કોનામાં લીલો મોલ લચી પડશે - શી ખબર !
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં.
રમેશ પારેખ

અભરે ભરાઈ ગયાં – અનિલ જોશી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.

અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

– અનિલ જોશી

જાતની માલીપા વ્યાપ્ત ખાલીપાને અણુએ અણુએ ભરી દેવાના ઓચ્છવનું પ્રણયગીત તે આ. પ્રતીક્ષાની અનવરત ઘડીઓના છેવાડે આવીને ક્યારેક માણસ પુનર્મિલનની તમામ આશાઓ ગુમાવી બેસે છે. સઘળી આરત શૂન્ય થઈ ગઈ હોય એવામાં પ્રિયજન અણધાર્યાં વાદળોની જેમ આવી ચડે ત્યારે વર્ષોથી ખાલીખમ રહેલું આભ કેવું અભરે ભરાઈ જાય! તરસ જેટલી તીવ્રતર હોય, પાણીનું મૂલ્ય એટલું જ વધુ સમજાય, ખરું ને!

પ્રિયજનની અનુપસ્થિતિમાં કથક પોતે વૈશાખની બળતી બપ્પોરે બાવળના પાંખા ઝાડ નીચેની પડતર પ્યાસી ધરતી હોવાનું મહેસૂસ કરે છે, તો સામા પક્ષે પ્રિયજન આવળના પીળા ફૂલ જેવી સંભાવનાઓ બાંધી આપતા હોવાઅનું અનુભવાય છે. જૂનો હોય કે નવો હોય, ભરવાડ ઘેટાં તો ગણવાનો જ. અહીં જૂનો વિશેષણ પ્રતીક્ષા ઘણી લાંબી હોવાની પ્રતીતિ તો કરાવે જ છે, પણ જૂના જમાનાના ભરવાડની વધુ પડતી કાળજી લેવાની ટેવનો સંસ્પર્શ પણ કરાવે છે. મિલન આડે કેટલા દિવસો બચ્યા હશેની ગણતરીમાં જ જીવન વ્યતિત થવા આવ્યું છે. આંખ ખૂલે તો વાસ્તવિકતાના દર્શન થાય પણ રાહ જોઈ જોઈ થાકી ગયેલી આંખો પ્રિયપાત્રના સંભારણાંઓના પડદાં ઊંચકી શકવાને સક્ષમ નથી. એકલતા ભૂરા આકાશ જેવી વિશાળ અને એવી તો નીરવ છે કે પીંછું ખરે તોય સાંભળી શકાય. ખાલીપાના વ્યાપ અને તીવ્રતાને કેવી સરળ ભાષામાં અને કેવી વેધકતાથી કવિએ રજૂ કર્યા છે એ જોવા-સમજવા જેવું છે, આવામાં પ્રિયજનનું આવી ચડવું એ ભૂરા રંગની એકવિધતાના સ્થાને મેઘધનુષી રંગોળી પૂરાઈ ગયેલ અનુભવાય છે. શબરીના બોર રામના હોઠે ચડે એવી ફળશ્રુતિની અનુભૂતિ પ્રિય વ્યક્તિના અણધાર્યા આગમનને લઈને કથકની સાથોસાથ આપણે પણ અનુભવીએ છીએ એ આ ગીતની ખરી સફળતા છે.

8 Comments »

  1. Varij Luhar said,

    October 6, 2022 @ 11:33 AM

    વાહ વાહ.. ખૂબ સરસ ગીત અને આસ્વાદ

  2. પીયૂષ ભટ્ટ said,

    October 6, 2022 @ 11:44 AM

    અદ્ભુત સમન્વય ગીત અને અસરકારક આસ્વાદનો.
    પ્રિયજનનાં મિલન ની તીવ્રતમ તરસ લાગી હોય, છતાં આગમન નાં એંધાણ વર્તાયાનહીં અને ખાલીપો વર્તાય ત્યારે વ્હાલમનું અચાનક આગમન થાય અને હૈયું સભર થઈ જાય એવી જ સભરતા ગીત અને આસ્વાદ પછી લાગી. અનિલભાઈ અને વિવેકભાઈ ને વંદન સહ અભિનંદન.

  3. gaurang thaker said,

    October 6, 2022 @ 12:10 PM

    ખૂબ જ સરસ👌👌👌

  4. નેહા પુરોહિત said,

    October 6, 2022 @ 12:16 PM

    મજાનું ગીત. સુંદર આસ્વાદ.

  5. Bharati gada said,

    October 6, 2022 @ 2:47 PM

    વાહ ખૂબ સુંદર ગીતનો ખૂબ સુંદર આસ્વાદ 👌👌

  6. pragnajuvyas said,

    October 6, 2022 @ 7:38 PM

    ડૉ.વિવેકજીનો ખૂબ સ રસ આસ્વાદ
    અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
    એવા ફળિયાની એકલતા ભૂરી
    વાહ,કવિશ્રી અનિલ જોશીનુ વિપ્રલબ્ધાનું આંતરજગત પ્રગટાવતુ એક વિશિષ્ટ અને ભાવવાહી આસ્વાદ્ય સુંદર ગીત . કવિતામાં અનેક નાયિકાઓનો મહિમા ગવાયેલો છે, જેમ કે અભિસારિકા, વિપ્રલંભા, પ્રોષિતભર્તુકા વગેરે … અહીં કવિ વિપ્રલબ્ધાની મન:સ્થિતિને કાવ્યનો વિષય બનાવી અદભૂત નાટ્યાત્મકતા અને મીલન પ્રસંગનો માહોલ ખડો કરી નાયિકાનાં મનોભાવનું મજાનુગાન કરે છે.
    યાદ આવે તેઓને ગાતા માણેલુ
    સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
    છાના ઊગીને છાના ખરીએ
    તમો આવો તો બે’ક વાત કરીએ
    ત્યારે અહી
    તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
    ને અભરે ભરાઈ ગયાં આભલાં

  7. Ramesh Maru said,

    October 7, 2022 @ 4:13 PM

    વાહ…સુંદર ગીત અને એનો આસ્વાદ પણ ખૂબ જ સુંદર…

  8. Poonam said,

    October 8, 2022 @ 11:22 AM

    તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા,
    ને અભરે ભરાઈ ગયાં આભલાં… આઅહા !
    – અનિલ જોશી –

    Aaswad pan swadishth sir ji 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment