લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.
– શબનમ ખોજા

(આ વ્યક્તિ, આ ટોળું) – નયન હ. દેસાઈ

આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.

હા, એકાંત કણસે છે છાતીમાં ઊંડે,
આ હોઠો આ હસવું ને મૂંગો બરાડો.

લે, પડછાયા, ડાઘુ થૈ બેઠા છે ઘરમાં,
આ પગરવ, આ ઊંબર ને ભાંગ્યાં કમાડો.

તો પોતાનું સરનામું મળવાનું ક્યાંથી?
આ દર્પણ, આ ચહેરા ને ઝાંખા પહાડો.

હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,
આ રસ્તો, આ ચાબુક ને વાંસો ઉઘાડો.

ને ચપ્પુ તો છાતીમાં ઊતરે, પરંતુ,
આ હાથો, હથેળી ને એમાં તિરાડો.

કે તૂટી પડ્યો છે પુરાણો ચબુતરો,
આ શેરી, આ સંધ્યા ને સંભળાય ત્રાડો

– નયન હ. દેસાઈ

જેમ વિશ્વ કવિતામાં એમ જ ગુજરાતી કવિતામાં સમય સમયાંતરે વહેણ બદલાતાં રહ્યાં છે. ઉર્દૂ-ફારસી બનીમાંથી ક્રમશઃ શુદ્ધ ગુજરાતી તરફ ગઝલનું પ્રયાણ થયું એ પછી વચ્ચે ગઝલ પરંપરાથી કંટાળી અને આધુનિકતા, સરરિઆલિઝમ, મેટાફિઝિકલ, એબ્સર્ડ, પ્રયોગો – આમ ગઝલ અલગ અલગ નવી ફ્લેવર ચાખવાની કોશિશ કરી ચૂકી છે. નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એમણે ઢગલાબંધ એબ્સર્ડ ગઝલો પણ લખી છે. એબ્સર્ડ ગઝલ એટલે એવી ગઝલ જેમાંથી દેખીતો અર્થ તારવવો મુશ્કેલ થઈ પડે પણ એમાંથી પસાર થતી વખતે ભાવકને એક અનૂઠી અનુભૂતિ થાય. આમેય કહ્યું છે ને કે, A poem has to be, not mean. અર્થાત્, કવિતાનું હોવું જ જરૂરી છે, અર્થ નહીં.

આ ગઝલ એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી ગઝલ છે. કવિ આખી ગઝલમાં ક્રિયાપદોનો ભાગ્યે જ પ્રયોગ કરે છે. અને ‘આ’ એકાધિકવાર -૧૭ વાર- વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપણને આપે છે અને કહે છે કે આ ટુકડાઓ ગોઠવીને જિગ-સૉ પઝલ પૂરી કરો. આખી ગઝલ એક રીતે જોઈએ તો દૃશ્ય ગઝલ છે. કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને એક નવું જ દૃશ્ય રચે છે. કેલિડોસ્કૉપને જેટલીવાર ફેરવો, એક નવી જ ડિઝાઇન સામે આવે, એવું જ કંઈક આ ગઝલ વિશે કહી શકાય.

એક જ શેર હાથમાં લઈએ:

આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,.
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.

એક શેરમાં સાત દૃશ્યો એકબીજાની બાજુબાજુમાં મૂકી દેવાયા છે. બધા જ દૃશ્યો સાથે ‘આ’ લગાડાયું છે એટલે જે પણ કંઈ છે એ આપણી આંખોની સામે એકદમ નજીક છે, કદાચ અડી શકાય એટલું નજીક. પહેલું દૃશ્ય આ વ્યક્તિનું છે. બીજું આ ટોળાનું. સમજી શકાય છે કે ‘લોગ સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા’ની વાત કવિને અભિપ્રેત છે. ત્રીજું અને ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં અને બીજા દૃશ્ય સાથે જોડાયેલ છે. વ્યક્તિ બોલે એ શબ્દો છે પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ટોળાંનો અવાજ ધુમાડા જેવો છે, એ સાફ નથી, તરત વિખેરાઈ જાય છે, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. બીજા મિસરામાં કવિ ભાવકને પણ સાંકળી લે છે અને બે સામસામે ઊભેલા દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત કરે છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે પણ ટોળું એ અનિર્ણાયકતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો પડેલી નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ અહીં ઊંડી પણ છે… અર્થાત્, ભલે સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ છે… ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી… એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે…

આખી ગઝલને આ રીતે ખોલી શકાય…

3 Comments »

  1. Aarti rohan said,

    March 24, 2018 @ 10:53 PM

    Excellent

  2. G K Mandani said,

    March 27, 2018 @ 12:03 PM

    Baki gazal ni panktio ne koi kholi batavashe?…

  3. વિવેક said,

    March 28, 2018 @ 2:15 AM

    @ જી. કે. મંદાની:

    લયસ્તરો એ કવિતાના ઘરમાં પ્રવેશવાનો ઉંબરો માત્ર છે… કવિતાના ઘરમાં તો ભાવકે જાતે જ પ્રવેશવાનું હોય ને!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment