માડી તારું કંકુ ખર્યું ને- – અવિનાશ વ્યાસ
માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
– અવિનાશ વ્યાસ
અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીતના આકાશમાં ચિરકાળ સુધી મધ્યાહ્ને રહેનાર સૂરજ છે. ગુજરાતી લોકસંગીતની પરંપરાને રાસ-ગરબાઓ રચીને, સંગીતબદ્ધ કરીને અને સુમધુર કંઠ આપીને ચિરંજીવ બનાવવામાં એમનો સિંહફાળો છે. પદ્મશ્રી અવિનાશભાઈને ગુજરાત સરકારે એક-બે નહીં, પચ્ચીસ-પચ્ચીસ વાર શ્રેષ્ઠ ગીતકાર-સંગીતકારનો પુરસ્કાર આપી નવાજ્યા હતા. પ્રબોધ જોશી લખે છે: ‘ગુજરાતી ગીત-સંગીતના પર્યાય બની ગયેલા અવિનાશ વ્યાસે જે લખ્યું તે મૌલિક લખ્યું. સંગીતમાં પણ આગવી શૈલી દાખવી. એમનાં કેટલાંક ભજન પ્રાચીન ભજનોની શક્તિ દાખવે છે. સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે.’
બહુખ્યાત આ રચના વિશે વિશેષ કશું કહેવાનું હોય નહીં પણ રચનાના ઉદભવ વિશે એક મજાની વાત કહેવી અવશ્ય ગમશે. ‘ગુજરાતી વિશ્વકોશ’ કહે છે: “થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ ટેસ્ટમૅચ જોવાની ચૂક્યા નહોતા. કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફુરી ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.’
pragnajuvyas said,
October 14, 2022 @ 1:14 AM
કર્ણપ્રિયસંગીત અને અર્થસભર ગીતો લખનારા એ કસબી અવિનાશ વ્યાસ ની આ કાવ્ય રચના — અજર અમર કૃતિ મને ખૂબજ ગમે છે આ કાવ્યમાં કવિની કુદરત પ્રત્યેની અતૂટ શ્રધ્દ્ધા અને ભક્તિના દર્શન થાય છે. આ બ્રહ્માંડના અસ્તિત્વને ધરતી તથા સૂર્ય,ચંદ્ર અને તારાના શણગારને માના આભૂષણ તરીકે વર્ણવ્યા છે. કવિ દેવીના અનન્ય ઉપાસક હતા. આ કાવ્ય કૃતિ અંબાજી માના મદિરમાં દર્શન કર્યા પછી સ્ફૂરેલી. તે રાત્રે આસો સુદ પુનમનો ચંદ્ર ખીલેલો હતો નોરતાના ગરબા ગવાતા હતા…. અને આ ભાવ ભર્યા શબ્દો તેમના હૃદયમાં ઉદભવ્યા.
ઓ માં …. ઓ માં
‘મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.’
ખૂબ જ સરળ શબ્દોથી ગૂંથાયેલું ગીત…
લોક હદયમાં જીવતા કવિના આ ગરબા ગીતથી અમારા ગરબાની શરુઆત થતી.
ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
Bharati gada said,
October 14, 2022 @ 2:59 PM
ખૂબ જ સુંદર શબ્દો સાથેનું ખૂબ જ ગમતું ગીત 👌
Sushambpol said,
October 14, 2022 @ 9:12 PM
ખૂબ જ સરસ રચના છે
Mukul choksi said,
October 14, 2022 @ 9:44 PM
વાહ વાહ
Poonam said,
October 15, 2022 @ 9:37 AM
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો…
– અવિનાશ વ્યાસ – આથમતા સૂર્યમાં, સૂરજ ઊગ્યો… ( A Avinashi Kavi ) 😊
Aaswad sa-ras sir ji 👌🏻
વિવેક said,
October 15, 2022 @ 10:40 AM
@ પ્રજ્ઞાજુ :
આ ગીત પાછળનોનો ઇતિહાસ ‘ગુજરાતી વિશ્વકોશ’ ઉપર પ્રબોધ જોશીના શબ્દોમાં મેં ઉપર લખ્યું એ મુજબનો છે. આ રહી લિન્ક: https://gujarativishwakosh.org/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%85%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6/
આપે જે ઘટના લખી છે એ બાબતનો કોઈ આધારભૂત સ્રોત ખરો? હોય તો જણાવવા વિનંતી, જેથી લયસ્તરોના વાચકો-ભાવકો સાચી વાતથી માહિતગાર થાય…
આભાર