હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !
-ભગવતીકુમાર શર્મા

નયનનાં મોતી : ૦૬ : વસંત-આગમને – નયન દેસાઈ

આ તાર તાર બજતા પવનો ઊડે લ્યા!
કીડી ચઢી મલપતી સરતી થડે લ્યા !
ડાળો અવાક નીરખે સૂંઘતી હવાને,
આ કેફ કેફ ક્યહીંથી મૂળિયે ચડે લ્યા!

આકાશથી ધુમ્મસનાં નીકળ્યાં વહાણો;
એ જાય દૂર સરતાં ૠતુનાં ચઢાણો.
ટોળે વળેલ તડકા વિખરાઈ ચાલ્યા,
લ્યો ઊકલ્યાં સમયનાં લિપિ ને લખાણો.

ને આ નદી સ૨૫ શી વહેવાય લાગી,
જાણે ઊઠી અબઘડી શમણાં જ ત્યાગી
થીજેલ બેય ફરકયા નદીના કિનારા,
ચારે દિશા રણઝણી શહનાઈ વાગી

ફૂલો સજેલ ધરણી રૂપ ઊઘડે લ્યા !
ધીમે ધીમે પવનને લય આવડે લ્યા!

– નયન દેસાઈ

નયન દેસાઈના ખજાનામાં ક્યાંક એકાદ ખૂણામાં સૉનેટના એકાદ-બે મોતી પણ મળી આવે ખરાં. મૂળે ગીત-ગઝલના માણસ એટલે પારંપારિક સૉનેટમાં સહજ અપૂર્ણાન્વય (enjambment, run-off lines) પ્રયોજવાથી એ દૂર રહ્યા છે. વાક્ય એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાવાના બદલે પંક્તિ પૂરતું જ સીમિત રહે છે. વાત વસંતના આગમનની હોવાથી કવિએ કાવ્યવાહન તરીકે વસંતતિલકા છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. પાંચમી પંક્તિમાં ‘ધુમ્મસ’ શબ્દના પ્રારંભના અપવાદ સિવાય કવિએ છંદ સુપેરે નિભાવ્યો છે. સૉનેટની ચુસ્ત પ્રાસનિયોજના પર પણ ગીત-ગઝલનો સંસ્પર્શ વર્તાય છે. પંક્તિએ પંક્તિએ પૂર્ણ થઈ જતા વાક્ય સિવાય ગીતની સહજ બોલચાલની ભાષા કાવ્યસ્વરૂપને અતિક્રમીને અહીં પ્રવેશ પામી છે. લ્યા ને લ્યોથી સૉનેટ છલકાય છે. પવનથી શરૂ થયેલ વાત પવન પર પૂરી થાય એની વચ્ચે કવિનો કેમેરા કીડીથી લઈને આકાશ સુધી સૃષ્ટિ સમગ્ર પર ફરી વળે છે.

4 Comments »

  1. pragnajuvyas said,

    October 21, 2023 @ 6:50 AM

    કવિશ્રી નયન દેસાઇનું મજાનુ સોનેટ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ્
    ફૂલો સજેલ ધરણી રૂપ ઊઘડે લ્યા !
    ધીમે ધીમે પવનને લય આવડે લ્યા!
    વાહ્

  2. Dhruti Modi said,

    October 22, 2023 @ 1:19 AM

    સરસ સોનેટ .

  3. રમેશ પ્રજાપતિ said,

    October 22, 2023 @ 8:57 PM

    ગીત, ગઝલના આટલું સરસસોનટ પણ લખીને મંત્રમુગ્ધ કરી દે છે… જય હો… નયન ભાઈ, તમે ભાવકોના દિલમાં જીવંત છો…. રમેશ પ્રજાપતિ. ભરૂચ.

  4. Poonam said,

    October 27, 2023 @ 12:39 PM

    Geet saras !

    Aaswad pan Saras sir ji 😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment