સવાર પડતાં ફાળ પડે છે
અજવાળું અઘરું પડવાનું
– હરીશ મીનાશ્રુ

નયનનાં મોતી : ૦૫ : હાઈબ્રીડ ગઝલ – નયન દેસાઈ

અમે ઊભા એવા સમય તટ પે જ્યાં ગગન પડછાયો પાથરતું રહે,
ટહુકે શબ્દો ને ગઝલ ઊડતી પાંપણેથી ઘેન ઝરમરતું રહે.

પુરાણી યાદોના નીરવ ઝરૂખે કોઈ સદા વ્યાકુળ બની ફરતું રહે,
ક્ષણો થીજેલી સૌ બરફ સમ ને મન હઠીલું સૂર્ય કોતરતું રહે.

અજાણ્યા રસ્તાઓ પરિચય સૂંઘે, લોકનું ટોળુંય કરગરતું રહે,
છતાં દોડી જાયે નગર રઝળું, રોજ એને કોણ આંતરતુ રહે?

સમુદ્રોનાં મોજાં વહન કરતું, આપણું હોડીપણું તરતું રહે,
કિનારે શ્વાસોના છળકપટનું દૃશ્ય ઝાંખુ સાથમાં સરતું રહે.

છરી જેવી સાંજો કતલ કરતી સૂર્યની દરરોજ સાંજે, હે ‘નયન’!
પછી પીંછાં ઊડે ખરખર અને શબ્દનું આકાશ ભાંભરતું રહે…

– નયન દેસાઈ

કલમ હાથ ઝાલે અને પ્રયોગ ન કરે એ કવિ ગમે તે હોય, નયન દેસાઈ તો નહીં જ. આપણે ત્યાં ઘણા સાહિત્યકારોએ સંસ્કૃત છંદોનો પ્રયોગ કરીને શુદ્ધ વૃત્ત ગઝલો આપી છે, પણ નયન દેસાઈ એક ડગલું આગળ જઈ સંસ્કૃત વૃત્ત અને ગઝલના છંદને એક જ ગઝલમાં ભેગા કરીને આપણને હાઈબ્રીડ ગઝલ આપે છે. ગઝલના દરેક મિસરાનો પૂર્વાર્ધ ખંડ શિખરિણી છંદમાં અને ઉત્તરાર્ધ ગઝલમાં સૌથી પ્રચલિત રમલ છંદમાં છે. સરવાળે આપણને સાંપડે છે એક સફળ પ્રયોગ-ગઝલ.

7 Comments »

  1. કમલેશ શુક્લ said,

    October 20, 2023 @ 11:49 AM

    ખૂબ સરસ પ્રયોગ!
    સાચી વાત, આ કામ નયનભાઈ જ કરી શકે.

  2. vinod manek Chatak said,

    October 20, 2023 @ 12:44 PM

    Ye baat. અદભુત પ્રયોગશીલ ગઝલ.

  3. Chetan Framewala said,

    October 20, 2023 @ 12:58 PM

    નયનભાઈ જેવી પ્રયોગશીલ ગઝલો બહુ ઓછા ગઝલકારો એ આપી છે

  4. DILIPKUMAR CHAVDA said,

    October 20, 2023 @ 2:00 PM

    વાહ
    સરસ પ્રયોગ,
    ને મજાની ગઝલ

  5. pragnajuvyas said,

    October 20, 2023 @ 5:33 PM

    હ્રુ , નયન દેસાઈની સફળ પ્રયોગ ગઝલ
    ડૉ વિવેકનો સફળ આસ્વાદ

  6. Aasifkhan said,

    October 21, 2023 @ 11:55 AM

    વાહ સરસ ગઝલ
    નો સુંદર આસ્વાદ

  7. Poonam said,

    October 27, 2023 @ 12:28 PM

    …અને શબ્દનું આકાશ ભાંભરતું રહે… વાહ !
    નયન દેસાઈ –

    Aaswad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment