સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરિહર શુક્લ ‘હરિ’

હરિહર શુક્લ ‘હરિ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




( હરિહરને) – હરિહર શુક્લ ‘હરિ’

વાત કહું કે સાર હરિહર?
હું અંદર તું બહાર હરિહર!

બન્ને જણ ક્યાંથી જીતવાનાં?
હું જીતું તું હાર હરિવર!

મન મોજીલું મોજ કરે તે
તું બસ ખાતો માર હરિહર!

આંખ મીંચ ને માણી લે તું
સપનાંનો સંસાર હરિવર!

ફોટામાં ટીંગાઈ જઈ ને
પ્હેર સુખડ નો હાર હરિવર !

ધાર તને મળવા માંગું હું
ને તું ભાગે,ધાર હરિહર !

‘હરિ’ આ બાજુ રાહ જુએ તે
તું છે સામે પાર હરિહર!

– હરિહર શુક્લ ‘હરિ’

કવિનું તખલ્લુસ હરિ છે પણ ગઝલ જાણે હરિ સાક્ષાત્ કવિ સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય એ ભાવ સાથે લખાઈ છે. ટૂંકી બહેરમાં કામ કરવું પ્રમાણમાં કપરું હોય છે, પણ અહીં કવિએ મોટાભાગના શેર સંતર્પક આપ્યા છે, એ આપણું સદભાગ્ય.

Comments (2)