ચકલી ગીત – નયન દેસાઈ
ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે? ના… રે… ના
બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો
ચકલીની માફક નવાય છે? ના… રે. ના
ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને
વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,
સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું
પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.
પૂર્વાપર સંબંધો ચકલી ને કન્યાના બંધાયા કઈ રીતે?
એવું કંઈ કોઈને પૂછાય છે? ના.. રે.. ના
ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે,
બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે
ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી
શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?
સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,
ચકલીને ભાગી શકાય છે? ના… રે … ના
ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના
– નયન દેસાઈ
કવિતા આમ તો અમૂર્ત અગોચર પદાર્થ. પણ ક્યારેક જો કવિતાને પ્રયોગદેહ લેવાનું મન થાય તો એનું નામ નયન દેસાઈ જ હોઈ શકે. નયનભાઈએ કવિતારાણીને જેટલાં લાડ લડાવ્યાં છે એટલાં બહુ ઓછા કવિ લડાવી શક્યા છે. આ ચકલીગીત જુઓ. જે જમાનામાં મોબાઇલ નહોતા અને ચકલીઓનું આખા શહેરમાં એકહથ્થુ શાસન હતું એવા કોઈક સમયે લખાયેલી આ રચના છે. એ સમયે ચકલી લોકજીવનનો જ એક ભાગ હતો. એની ચીંચીંથી અળગા થવાનું કે રહેવાનું સંભવ જ નહોતું. એક તરફ સમગ્ર સૃષ્ટિની પટરાણી ચકલી છે અને બીજી તરફ સામેના ઘરમાં કથકના હૈયાની પટરાણી નામે સ્વીટી છે. આ બે ધ્રુવ વચ્ચે હીંચકાગતિ કરતું તોફાની ગીત અર્થની પળોજણમાં પડ્યા વિનાય મધમીઠું ન લાગે તો કહેજો.
Jayant Dangodara said,
November 25, 2023 @ 12:03 PM
ચકલીનું પ્રતીક ખૂબ મર્માળુ છે.
Harsha Dave said,
November 25, 2023 @ 12:10 PM
વાહ જી વાહ…..આહ્
કવિને નમન…. ધન્યવાદ
સાચાં મોતી જેવા કાવ્યો ભાવકો સુધી પહોંચાડવા બદલ લયસ્તરોને અભિનંદન 🌹
Parbatkumar nayi said,
November 25, 2023 @ 5:41 PM
વાહ
મજાનું ગીત કવિ નયન હ દેસાઈને વંદન
Aasifkhan said,
November 25, 2023 @ 7:06 PM
ગુરુ નયનભાઈ ને નમન
વાહ વાહ ને વાહ
આરતી સોની said,
November 25, 2023 @ 8:03 PM
ખૂબ જ સરસ