મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !
– અમર પાલનપુરી

નયનનાં મોતી

 

બંને આંખ મીંચી હાથ ઊંચે લંબાવીને કાવ્યપાઠ કરે ત્યારે લૌકિકમાંથી અલૌકિક બની જતા આ માણસનો અવાજ પણ આ દુનિયાની પેલે પારના કોઈક અગોચર પ્રદેશમાંથી આવતો લાગે. મુશાયરાનું સંચાલન કરતા આ માણસને જેણે જોયો નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! એમના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા હતી. કવિતાની અંદર ઓગળી જઈને પ્રગટતો આવો કવિ ભાગ્યે જ જોવા મળશે.

નયન હ. દેસાઈ.

જન્મ- ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬, નિધન- ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩.

જન્મભૂમિ વાલોડ પણ કર્મભૂમિ સુરત. કદકાઠીએ ટૂંકા પણ આદમી મુઠ્ઠીઊંચેરા. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતા તે આજીવન કાચા હીરા જેવા કેટલાય કવિઓને પાસા પાડતા રહ્યા. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. પ્રયોગશીલતા ક્યારેક પ્રયોગખોરી પણ બની રહેતી. પણ ગીત-ગઝલમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા એટલું જવલ્લે જ કોઈ કવિ લાવી શકે. નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ઉર્દૂના પણ ઉસ્તાદ. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાની ખાતરી થયા વિના નહીં રહે.

રમેશ પારેખની જેમ એમનું નામ પણ છ અક્ષરનું જ. અને ર.પા.ની જેમ જ એમના ખોળામાં પણ ગુજરાતી કવિતા ખૂબ રમણે ચડી હતી, પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં… આ કમનસીબ તે નયન દેસાઈનું નહીં, ગુજરાતી કવિતાનું જ.

લયસ્તરો પર એક અઠવાડિયા સુધી નયન દેસાઈની કવિતાની અલગ અલગ મુદ્રાઓથી પરિચિત થઈએ અને કવિને ભેગા મળીને યથોચિત શબ્દાંજલિ આપીએ.

10 Comments »

  1. Shah Raxa said,

    October 16, 2023 @ 11:28 AM

    વાહ..સ્વાગત છે…દિવ્ય ચેતનાને સાદર વંદન

  2. barin said,

    October 16, 2023 @ 11:36 AM

    રાહ જોઇશુ

  3. Neela sanghavi said,

    October 16, 2023 @ 12:01 PM

    Waiting

  4. નેહા said,

    October 16, 2023 @ 12:02 PM

    વાહ, સરસ ઉપક્રમનું સ્વાગત..
    નયનભાઈની દિવ્ય ચેતનાને વંદન.

  5. શૈલેન રાવલ said,

    October 16, 2023 @ 12:09 PM

    કવિશ્રીની દિવ્ય ચેતનાને વંદન .

  6. Aasifkhan said,

    October 16, 2023 @ 12:43 PM

    Ustad ne vandan

  7. સંજુ વાળા said,

    October 16, 2023 @ 2:57 PM

    ધણાં વર્ષો પહેલાં રાજકોટના કોઈ ગેસ્ટહાઉસમાંથી ઘરના લેન્ડલાઈન પર મિત્ર દિલીપ જોશીનો ફોન આવે છે કે નયન દેસાઈ રાજકોટ આવ્યા છે અને તને યાદ કરે છે. અને એ સ્થળે બેસી અમે ખૂબ ગોઠડી માંડી.

    ગુજરાતી ગઝલમાં એક જુદા પ્રકારની નયનાઈની નમણાઈ આ કવિએ આપી. હું એમને પેલી
    છેડલો ખેંચી શિરામણ માંગતો
    વાસીદું વાળું ને દિયર સાંભરે

    અને

    મા મને ગમતું નથી આ ગામમાં
    હાલ બચકું બાંધ આયર સાંભરે

    ગઝલથી ઓળખું. ગઝલનો આ કાળ આધુનિકતાનો હતો. ત્યારે સૂર્યને કીડીઓ કરકોલતી હતી, કીડી સમી ક્ષણોની આવ-જાવ હતી અને આભમાં પીંછાથી રળિયામણી રમણા રચાતી હતી. ત્યારે આ કવિએ તળ ગ્રામપ્રદેશની ભાવસંવેદના અને ભાષાભિવ્યક્તિની એક છાંટ રજૂ કરી. પહેલ કરી એવું વિધાન તો અહીં નથી કરી શકતો પણ કદાચ આ પણ અનુ-આધુનિકતાના નોખા પદરણ હતાં. પછી તો પાછા નયને ટેબલને તાળા મારવા સુધી પોતાની સંવેદનાઓ લંબાવી અને ગઝલને એક પ્રકારનું ગુજરાતી ઘરગથ્થું વાતાવરણમાં ઉછેરી. છેલ્લે એક સુરતના કવિસંમેલન વખતે એમને સંચાલન કરતા જોયા- સાંભળ્યાનું સ્મરણમાં છે. એ પહેલા એકવાર સુરત એમની ગુજરાતમિત્રની ઓફિસમાં પણ મળવાનું થયું હતું. એ વખતે કવિએ એમનો ઉર્દૂ – હિન્દી કવિતાનો સંગ્રહ મને ભેંટ આપેલો. આજે ચવાયો છે.

    નયનની કવિતા પોતીકા ભાવભાષાની નટખટ અને નમણી અભિવ્યક્તિઓ મને લાગી છે. આ કવિને કવિતાના ભાવનો કોઈ જ છોછ ન્હોતો. કદાચ છેલ્લે એમણે મુશાયરા કે કવિસંમેલનને વશ વર્તીને ‘મંજુકાવ્યો’ કર્યા. જે મેં નિરાંતે અભ્યાસની રીતે વાંચ્યાં નથી પણ એ થોડું વધારે વાચાળ સંવેદન અને કશીક પોતીકી જરૂરિયાતની પરિણામ પ્રાથમિક રીતે મને લાગ્યું છે.
    પરંતુ નયનનાં ગીત-ગઝલની એક નોખી તાસિર છે. અને એ આપણી કવિતાના કેટલાક રમણીય પડાવ પૈકીનાં છે એમ જરૂર કહી શકાય. વિવેક કહે છે તેમ તેને કોઈ સહૃદય ભાવક મળે અને પોતાના સાચાં તારણો આપે એની અત્યંત આવશ્યકતા છે જ.

    અહીં તો આ મિત્ર વિશે થોડી વાત કરી મારી સ્નેહાંજલિ પાઠવું છું.

    આવજો નયન દેસાઈ ગુદરાતી તમારી રાહ જોશે.

    પ્રાર્થના

    🙏🌹🙏

  8. મેહુલ દેસાઈ said,

    October 16, 2023 @ 3:24 PM

    આભાર, વિવેકભાઈ.
    મારા પપ્પા કવિ નયન દેસાઈએ ગુજરાતી ગઝલને સાકી, શબનમ અને સુરા માંથી બહાર કાઢી છે. તેમણે કરેલા અદભૂત પ્રયોગ મારી જાણમાં અન્ય કોઈએ કર્યાં હોય એવુ મારી જાણમાં નથી. કદ નાનું પણ ગઝલની ઊંચાઈ અ કાલ્પનિય . આટલું સુંદર કાર્ય ગુજરાતી સાહિત્યમાં ખુબ ઓછું થયું છે.

