પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
– યામિની વ્યાસ

નયનનાં મોતી : ૦૩ : ચંદુ – નયન દેસાઈ

ચંદુ ક્યાંકથી જાણી લાવ્યો
કે પાણી પર ચીતરી શકાય છે

સમજાવ્યો લાખ તોય માન્યો નહીં એ
પાણીની ભાષા કૈં શીખી શકાય છે ?
ચંદુ આપણાથી વાદળાં પર ચાલી શકાય છે ?

રસ્તા પ૨ સ્વીટીના હસવાનો અવાજ બાજુના મકાન સુધી પહોંચે છે
પણ નદી કિનારે બે વ્હાણ કરે વાતો આપણા કાન સુધી પહોંચે છે ?
પડછાયો ભોંય પર ખોડી શકાય છે ?
ચંદુ આપણાથી ભીંતો પર દોડી શકાય છે ?

પાંદડાની નસનસને સૂંઘે પવન પછી ૠતુઓનાં નામ એને આપી દેવાય છે
ફૂલ ઉપર ઝાકળનાં ટોળાંઓ બેસે એ ભોળા પંખીને દેખાય છે
કાળમીંઢ અંધારે આંગળી ચીંધી શકાય છે ?
ચંદુ આપણાથી એકલતા વીંધી શકાય છે ?

– નયન દેસાઈ

સ્વગતોક્તિ કાવ્ય છે. કવિ જાતને સમજાવે છે જાણે કે – જે શક્ય નથી તેની પાછળ ગાંડા શીદને કાઢવા ? પ્રેમિકાનો એકરાર હોય કે પછી કોઈ સ્વજન પાસે રાખેલી કોઈ વાંઝણી અપેક્ષા હોય….કે પછી એકલતા સામે ફરિયાદ હોય….મન માને કે ન માને – વાસ્તવિકતા સ્વીકારવી જ રહી….

1 Comment »

  1. pragnajuvyas said,

    October 17, 2023 @ 11:00 PM

    હ્રુ.કવિશ્રી નયન દેસાઇનુ સ્વગતોક્તિ કાવ્ય એમની વૈયક્તિક લાક્ષણિકતા પ્રગટ કરતું મહત્વનું કાવ્ય છે.ડૉ વિવેકનો સ રાસ આસ્વાદ
    કાળમીંઢ અંધારે આંગળી ચીંધી શકાય છે ?
    ચંદુ આપણાથી એકલતા વીંધી શકાય છે ?
    વાહ્
    કોઈનો સાથ મળવાથી વ્યક્તિના જીવનમાં ઘણી રાહત થાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment