે, જે કવિને કાવ્યબંધારણ માટે અનંત શક્યતાઓ બક્ષે છે.

3 Comments »

  1. Poonam said,

    July 30, 2022 @ 6:14 PM

    ત્યાં કેમ મળે મારો તાર?
    બેસૂર સાજ સંસાર રે… Rag-bairag ?!
    – અવિનાશ વ્યાસ –
    Aaswad ne surila kiya sir ji 🙏🏻

  2. pragnajuvyas said,

    July 30, 2022 @ 9:16 PM

    મા.અવિનાશ વ્યાસની કલમમાંથી સર્જાયેલાં ગીતોની સંખ્યા પાંચ આંકડે પહોંચે છે ! તેમના ગરબાઓમાં છલકતો અંબાજી માટેનો ભક્તિભાવ તેની અભિવ્યક્તિ માટે અજોડ ગણાય છે. પોતે પુરુષ હોવા છતાં પુત્રીહૃદયથી ગરબા લખવા એ તેમની ખાસીયત હતી, જે તેમના મોટાભાગના રચનાઓમાં દેખાય છે.તેવું જ ભાવવાહી આ ગીત અને ડૉ વિવેકજીનો સ રસ આસ્વાદ
    તેઓ મૂળે એ ગીતકાર છે. રાગ તો એમના શ્વાસો શ્વાસમાં…એટલે કહે છે કે અનેકવિધ રાગ ગાયા પરંતુ અંતે તો વૈરાગનો રાગ જ મને ભવાટવીમાંથી બહાર લાવશે. સંગીતના સાત સૂરોને એમણે સાવ સહજ રીતે આ રચનામાં વણી લીધા છે.
    જેમ સંતોને સંસાર ખારો લાગે એમ જે જીવને ભક્તિ કેરા જામની તરસ જાગી હોય એને સંસારના સાજ બેસૂરા લાગે તો એ શું કહે ? આવી મનોસ્થિતિમાં તેઓ કહે છે -…
    બેસૂર સાજ સંસાર રે,
    મારો મળ્યો મળે નહીં તાર…
    મૂળે એ ગીતકાર છે. રાગ તો એમના શ્વાસો શ્વાસમાં…એટલે કહે છે કે અનેકવિધ રાગ ગાયા પરંતુ અંતે તો વૈરાગનો રાગ જ મને ભવાટવીમાંથી બહાર લાવશે. સંગીતના સાત સૂરોને એમણે સાવ સહજ રીતે આ રચનામાં વણી લીધા છે.
    ગાયા કંઇયે વિધ વિધ રાગ,
    અંતે છેડ્યો મેં વૈરાગ,
    લઇ જાશે ભવની પાર રે,
    થઇ ભવભવનો સથવાર
    આમ પણ સાત સૂરોના સરગમનું સંગીત એકસૂર, એકતાર થઈને રહે તો જ સંગીતની સૂરાવલિ સચવાય એવી રીતે આપણા જીવનમાં સમતા, રહેમ, ઘમંડથી મુક્તિ, હ્રદય મનની મૃદુતા-માર્દવતા, નરસિંહ મહેતા કહે છે એમ પરદુઃખે ઉપકારી વૃત્તિ, આંતરિક ચેતાનું ધન અને નિર્બળતા પર અનુકંપા હોય તો ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ સરળતાથી સચવાય.
    તેઓ કહે છે-
    “સમતાનો જ્યાં ષડ્જ મળે નહીં, રિષભ મળે નહીં, રહેમભર્યો,
    મૃદુવચની જ્યાં મળે નહીં મધ્યમ, જ્યાં ઘમંડના ગાંધાર રે,
    ત્યાં કેમ મળે મ્હારો તાર?
    પરદુઃખીનો પંચમ ના બોલે,ધનિકનો થઇ ધૈવત ડોલે.
    નહિ નિર્બળનો નિષાદ રે,ત્યાં કેમ મળે મ્હારો તાર?
    સંંતોએ કહ્યુમ છે કે સર્વશક્તિમાનતો ભાવનો ભુખ્યો છે…
    વાતે વિચારવમળમા અમારી વ્ર્ધ્ધાવસ્થામા અનુભવાતુ
    સાયગલનો સૂરમા ગુંજાય…
    जीवन बीन मधुर न बाजे झूठे पड़ गये तार
    बिगड़े काठ से काम बने क्या मेघ बजे न मल्हार
    पंचम छेड़ो मध्यम बोले खरज बने गन्धार
    बीन के झूठे पड़ गये तार
    जीवन बीन मधुर न बाजे झूठे पड़ गये तार
    बीन के झूठे पड़ गये तार
    इन तारो को खोलो इन तरभो को फेंको फेंको
    उत्तम तार नयी तरभे हो, तब हो नया श्रिंगार
    इस तरभे से जो सुर बोले गूंज उठे संसार
    बीन के झूठे पड़ गये तार
    जीवन बीन मधुर न बाजे झूठे पड़ गये तार
    बीन के झूठे पड़ गये तार
    बजने को है गूंज नगाड़ा होना है सबसे छुटकारा
    अपना जो है उसे समझ लो वह भी नहीं हमारा
    इन तारो को खोलो इन तरभो को फेंको फेंको
    उत्तम तार नयी तरभे हो, तब हो नया श्रिंगार
    बजने को है गूंज नगाड़ा होना है सबसे छुटकारा,
    अपना जो है उसे समझ लो वह भी नहीं हमारा
    ….
    તેઓ સંસારમાં રહીને પણ આવી અને આટલી જાગૃતિ ?
    ન બોધ ન ઉપદેશ છ્તા
    આપણા ચિત્તને, આત્માને જાગૃત કરી દે
    સાધુવાદ

  3. Mayurika Leuva said,

    August 4, 2022 @ 11:45 AM

    અનોખાં ગીતનો સુંદર આસ્વાદ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment