બિલિપત્ર:પાંદડી-૨: મેળો – રમેશ પારેખ
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.
કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.
કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.
કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.
આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.
– રમેશ પારેખ
JayShree said,
May 17, 2007 @ 4:22 PM
Thank You, Dada….
રમેશ પારેખની આ ત્રણે ગઝલો વાંચવાનું ઘણું ગમ્યું. કોઇ ચોપડીમાં વાંચ્યું હતું કે એક કવિને સાચી શ્રધ્ધાંજલી એના રચનાઓ યાદ કરીને જ અપાતી હોય છે.
લયસ્તરો » મુકામ પોસ્ટ માણસ - નયન દેસાઈ said,
May 29, 2007 @ 9:26 PM
[…] બે અઠવાડિયા પર ર.પા.ની અમર ગઝલ મનપાંચમના મેળામાં યાદ કરી એ વખતે નયનભાઈની આ ગઝલ યાદ આવી ગઈ. આ ગઝલ અને માણસ ઉર્ફે… બન્ને નયનભાઈની બે સર્વશ્રેષ્ઠ રચનાઓ છે. આ ગઝલના એક એક શેરને લઈને આખો દિવસ મમળાવો ત્યારે એનો અર્થ ધીમે ધીમે છૂટે એની પોતાની મઝા છે ! અને હા, છેલ્લા શેરમાં કઈ મરિયમની વાત છે એ હું હજી સુધી સમજી શક્યો નથી… મરિયમ એટલે ‘મેરી’ (ઈસુની માતા)… પણ મરિયમની ભ્રમણા એટલે ? …કે પછી ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફીસમાંના અલીડોસાની દિકરી મરિયમની વાત છે ? … કોઈને ખ્યાલ આવે તો ફોડ પાડજો. […]