  9. pragnajuvyas said,

    October 17, 2023 @ 2:50 AM

    હ્રુ.નયન હ. દેસાઈજી..શબ્દો વર્ણન કરી શકવું અશક્ય છે કે તમારી ખોટ પર હું કેટલી દિલગીર છું.
    પરમેશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.
    ડૉ વિવેક, કવિશ્રી સંજુ વાળા તથા મીત્રોની શ્રધ્ધાંજલીએ આંખો નમ
    યાદ આવે
    નર્મદ સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે મહિનાના કોઈ એક રવિવારે શ્રી નાનુભાઈ નાયક પ્રેરિત સંસ્કાર ભવન, સાહિત્ય સંગમમાં યોજાતા તરહી મુશાયરામાં કવિશ્રી નયન દેસાઈની પંક્તિઓ આ વખતે લીધી હતી. (૧) કે ર્હદયને કેટલા અંશો સુધી છેદાય છે (૨) મળે શબ્દોના સરનામે, નયન દેસાઈ એસ.એસ.સી. (૩) સમય હર દિશામાં વગાડે છે જંતર ઉદાસીનું ઘેરું અને સાંજ ડૂબી (૪) માત્ર માણસનો સ્વાંગ છે મનવા (૫) મોજાં વિશે કહો, ન સમંદર વિશે કહો. જનક નાયકે કહ્યું હતું કે નયન દેસાઈ આમ તો ૭૦ વર્ષના થયા, પણ હજુ એમનામાં બાળક ધબકે છે. તેથી જ એ ઉત્તમ ગઝલકાર છે. રવીન્દ્ર પારેખ અને જનક નાયકે સર્જન વિષે પ્રશ્નોત્તરી કરી હતી. નયન દેસાઈએ જણાવ્યું કે એમની ગઝલમાં માણસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. એ પછી એમણે વાંસળી પર ફિલ્મી ગીતો રજુ કર્યા હતા.
    તરહી મુશાયરામાં રજુ થયેલા કેટલાક ઉત્તમ શેરો
    – જનક નાયક
    માણસો ક્યાં છે અહી દોસ્તો, બધા રોબોટ છે
    લાગણીઓ વોટ્સ અપ ને ફેસ બુક પર જાય છે
    ડો. દિલીપ મોદી
    કોઈની પાસેથી મારે કાંઈ પણ ના જોઈએ,
    ખુશ છું કે દરિયાદિલી મારી બધે વહેંચાય છે.
    ગૌરાંગ ઠાકર
    ધર્મો વિષે ન ધર્મ ધુરંધર વિષે કહો,
    માનવ બની જીવ્યો એ પયગંબર વિષે કહો.
    કિરણસિંહ ચૌહાણ
    ભલેને બેઠા હો ઘરમાં, જીવે પ્રત્યેક અવસરમાં,
    મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ. એસ. સી.
    મહેશ દાવડકર
    આને મળ્યા ને તેને મળ્યા એ તો ઠીક છે,
    ખુદને મળ્યા છો? તો હા એ અવસર વિષે કહો.
    હરીશ ઠક્કર
    મારા વિષે, તમારા કે ના આપણા વિષે,
    ક્યારેક ખાવા ધાય છે એ ઘર વિષે કહો.
    રમેશ ગાંધી
    છે સનાતન સત્ય કે પીળું બધું સોનું નથી,
    માનવીનું મૂલ્ય તો મર્યા પછી અંકાય છે.
    ડો. દીના શાહ (વડોદરા)
    ગઝલના પાઠ લઇ સામે નયન દેસાઈ એસ. એસ. સી.
    મળે સુરતના સરનામે નયન દેસાઈ એસ. એસ. સી.
    સુષમ પોલ
    ઘસ્યા રત્નો બની પથ્થર ઘસીને જાત પોતાની,
    ઝઝૂમ્યો છે જીવન સામે નયન દેસાઈ એસ. એસ. સી.
    કીર્તિદા વૈધ (નવસારી)
    લોક છોને બેઉની સરખામણી કરતા રહે,
    તડ પડે તો કાચની માફક ર્હદય બદલાય છે?
    ડો. પ્રફુલ્લ દેસાઈ
    સમય પણ કટોકટ, હતું ક્યાંક મનમાં કે કલરવ ઉછેરું અને સાંજ ડૂબી,
    ર્હદયમાં એ વ્યાપેલ ઓથારને હું ઉલેચું ઉલેચું અને સાંજ ડૂબી.
    વિપુલ માંગરોળીયા
    આદિલ, મરીઝ, શૂન્ય ને બેફામ છે અમર,
    વેદાંતને ગઝલની ધરોહર વિષે કહો.
    બકુલેશ દેસાઈ
    ન ઇલ્કાબો, ન હોદ્દાઓ, નહી સન્માનની આંધી,
    પ્રકાશિત માત્ર નિજ નામે નયન દેસાઈ એસ. એસ. સી.
    યામિની વ્યાસ
    દીકરી વિદાય ટાણે તો પરીક્ષા ના કરો,
    કે ર્હદયને કેટલા અંશો સુધી છેદાય છે.
    પ્રશાંત સોમાણી
    સાવ મારી આંખ સામે આજની ઘટના બની,
    તોય કડવા સત્યને લખતા કલમ ગભરાય છે.
    સંધ્યા ભટ્ટ (બારડોલી)
    ભૂંસાયો આજ ચોતરો ને વારતા ઝૂરે,
    બોખા મુખે બેઠેલ એ પાદર વિશે કહો
    લક્ષ્મી ડોબરિયા (રાજકોટ)
    આપ્યું છે એની વાત વિગતવાર થઈ ગઈ ,
    બે શબ્દ તો મળ્યું છે એ વળતર વિશે કહો !
    ડો. શૈલી પટેલ (અમદાવાદ)
    ટાંકા લીધા કેટલા રેશમ અને નાયલોનથી
    પ્રેમના ઘા ક્યાં કદીયે સોયથી સંધાય છે?
    હેમંત મદ્રાસી
    શાંત દેખાતો હશે, પણ ભીતરે ક્યાં શાંતિ છે?
    યુદ્ધ માણસના આ મનમાં તો સદા ખેલાય છે.
    ડો. મુકુર પેટ્રોલવાળા
    અલવિદા
    ૐ શાંતિ

  10. Poonam said,

    October 27, 2023 @ 12:11 PM

    આદમી મુઠ્ઠીઊંચેરા…
    આ કમનસીબ તે નયન દેસાઈનું નહીં, ગુજરાતી કવિતાનું જ.
    Om Shanti 🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment