ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.
– રમેશ ઠક્કર

નયનનાં મોતી : ૦૭ : ગઝલ પ્રમેય – નયન દેસાઈ

પ્રમેય:
અસ્તિત્વ બિંદુ છેઃ

પૂર્વધારણા :
બિન્દુનો આ વિરાટ અને એમાં આપણે
ખાલી હિંડોળા ખાટ અને એમાં આપણે

ઉદાહરણઃ
ઝાકળથી કોઈ આંખના અશ્રુ સુધીનો આ
બિન્દુનો રઝળપાટ અને એમાં આપણે.

પક્ષ:
બિન્દુથી… એક બિન્દુથી… બિન્દુ જ બિન્દુઓ
બિન્દુઓ ધડધડાટ અને એમાં આપણે

સાધ્યઃ
કો’ એક अ નું આમ આ ધસમસવું ब તરફ
વચ્ચે ક્ષણોની વાટ અને એમાં આપણે

સાબિતીઃ
નીકળી જવાની આસમાં ભેગાં થયા કરે
બિન્દુઓ મુશ્કેટાટ અને એમાં આપણે.

– નયન દેસાઈ

‘નયનનાં મોતી’ શબ્દાંજલિ શ્રેણીમાં આ સાતમી અને અંતિમ કડી…

પ્રમેય (થિયરમ) એટલે ગણિતમાં સ્વીકૃત પદ્ધતિ મુજબ સાબિત કરાતું મહત્વનું પરિણામ. પ્રમેયની સાબિતી સામાન્ય રીતે તે તે વિષયની પૂર્વધારણાઓ તથા તાર્કિક ક્રમમાં અગાઉ સાબિત થઈ ચૂકેલાં અન્ય પ્રમેયો પરથી તાર્કિક દલીલો વડે અપાય છે. નયન દેસાઈએ આપણને કેટલીક પ્રમેયગઝલો પણ આપી છે. ગણિતનો વિદ્યાર્થી જે રીતે દાખલો માંડીને પ્રમેય સિદ્ધ કરે, બરાબર એ જ રીતે કવિ પણ જે સિદ્ધ કરવાનું છે એ વાત કહીને પૂર્વધારણા, ઉદાહરણ, પક્ષ, સાધ્ય અને સાબિતી –એમ પ્રમેયના અંગોને એક પછી એક ન્યાય આપતાં જઈને દાખલો અને ગઝલ બંને સિદ્ધ કરે છે.

વિશાળ અનંત બ્રહ્માંડમાં આપણું અસ્તિત્ત્વ એક બિંદુથી વિશેષ કશું નથી આ વાતને તેઓએ ગઝલ-ગણિતથી રજૂ કરી છે. વાત પૂર્વધારણાથી શરૂ થાય છે, અને સાબિતી પર જઈને અટકે છે. નયન દેસાઈની પ્રયોગગઝલ છે એટલે એબ્સર્ડિટી કે એબ્સ્ટ્રેક્ટેશનથી અલિપ્ત તો હોય જ નહીં. કાવ્યાર્થથી વિશેષ આ રચનાઓ કાવ્યાનુભૂતિની રચનાઓ જ હોવાની. પોતપોતાની ક્ષમતા મુજબ એમાંથી આચમન કરી લઈએ એ જ ઉચિત.

8 Comments »

  1. શૈલેન રાવલ said,

    October 22, 2023 @ 11:48 AM

    કવિશ્રી નયન દેસાઈની વિવિધલક્ષી રચનાઓ પૈકીની આ અદભૂત રચના . .

  2. હેમેન શાહ said,

    October 22, 2023 @ 12:37 PM

    બહોત દેર કી મહેરબાં આતે આતે

    ભાઈ વિવેક,
    તારા ગામના કવિને પોંખવામાં આટલી બધી વાર ?
    નયનની હાજરીમાં કર્યું હોત તો ?
    ખેર, મારું suggestion છે, કે હજી એક સપ્તાહ
    નયન દેસાઈ સપ્તાહ રાખો. એની સુંદર ગઝલો મૂકો.

    હેમેન

  3. રિયાઝ લાંગડા (મહુવા). said,

    October 22, 2023 @ 12:57 PM

    વાહ!

  4. જયેશ કેલર said,

    October 22, 2023 @ 2:29 PM

    વાહ!
    અદભુત રચના…!!

  5. Aasifkhan said,

    October 22, 2023 @ 2:53 PM

    વાહ ખુબ સરસ રચના
    વાહ નયનભાઈ

  6. praganajuvyas said,

    October 24, 2023 @ 1:07 AM

    કવિશ્રી હ્રુ નયનજીની સુંદર ગઝલ
    ડો.વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    બ્રહ્માંડનું કદ સીમિત છે કે અસીમિત તે અનશ્ચિત છે
    પણ
    આપણું અસ્તિત્ત્વ એક બિંદુથી વિશેષ કશું નથી

  7. Poonam said,

    December 15, 2023 @ 12:27 PM

    સાબિતીઃ
    નીકળી જવાની આસમાં ભેગાં થયા કરે
    બિન્દુઓ મુશ્કેટાટ અને એમાં આપણે.
    – નયન દેસાઈ – પ્રમેયો સાબિતી ! 🙏🏻

    Aaswad Sa Rus sir ji 😊

  8. અક્ષય મકવાણા said,

    March 16, 2024 @ 9:32 AM

    આમ જોવા જઈએ તો વિજ્ઞાન નો વિદ્યાર્થી પણ પ્રયોગ પોથી માં પ્રયોગ સાબિત કરવા માટે પક્ષ, સાધ્ય, સાધન અને સાબીતી લખતો હોય છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment