ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨
(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)
ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:
ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?
મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.
ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.
કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.
રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.
(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)
-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.
જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.
રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.
ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;
પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.
સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.
પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.
પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.
બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.
નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,
કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.
(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)
રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.
ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.
સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !
-રઈશ મનીઆર, વિવેક ટેલર
Shah Pravinchandra Kasturchand said,
September 27, 2008 @ 7:49 AM
હું બોલું તો શું બોલું?
pragnaju said,
September 27, 2008 @ 10:28 AM
સર્વાંગ સુંદર
મઝા જ મઝા
…કડી ૩ ની રાહ જોઈએ છીએ
Vijay Shah said,
September 27, 2008 @ 10:34 AM
વિવેકભાઈ ,રઈસભાઈ અને ધવલ્ભાઈ
આભાર
ઊર્મિ said,
September 27, 2008 @ 10:18 PM
સંચાલક રઈશભાઈને, ભાગ લેનાર બધા કવિઓને, અહેવાલ લખનાર ગુરુજીઓને… બધાને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન !! આવા દુર્લભ પ્રોગ્રામો કાયમ કરતા જ રહો અને અમને આટલે દૂર સુધી એની ફોરમ પહોંચાડતા રહો…!!
આટલો સુંદર અહેવાલ આપી આપીને જીવ બાળો નઈં…
અને પ્રોગ્રામની ડીવીડી જલ્દી જલ્દી મોકલાવો ભઈ !! 🙂
mahesh Dalal said,
September 28, 2008 @ 1:16 AM
આનન્દ ખુબ અને મજા મલી વલી ..ઉપર્. વાહ ભાઇ વાહ્. આભાર્..
sudhir patel said,
September 28, 2008 @ 10:13 PM
પરોક્ષ રીતે મુશાયરો માણવાની મજા આવી.
આભાર વિવેકભાઈ અને ધવલભાઈનો!
સુધીર પટેલ.
Pinki said,
September 29, 2008 @ 3:18 AM
સરસ મુશાયરો માણવાની મજા આવી.
શેર પણ મજાના હતા, આભાર…..
Babu said,
September 29, 2008 @ 9:46 AM
આ બધાને માર્ચની ૩૦, ૨૦૦૮ ના દિવસે સુરતના
શહીદે ગઝલના વિશેસાંક વિમોચન વખતે સાંભળ્યા હતા.
ફરી એમના અક્ષરોનો લાભ દેશથી દૂર વસીને મળ્યો.
ખૂબ આંનદ થયો.
Ramesh Patel said,
September 30, 2008 @ 4:56 PM
ગની દહીંવાલા શતાબ્દી નું યાદગાર આયોઝન, દહીમા થી પંચામૃત બનાવી પ્રસંગને એક અનોખી ગરીમા આપી,ગઝલ રસિકોએ.
ધન્યવાદ
રમેશ પટેલ(આકાશદીપ)
Maheshchandra Naik said,
October 2, 2008 @ 11:06 PM
મુશયરો રુબરુ હાજર રહિને આનન્દ્ લઈ રહ્યાનો આનન્દ આનુભવ્યો.આભાર.
Sneh said,
October 3, 2008 @ 8:07 PM
thanks! for sharing
waiting for some more 🙂
and pls do share the recorded program online 🙂