( હરિહરને) – હરિહર શુક્લ ‘હરિ’
વાત કહું કે સાર હરિહર?
હું અંદર તું બહાર હરિહર!
બન્ને જણ ક્યાંથી જીતવાનાં?
હું જીતું તું હાર હરિવર!
મન મોજીલું મોજ કરે તે
તું બસ ખાતો માર હરિહર!
આંખ મીંચ ને માણી લે તું
સપનાંનો સંસાર હરિવર!
ફોટામાં ટીંગાઈ જઈ ને
પ્હેર સુખડ નો હાર હરિવર !
ધાર તને મળવા માંગું હું
ને તું ભાગે,ધાર હરિહર !
‘હરિ’ આ બાજુ રાહ જુએ તે
તું છે સામે પાર હરિહર!
– હરિહર શુક્લ ‘હરિ’
કવિનું તખલ્લુસ હરિ છે પણ ગઝલ જાણે હરિ સાક્ષાત્ કવિ સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય એ ભાવ સાથે લખાઈ છે. ટૂંકી બહેરમાં કામ કરવું પ્રમાણમાં કપરું હોય છે, પણ અહીં કવિએ મોટાભાગના શેર સંતર્પક આપ્યા છે, એ આપણું સદભાગ્ય.
Rekha said,
March 20, 2020 @ 11:34 AM
વાહમસ્ત છે
pragnajuvyas said,
March 20, 2020 @ 11:47 AM
હરિહર શુક્લની ગઝલ ‘હરિ’ નો ડો વિવેકજી દ્વારા સ રસ આસ્વાદ
હરિ નામમા આવતા… કવિઓ હરિવલ્લભ ભાયાણી ,હરિવંશરાય બચ્ચન , હરિશ્ચન્દ્ર જોશી , હરિશ્ચન્દ્ર ભટ્ટ , હરિહર જોશી , હરિહર ભટ્ટ , હરીન્દ્ર દવે, હરીશ જસદણવાળા , હરીશ ઠક્કર
મા તખલ્લુસ હરિ સાથે હરિ સાક્ષાત્ વાર્તાલાપ કરે છે તેવી ગઝલ હરિહર શુક્લ જ કરે છે !
આમ પણ મોટાગજાનાં કવિ દ્વારા સર્જાયેલ આ સચોટ ગઝલ જાતેજ એટલું બોલે છે કે તેના આસ્વાદની જરુર જ ન પડે ! લગભગ દરેકે દરેક પ્રકારનાં પ્રશ્નો… વાત કહું કે સાર હરિહર ?નો સટિક ઉતર હું અંદર તું બહાર હરિહર!..તેવી જ રીતે દરેક શેરના પ્રશ્નના સટિક ઉતર ! તેમા મક્તા
‘હરિ’ આ બાજુ રાહ જુએ તે
તું છે સામે પાર હરિહર!…
સાથે મનમા ગુંજે આશિત સ્વરમા તુષારની રચના-
હરિ તમે ના ય પાડતાં શીખો !
માંગ્યા વિના ય કેટલું દીધું
સૂરજ ચંદર તારા
મીઠા જળની સરિતા દીધી
ઘૂઘવે સાગર ખારા
કદી કહ્યું નહીં અમને તમે તો
થોડું માંગો – ભીખો !
હવે ના ય પાડતાં શીખો.
અમે માંગીએ મનનું ગમતું
તમે કહો કે તથાસ્તુ
આજ ગમે તે કાલ ગમે નહીં
ગમતું રહે બદલાતું
એક કોળિયે ગળ્યો સ્વાદ ને
બીજે જોઇએ તીખો !
હવે ના ય પાડતાં શીખો.
અાદત પડી ગઇ અમને એવી
સાંભળ ઓ હરિ, મારા
માગણ થઇને આંગણ જાવું
મંદિર કે ગુરુદ્વારા
ટેવ પડી ગઇ, દેવાવાળો
મળ્યો છે તારા સરીખો.
હવે ના ય પાડતાં શીખો.
તમે હવે ના કૃપા કરીને
કષ્ટ અમારાં કાપો
આપવું હો તો માંગવું શું નો
વિવેક કેવળ આપો
દોડવા માંગતા મનને કહો કે
થોડું પહેલાં રીખો !
હરિ ના ય પાડતાં શીખો.