શબદને હાથ ઝાલીને કલમ પલાણી છે મેં તો,
જીતી જવો છે મર્ત્યલોક, પણ સમય તો લાગશે!
- વિવેક મનહર ટેલર

મગદલ્લા બંદરની છોકરી… – નયન દેસાઈ

દરિયો નિહાળે તો મોજું થઈ જાય
ને રેતીને જુએ તો વાયુ જેમ વાય…
મગદલ્લા બંદરની છોકરી…
બોલે તો ઘૂઘવતા કાંઠાની જેમ
ચાલે તો ધરતી પર તરતી દેખાય…
મગદલ્લા બંદરની છોકરી…

નારિયેળી ઝૂંડનો પડછાયો ઓઢી
ગીત ગાય હઈસો ને હોફા
નામ એનું કાંઈ નહીં
મિલ્કતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા….
બગલાની પાંખ જેવો પાથરી પવન
ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય…..
મગદલ્લા બંદરની છોકરી…

મગદલ્લા બંદરમાં ભરતી આવે ને
વ્હાણ આવે છે કંઈ કંઈ થી મોટાં
હારબંધ સરૂઓનાં વૃક્ષોની પાછળથી
સૂરજ પાડ્યા કરે છે ફોટા
ફોટામાં આપ ધારી ધારીને જુઓ તો
પરપોટા જેવું જે હસતું દેખાય…..
મગદલ્લા બંદરની છોકરી…

નયન દેસાઈ

3 Comments »

  1. ધવલ said,

    September 9, 2006 @ 10:48 AM

    આફરીન ! નયનભાઈ.

    દરિયો નિહાળે તો મોજું થઈ જાય
    ને રેતીને જુએ તો વાયુ જેમ વાય…
    મગદલ્લા બંદરની છોકરી…
    બોલે તો ઘૂઘવતા કાંઠાની જેમ
    ચાલે તો ધરતી પર તરતી દેખાય…
    મગદલ્લા બંદરની છોકરી…

    ઝ.મે.ની ચારણકન્યા યાદ આવી જાય એવું સશક્ત વર્ણન છે.

  2. Chetan Framewala said,

    September 10, 2006 @ 1:15 PM

    નયનભાઈ ની એક ગઝલ યાદ આવી ગઈ,

    રોજ સવારે મારા પાસેથી માછણ જાતી રે,
    ચાલ ઊછળતી દરિયો દરિયો ને મોજવંત્-છાતી રે!

    ચાર કિનારા તોડી જાણે અષ્ટગંધ ભરી લાવે,
    દૂર દૂરથી યોજનાગંધા નજરોમાં છલકાતી રે!

    એક હાથમાં છરી તેજ ને માંસલ નિતંબ ઊછળે,
    ત્યાં જ સગર્ભા શેરી જાગે તસતસતી મદમાતી રે!

    એમ કમર પર કંદોરાની ઘંટડીઓ રણકે લેલૂંમ,
    સાવ ઉગાડા નાભિપટ પર પંખી-પાંખી છવાતી રે !

    શ્યામ મુખ ભમરાળી આંખો, બોલે છબછબિયાળું,
    ક્યાંક હવામાં તરતી લાગે, હોડી સમ ઝૂક જાતી રે!

    હોય ટોપલામાં મચ્છી એકાદ હજુ તરફડતી,
    જાય અને પાછળ એની કોઈ ઝીણી જાળ વણાતી રે!
    નયન હ.દેસાઈ

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  3. વિવેક said,

    September 11, 2006 @ 2:56 AM

    મજા આવી ગઈ, ચેતનભાઈ! ખૂબ ખૂબ આભાર…. ઘણી સરસ કવિતા શોધી લાવ્યા…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment