મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
– રઈશ મનીઆર

યાદ નથી – હરીન્દ્ર દવે

આજે તો તમારી યાદ નથી, કોઈની કશી ફરિયાદ નથી,
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી.

ભુલાઈ ગઈ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણે,
એ રૂપને દેખી જાગેલો ઉ૨સાગરમાં ઉન્માદ નથી.

કોઈની કહાની સાંભળતાં કોઈનાં નયન ચાલ્યાં નીતરી,
ને કોઈને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી.’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી.

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર,
એને શી તમા એ મૃગજળની જેને મંઝિલનો નાદ નથી?

– હરીન્દ્ર દવે

હું તો મત્લા પર જ જાણે અટકી ગયો !!! – કેવી ઘેરી વેદના…..

ગાલિબનો અમર શેર યાદ આવી ગયો –

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

( तवक्को – અપેક્ષા,આશા )

1 Comment »

  1. pragnajuvyas said,

    April 18, 2023 @ 9:30 PM

    મા.કવિશ્રી હરીન્દ્ર દવેની તદ્દન નોખી ભાતની ગઝલ……
    કવિ સ્વગત બોલતા હોય તેવું લાગે છે. વેદના ઘેરી છે. સહજ વેદનાની પળો કવિશ્રીને વિહવળ કરી જ છે ત્યારે જ આવી સરસ ગઝલ આવે છે
    મક્તા…
    ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર,
    એને શી તમા એ મૃગજળની જેને મંઝિલનો નાદ નથી? મા સૂર બદલાય છે. બે ઘડી વિચારમાં પાડી દે છે . ડૉ.તીર્થેશજી આસ્વાદમા જણાવે છે તે
    जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
    क्यूँ किसी का गिला करे कोई સહજતાથી યાદ સાથે વિચાર આવે–આટલી બધી વેદના શા માટે? પિંજરનું પંખી પાંખ પછાડી આઝાદ ન થતું હોય તો ય તે માલિકની ઉંઘ તો હરામ કરે જ છે. જેને માટે આવા કાવ્યો લખાયા છે તેવી વ્યક્તિઓને વૈજ્ઞાનીક જરૂરિયાત પુરતું જ હ્રુદય હોય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment