લીમડાની ડાળ પર ઝૂલ્યા પછી,
આગળા ઉંમરના સૌ ખૂલ્યા પછી;
બાષ્પ શબ્દો, શ્વાસ ધુમ્મસ થ્યા પછી,
હું તને પામું મને ભૂલ્યા પછી !
વિવેક મનહર ટેલર

નયનનાં મોતી : ૦૨ : એક સ્ટિરિયોફોનિક પ્રતિક્રિયા – નયન દેસાઈ

*

લાંબુ ને લાંબુ ને લાંબુ ને લાંબું ને અધધધ નામ;
બાઝ્યું ને બાઝ્યું ને દાઝ્યું ને દાઝ્યું ને લોહીમાં ધડડડ ડામ.

આખ્ખી ને આખ્ખી ને ખાટ્ટી ને ખાટ્ટી ને માટ્ટી ને માટ્ટીની લસબસ યાદ;
ઝાંપો ને ઝાંખો ને આંખો ને નાખો ને ઊંડી ને કૂંડી ને ખણણણ બંધ.

વત્તા ને ઓછા ને વદ્દી ને રદ્દી ને લેખાં ને જોખાં ને સણણણ ગાળ;
ચહેરા ને તક્તા ને ભીંતોનાં ચક્તાં ને ટેકો ને ટૂંપો ને પળપળ ફાળ.

ચપ્પુ ને પપ્પુ ને અઠ્ઠુ ને સત્તુ ને બધ્ધું ને બળ બળ ડંખ;
શંકુ ને કંકુ ને અસ્તુ ને વસ્તુ ને હાય રે તથાસ્તુ ને અઢળક ઝંખ.

બેઠ્ઠું ને બેઠ્ઠું ને લિસ્સું ને ફિસ્સું ને પેલ્લું ને છેલ્લું ને ઝળહળ રૂપ;
અંતે ને ભંતે ને પોતે ને પંડે ને રેવા તે ખંડે ને લસરસ લસરસ ચૂપ.

ઘાંટો ને છાંટો ને જંપો ને કંપો ને ડંકો ને અરભવ પરભવ સાંધ;
હેલ્લો ને રેલ્લો ને ડૂસકું ને ઠૂસકું ને રૈ’જા ને થૈ જા ને ચ૨૨૨ સગપણ બાંધ!

– નયન દેસાઈ

આ ગીતનુમા રચનાનું શીર્ષક કવિએ ‘એક સ્ટિરિયોફોનિક પ્રતિક્રિયા’ રાખ્યું છે, એટલે એ બાબતે વિચારવાની ફરજ પડે. નયન દેસાઈના ગજવામાંથી તો ગુજરાતી કવિતાએ આ પૂર્વે કદી સાંભળ્યા જ ન હોય એવા અનેક શબ્દોના મોતી જડી આવશે, જેમ કે સંભોગસિમ્ફની ગઝલ, ગઝલ: નાર્કોલેપ્સી, હાઈબ્રીડ ગઝલ, મેટામોર્ફૉસિસ ગઝલ, ભૌમિતિક ગઝલ, ખગોલિય ગઝલ, ક્યૂબીઝમ રચના, ફોનેટિક ગઝલ વગેરે વગરે. ઓગણીસસો સિત્તેરના દાયકામાં હિંદી સિનેમામાં સ્ટિરિયોફોનિક સાઉન્ડના શ્રીગણેશ થયા એટલે એ સમયે આ શબ્દ લોકોને ટિપ ઑફ ધ ટંગ હોય એમાં કોઈ નવાઈ નથી. સ્ટિરિયોફોનિક એટલે અલગ-અલગ દિશાઓમાં જન્મેલા અવાજને અલગ-અલગ દિશાઓથી વહેતો કરવાની પદ્ધતિ જેના કારણે અવાજમાં ત્રિપાર્શ્વીય પરિમાણ ઉમેરાય અને અવાજ નૈસર્ગિક અવાજની વધુમાં વધુ નજીક હોવાનું પ્રતીત થાય. પ્રસ્તુત રચના વાંચવા માટેની નહીં, મોટા અવાજે લલકારવાની રચના છે, કારણ કે તો જ રચનામાં કવિએ ગોપવેલ અવાજની ત્રિપાર્શ્વીયતાનો ખરો અનુભવ કરવો શક્ય બનશે. ષટ્કલના આવર્તનો તો કવિએ યથોચિત જાળવ્યા છે, પણ આવર્તનસંખ્યામાં શિથિલતા સેવી હોવાને લઈને કેટલીક પંક્તિ નિર્ધારિત માપ કરતાં ટૂંકી તો કેટલીક લાંબી રહી ગઈ છે. પણ આપણને મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે?

‘લાંબુ ને લાંબુ ને…’ કહીને કવિ વાત જ્યારે ચોવડાવે છે ત્યારે લાંબુ સંજ્ઞા સાચા અર્થમાં ચાક્ષુષ થાય છે. માણસમાત્રને નામનો મોહ હોય છે. પોતાનું નામ દુનિયામાં વધુને વધુ મોટું થાય એની ઝંખના અને યત્નોમાં એ જીવન વીતાવે છે. એટલે કવિ અધધધ કહીને આશ્ચર્ય પ્રગટ કરે છે. નામને, પ્રતિષ્ઠાને જેટલું વધારે બાઝીશું એટલું જ વધારે દાઝવાનું થશે. લોહીમાં ધડડડ ડામ જેવા અનૂઠા કલ્પનથી કવિ ડામને પણ આબાદ ચરિતાર્થ કરી શક્યા છે. પ્રથમ પંક્તિમાં એક જ શબ્દની ચાર વારની પુનરોક્તિ બાદ બીજી પંક્તિમાં કવિ દ્વિરુક્તિ-બદલાવ-દ્વિરુક્તિની આંતરપ્રાસ સાંકળી યોજે છે. પણ એ પછી આખી રચનામાં આંતર્પ્રાસ સાંકળી રચતા શબ્દો એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ને ત્રીજામાંથી ચોથામાં એટલા તો સાહજોક રીતે ઢોળાય છે કે એમાંથી ઊઠતો ધ્વનિ ચારેકોરથી આપણા અસ્તિત્વને ઝંકોરતો રહે છે. અર્થની દૃષ્ટિએ પરસ્પર એકસો એંસી ડિગ્રીનું વૈષમ્ય ધરાવતા એકાધિક શબ્દોને બખિયા મારીને કવિતાનું કપડું સીવવાની કળા કવિને હસ્તગત હતી. શબ્દમાંથી જન્મતા અર્થ સિવાય શબ્દના ધ્વનિ તથા બે શબ્દો વચ્ચેના અવકાશમાંથી તેઓ અર્થ જન્માવી શકતા હતા… માણસ ઉર્ફેથી લઈને અનેક રચનાઓમાં નયન દેસાઈની આ કાબેલિયત આપણી સાથે મુખામુખ થતી રહે છે.

સરવાળે જે અલગ-અલગ પ્રકારના અવાજોના સંમિશ્રણથી રચાતી એકરસ અનુભૂતિ છે એ જ છે ખરી કવિતા.

6 Comments »

  1. pragnajuvyas said,

    October 17, 2023 @ 2:58 AM

    હ્રુ્.નયન દેસાઈના સુંદર ઊર્મિકાવ્ય નો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  2. નરેશ કાપડીઆ said,

    October 17, 2023 @ 10:49 AM

    વાહ ડૉ. વિવેક, આપે નયનભાઈના કાર્યને વધુ સારી રીતે રજૂ કર્યું છે.
    નયનભાઈ સરળ શબ્દોના અર્થસભર ઉપયોગના નિષ્ણાત હતા. તેમના કાવ્યને તેઓ જાતે જ જ્યારે મંચ પરથી રજૂ કરતા ત્યારે તેના અર્થ વધુ સ્પષ્ટ થતાં. આજે નયનભાઈ નથી, તેમની જેટલી રજૂઆતો હોય તેને સંઘરવી જોઈએ. આગામી કે સમકાલીન પેઢીને કાવ્ય પ્રસ્તુતિ શીખવામાં તે ઉપકારક નીવડશે.
    આ કાવ્યનો અર્થવિસ્તાર કરીને આપે તેને સમજવું સરળ કરી આપ્યું છે. એક કવિન કર્મને બીજા કવિએ ગદ્ય રૂપે સ્પષ્ટ કરવાનો આ આખો ઉપક્રમ સુંદર છે. આપને અને લયસ્તરોને અભિનંદન.

  3. દક્ષા સંઘવી said,

    October 17, 2023 @ 10:54 AM

    શ્રુતિ ને રોમાંચિત કરતું સુંદર ઊર્મિ કાવ્ય

  4. Shah Raxa said,

    October 17, 2023 @ 11:27 AM

    વાહ..વાહ..ખૂબ સરસ ઊર્મિ કાવ્ય અને એટલો જ રસ આસ્વાદ…વાહ🙏💐

  5. barin said,

    October 17, 2023 @ 5:47 PM

    વાહ ખુબ સરસ સાચા અર્થ મા stereophonic

  6. Poonam said,

    October 27, 2023 @ 12:20 PM

    હેલ્લો ને રેલ્લો ને ડૂસકું ને ઠૂસકું ને રૈ’જા ને થૈ જા ને ચ૨૨૨ સગપણ બાંધ! Waah !
    – નયન દેસાઈ –

    Aaswad saras sir ji.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment