કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે, હવે એ પણ ન હો.
ચિનુ મોદી

(અડધા હાથે લકવો નયનભાઈ) – નયન દેસાઈ

સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!

કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને;
નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને!

સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય અભરખા જોને;
લાશ બળે કે લાઈટર સળગે : બંને દૃશ્યો સરખા જોને!

ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને?
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!

અમે કાચની પૂતળીને પહેરાવ્યા એવા વાઘા જોને;
સાવ અજાણ્યા થઈને ફરીએ અમે પંડથી આઘા જોને!

અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને;
હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને!

અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જોને !
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !

હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને!
છબી બનેલી મા ક્યાંથી બોલાવે ઘોઘર બાવા જોને?

જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!

મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને!
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !

– નયન દેસાઈ

નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ગઝલ અને ગીતોમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા છે એટલું કદાચ જ કોઈ કવિ લાવી શક્યા હોય પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નથી… આ ગીત જુઓ અને નક્કી કરો…

4 Comments »

  1. Lalit Trivedi said,

    August 23, 2018 @ 8:50 AM

    ક્યા બાત હૈ
    વાહ

  2. La Kant Thakkar said,

    August 23, 2018 @ 8:50 AM

    વિરોધાભાસ વિના કવિત-તત્ત્વ સંભવે ખરું?
    આ સમગ્ર અસ્તિત્વનો પહેલો નિયમ,મૂળ રાઝ-પાયો-“બેનું એકસાથે (દ્વંદ્વ) હોવું “!
    “નયન” પણ છે તો બેજ (ફાટેલા-સાંધેલા,અમે, પંડથી આઘા જોને!) અવનવા પ્રતીકો દ્વારા દૃશ્ય-ચિત્રો-ખડાં કરી શક્યા છે.
    કાનો માતર વિનાના,પણ શ્રદ્ધાવાન (સરસ્વતીનું સ્મરણ,ઘોઘર બાવા) “નયન” (ભાઈ), આધે-અધૂરે ,દ્વન્દ્વગત એક અસ્તિત્વમાં , ” છે અને નથી “ના દોહરા એહ્સાસને દોહરાવે છે !( ઊંઘ ના આવે ત્યારે માથે હાથ ફેરવનાર,હાલરડું ગાનાર આધાર મા નથી!) – ‘ક્યાંક “કંઇક” ખૂટે છે’ ના કોઈ અભાવગ્રસ્ત ભાવમાં ડૂબેલા પણ છે!
    પોતે કવચિત બે પળ વચ્ચેની અતિસૂક્ષ્મ “સ્પેસ” ( ‘ખાલીપણા’ના કો’ક બિન્દુએ સવાર) ,હવે,ક્યારેક અનુભવે તટસ્થ બની ( બર્ડ્સ આઇ-વ્યૂ થી ) આસપાસની સૃષ્ટિને નિહાળે છે,
    (હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને!,સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!)- {“કી ફરક પેંદા હૈ” / કોઈ ફર્ક નહિ પડતા! ના નઝરિયાથી મૂલવે છે.

    { મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને!
    અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !}-કંઇક વિક્ષિપ્ત મનોભાવમાં અસ્થિરતાને નથી સૂચવતા ?

    છેલ્લે, “VMT”ની ‘હવા’ ને ‘તિરાડ’ નીચેની ચાર પંક્તિઓ આપી ગઈ ઃ-
    {હવા પ્રાણ-શક્તિ સમ તરલ છું,સરલ છું,
    ન દેખાઉં,મળું નહિ જલ્દી એવો વિરલ છું,
    લજામણી શો અતિ સંવેદનશીલ નરમ છુ.
    નંદવાય તરત છેડતાંજ,એ બરડ ‘અહમ’ છું.}
    આભાર .ધન્યવાદ .
    – ( લા’ કાન્ત ઠક્કર, ” કઈંક” ) / ૨૩-૦૮-‘૧૮

  3. મયુર કોલડિયા said,

    August 25, 2018 @ 10:05 AM

    ‘હૈયું તૂટી પડે કે જમ્બો’ -એ ના સમજાયું. પ્રકાશ પડશો.

  4. વિવેક said,

    August 27, 2018 @ 1:22 AM

    @ મયુર કોલડિયા:

    અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને;
    હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને!

    હવે તો સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડિયાનો જમાનો આવી ગયો પણ આ ગઝલ એ વખતે લખાઈ છે જ્યારે ટીવી પણ કદાચ રંગીન નહોતા અને વિમાન તૂટી જાય તો મરી ગયેલા યાત્રીઓના ઘરે ચિઠ્ઠી આવતી કે ફલાણા ફલાણા ભાઈ કે બહેન આ દિવસે આ હોનારતમાં અવસાન પામ્યા છે…

    કવિનું હૈયું તૂટી ગયું છે એ ઘટનાને તેઓ જમ્બો જેટ સાથે સરખાવે છે. પોતે હવે જાણે રહ્યા જ નથી ને તોય પોતાના નામે રોજ ચબરખી આવી રહી છે…

    જો કે નયન દેસાઈની ગઝલોમાંથી અર્થ મળી આવે એ જરૂરી નથી. એમની રચનાઓ બહુધા અનુભૂતિની રચનાઓ છે… અંગ્રેજીમાં સુપ્રસિદ્ધ ઉક્તિ છે: A poem has to be, not mean!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment