પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ !
હરીન્દ્ર દવે

સવા શેર : ૦૪ : નયન હ. દેસાઈ

આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
– નયન હ. દેસાઈ

નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી એમની ગઝલનો એક શેર આપણે જોઈએ. એબ્સર્ડ એટલે જેમાંથી દેખીતો અર્થ તારવવો તો મુશ્કેલ હોય પણ એક અનૂઠી અનુભૂતિ ચોક્કસ કરાવે એ. આ મત્લામાં એકપણ ક્રિયાપદ તો નથી જ, પણ ચૌદ જ શબ્દોના બે મિસરામાં પાંચ-પાંચવાર ‘આ’ વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપીને કવિ આપણને જિગ-સૉ પઝલ પૂરી કરવાનું આહ્વાન પણ આપે છે. આખી ગઝલ જ દૃશ્ય ગઝલ છે, અને એમાં શિરમોર છે આ મત્લા. અહીં બે પંક્તિની સાંકડી ગલીમાં એક-એક કરતાં સાત-સાત દૃશ્યો સાથ-સાથ છે. બધા સાથે દર્શક સર્વનામ ‘આ’ લગાડાયું છે, એટલે જેની વાત થઈ રહી છે, એ સાવ નજીકમાં છે, કદાચ અડી શકાય એટલું. પહેલું દૃશ્ય ‘આ’ વ્યક્તિનું છે. બીજું ‘આ’ ટોળાંનું. ‘लोग साथ आते गये और कारवाँ बनता गया।’ શેર અડધે પહોંચ્યો નથી ને એનો પ્રસાર છેક વયષ્ટિથી સમષ્ટિ સુધી થઈ ગયો! ત્રીજું-ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં-બીજા સાથે સંકળાયેલ અનુભવાય છે. વ્યક્તિ બોલે એ શબ્દો પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ધુમાડાની જેમ જ ટોળાંનો અવાજ કદી સ્પષ્ટ હોતો નથી ને તુર્ત જ વિખેરાઈ પણ જાય છે. એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી, એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે… ઉલા મિસરામાં દૃશ્યગતિ અ-બ-અ-બ જેવી આવજા કરતી દેખાય છે, તો સાની મિસરામાં એ એક જ લીટીમાં સુરેખ થતી નજરે ચડે છે. આંખો, આંખોને દેખાતાં દૃશ્યો અને દૃશ્યો શેનાં તો કે ઊંડી કરાડોનાં. સામસામે ઊભેલાં દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત થાય છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે, જે શબ્દો જેવા સાફ હોવા ઘટે, પણ ટોળું એ ધુમાડા જેવી શૂન્યતા, અસ્થિરતા, અનિશ્ચિતતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ વળી ઊંડી પણ છે… અર્થાત્, નજર સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે ભલે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ જ છે… અને આ તો એબ્સર્ડ ગઝલનો શેર છે. ગાયના આંચળની જેમ એને દોહીને અર્થનું દૂધ તારવવાના બદલે એને માત્ર અનુભવવાની કોશિશ કરીએ તો? કદાચ તોય આ શેર આસ્વાદ્ય બની રહે છે…

ટૂંકમાં, કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને અહીં નિતનવા દૃશ્યો રચે છે. કેલિડોસ્કૉપ યાદ આવે – ફેરવો એટલીવાર નવી ડિઝાઇન!

3 Comments »

  1. pragnajuvyas said,

    December 26, 2020 @ 11:55 AM

    અસંબદ્ધ શેરનુ ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    અસંબદ્ધ એ માનવ-અસ્તિત્વ અંગેનું આધુનિક ચિંતન છે કે જેમાં એવું માનવામાં આવે છે કે વિશ્વમાં વ્યક્તિ અન્ય વ્યક્તિઓથી અલગ પડી ગયેલી છે, કશુંક પણ અર્થપૂર્ણ કાર્ય કરવામાં તે અસમર્થ છે અને તે એના કાબૂ બહારનાં બાહ્ય બળોનો ભોગ બનેલી છે.અસ્તિત્વવાદી કવિઓ દ્વારા માનવજીવનમાં સંવાદિતા, હેતુ વગેરે વિધેયાત્મક પરિબળોના અભાવનું ચિત્ર રજૂ કર્યું

  2. Maheshchandra Naik said,

    December 26, 2020 @ 1:50 PM

    સરસ આસ્વાદ…..

  3. Himanshu Trivedi said,

    December 27, 2020 @ 3:15 PM

    એક ઉત્તમ કવિ…
    મુકામ પોસ્ટ માણસ – નયન દેસાઈ
    March 24, 2009

    જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
    ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ

    રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
    ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

    બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
    મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

    ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
    કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

    કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
    મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

    – નયન દેસાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment