‘ઇર્શાદ’ એવું કોઈ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઈને.
- ચિનુ મોદી

ગઝલ – ઉદયન ઠક્કર

સીંચવાનાં રસ્મરિવાજોથી તુલસીદલ સડ્યાં
સર્વને મૂકી દીધાં તડકે : ટપોટપ ઊઘડ્યાં

મંગળા બસ્સો, શયન સો, દોઢસોમાં રાજભો
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા

હાથ ચલવે બાવડું કે બાવડું આ હાથને ?
કેટલા સ્હેલા સવાલો : જોશીને ના આવડ્યા

કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું ?
મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યાં

જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
આસકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા.

સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતા હતા,
એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં

– ઉદયન ઠક્કર

દરેક યુગને એક મહાત્માની અને એક અખાની જરૂર પડે જ છે. સમાજ ગમે એટલો સુસંસ્કૃત અને સાક્ષર ભલે ને થઈ જાય, બદીઓથી બચીને ચાલતા એને આવડતું જ નથી. અખો છ પદના છપ્પામાં ચાબખા મારતો હતો, બરાબર એવી જ અસર ઉદયન ઠક્કર અહીં બબ્બે મિસરાના શેરમાં ઉપજાવે છે. આપણને અતિની આદત એવી પડી ગઈ છે કે એ બિમારી હોવાની સમજણ પણ નથી રહી… ક્યારામાં માપસરનું પાણી નાંખવાના બદલે આપણે છોડ સડી જાય એ હદે આપણો ભક્તિભાવ બતાવીએ છીએ. હકીકતે તો આપણા આ રીતિ-રિવાજોને તડકે મૂકવા જેવા છે…

અત્યારે ફૂટબોલ ફીવર એની ચરમસીમાએ પહોંચ્યો છે. જર્મનીમાં એક ઑક્ટોપસ ટીમની હાર-જીતનો ફેંસલો કરે છે અને દુનિયાભરની ટીવે ચેનલ્સ અને અખબારો આ ઑક્ટોપસબાબાના દર્શન ખુલ્લા મૂકે છે… આ ગઝલ આવા જ ધૃતરાષ્ટ્રો માટે લખાઈ છે…

24 Comments »

  1. અભિષેક said,

    July 8, 2010 @ 1:46 AM

    સરસ રચના

  2. bhavin said,

    July 8, 2010 @ 2:19 AM

    રચના સારિ કે વિવેક ભાઇ નિ ટીપ્પણી નક્કિ કરવુ મુશ્કેલ

  3. ડૉ.મહેશ રાવલ said,

    July 8, 2010 @ 2:46 AM

    સોંસરી ઉતરી જાય એવી ધારદાર અને વેધક ગઝલ.
    સાવ સાચીવાત કરી તમે વિવેકભાઈ, શ્રી ઉદયન ઠક્કરને સમાજમાં “ઘર “કરી ગયેલ જડ માન્યતાઓ અને એમની તરફદારી કરી પોરસાતા “ચેલકાઓ”ના ગાલે બબ્બે પંક્તિના ૧,૨ નહીં પૂરેપૂરા ૬ તમાચા ચોડતાં હોય એવી જલદ ગઝલ આપવા બદલ બિરદાવવા જ જોઇએ.
    જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
    આસકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા.
    આ બહુજ ગમ્યું.
    સલામ સર..!

  4. dr bharat said,

    July 8, 2010 @ 3:20 AM

    ‘સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતા હતા,
    એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં’

    સુંદર,
    આધુનિક છપ્પા ભગત ની કટાક્ષિકા!

  5. Pancham Shukla said,

    July 8, 2010 @ 4:46 AM

    આવું મૌલિક અને વેધક વાંચવા મળે ત્યારે આનંદ થાય એ સ્વાભાવિક છે.

  6. kanchankumari. p.parmar said,

    July 8, 2010 @ 5:46 AM

    ગરથ દેતા ઠાકોરજિ ના દર્શન પુરે પુરા મળિ ગયા . પણરાત દિવસ માંગણ માગતા ને બટકુ રોટલો યે ના જડ્યો…..હે પ્ર્ભુ આ તે તારો કિવો ન્યાય?

  7. kanchankumari. p.parmar said,

    July 8, 2010 @ 5:55 AM

    આપણા ધુતારા બાવાઓ કરતા તો મને ઓક્ટોપસબાબા મા વધારે દમ લાગે છે ……એ ક્યા આપણિ પાસે થિ બધુ ઓળવિ લેછે?

  8. pragnaju said,

    July 8, 2010 @ 7:19 AM

    સરસ
    નર્મદ- અખા જેમ વખતો વખત આવા
    ચાબખાથી સમાજમા જાગૃતિ આવે છે
    આ વધુ ગમ્યા
    સીંચવાનાં રસ્મરિવાજોથી તુલસીદલ સડ્યાં
    સર્વને મૂકી દીધાં તડકે : ટપોટપ ઊઘડ્યાં

    મંગળા બસ્સો, શયન સો, દોઢસોમાં રાજભો
    આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા

    હાથ ચલવે બાવડું કે બાવડું આ હાથને ?
    કેટલા સ્હેલા સવાલો : જોશીને ના આવડ્યા

  9. pandya yogesh said,

    July 8, 2010 @ 8:09 AM

    મંગળા બસ્સો, શયન સો, દોઢસોમાં રાજભો
    આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા

    વાહ ઉદયન ઠક્કર વાહ

  10. Bharat Trivedi said,

    July 8, 2010 @ 10:39 AM

    આજકાલ ગુજરાતી ભાષામા ગઝલનો ફાલ એવો ઊતરતો જણાય છે કે જાણે આખી રાતના વરસાદ બાદ પહેલી પ્રભાતે ઘર આગણે મોગરાના ફુલ ખિલીઉઠ્યા હોય! નવી આવતી પ્રત્યેક ગઝલ જાણે કહેતી હોય છે- can you touch this? ઉદયન ઠક્કર કદાચ પ્રમાણમા ઓછુ સર્જન કરતા હશે પરન્તુ તેમની ગઝલો લાજવાબ હોય છે તે વિશે કોઈ બેમત નહી. ગઝલોની પસન્દગી પણ “લયતસ્તરો”ની દાદ માગીલે છે.

    જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
    આસકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા.

    વાહ ક્યા બાત હૈ!

    ભરત ત્રિવેદી

  11. Kalpana said,

    July 8, 2010 @ 6:46 PM

    સરસ. અન્ધશ્રદ્ધા અને ચમત્કારની માન્યતાને દૂર રાખવામાટે માનવીના મન સૂધી પહોઁચવામાટે રવિ પંણ ન પહોઁચી શકે ત્યાઁ ક્વિશ્રી કામ આવી જાય! આવા ચાબખા પોતાને લાગુ પડતા હોય તો પણ વાહ વાહ મુખેથી નીકળી જાય!
    ઠાકોરજી વ્યાજબી ન બને તો કદાચ ભાવ ન પૂછાય એવુઁ પણ બને!
    આભાર વિવેકભાઈ
    કલ્પના લન્ડનથી

  12. ધવલ said,

    July 8, 2010 @ 9:32 PM

    હાથ ચલવે બાવડું કે બાવડું આ હાથને ?
    કેટલા સ્હેલા સવાલો : જોશીને ના આવડ્યા

    – સરસ !

  13. સુનીલ શાહ said,

    July 8, 2010 @ 10:40 PM

    વાહ..
    વાંચતાં વેત જ ગઝલ ગમી ગઈ…
    પ્રત્યેક શેર મીઠાના પાણીમાં બોળેલી ચાબૂકના ચાબખા સમાન છે.

  14. deepak said,

    July 8, 2010 @ 11:40 PM

    એકદમ વેધક ગઝલ…. એસિડીક ગઝલ… 🙂

    મંગળા બસ્સો, શયન સો, દોઢસોમાં રાજભો
    આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા

    હાથ ચલવે બાવડું કે બાવડું આ હાથને ?
    કેટલા સ્હેલા સવાલો : જોશીને ના આવડ્યા

    કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું ?
    મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યાં

  15. અનામી said,

    July 9, 2010 @ 3:52 AM

    ઍલફૅલ લખે એ ઉદયન નહિ….

  16. Pinki said,

    July 9, 2010 @ 7:07 AM

    સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતા હતા,
    એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં… અતિ સુંદર !

    ફૂટબોલ ફીવરમાં પણ ઉદયનભાઇની છ સિક્સરમાંથી આ સિક્સર વધુ ગમી. 🙂

  17. gopal said,

    July 10, 2010 @ 9:36 PM

    સવાર સુધરી ગઇ, જોરદાર ચાબખા માર્યા ઉદયભાઇ આભાર

  18. કિરણસિંહ ચૌહાણ said,

    July 12, 2010 @ 8:23 AM

    જબરદસ્ત, જોરદાર અને જાજરમાન ગઝલ. ઉદયન ઠક્કર જ લખી શકે એવી.

  19. Udayan Thakker said,

    July 13, 2010 @ 4:00 AM

    VIVEKBHAI,in this ghazal as published in ‘Sellara’, a sher was added.May I share it with you? HUN HAJIYE EKDA PAR EKDO GHUNTYA KARU AAPNE TETRIS KOTI KEVI RITE AAVADYA? udayan.

  20. વિવેક said,

    July 13, 2010 @ 7:47 AM

    પ્રિય ઉદયનભાઈ,

    આપની હાજરી લયસ્તરો માટે એક પુરસ્કાર છે! આભાર..

    મેં આ ગઝલ 1992ના ગુજરાતી કવિતા-ચયનમાંથી લીધી છે. આજે જ સેલ્લારા ખોલીને આપે જણાવેલ શેર કયા ક્રમ પર છે એચકાસીને ગઝલમાં ઉમેરી લઈશ…

  21. Bharat Trivedi said,

    July 13, 2010 @ 8:21 AM

    વિવેકભાઈ,

    સેીલ્લારા હાથવગી હતી. તેમણે કહેલો શેર આ મુજબ છેઃ

    હુ હજીયે એકડા પર એકડો ઘૂટ્યા કરુ
    આપને તેત્રીસ કોટી કેવી રીતે આવડ્યા?

    બીજુ એ કે શેરના ક્રમમા તથા શેરોમા પણ તેમણે ઘણા ફેરફાર કર્યા છે એટલે આખીયે ગઝલ ફરીથી મુકવા જેવી છે.

    ભરત ત્રિવેદી

  22. Darshit said,

    July 13, 2010 @ 11:32 AM

    આજે ઘણા સમય બાદ કોઇ પ્રત્યે ટીપ્પ્ણી આપવાનુ મન થયુ. કારણ એક જ કે આ રચના ખરેખર મારો અને તમારો ચેહરો બતાવિ આપે છે…

  23. વિવેક said,

    July 15, 2010 @ 8:58 AM

    કવિ ઉદયન ઠક્કરે આ ગઝલમાં એક નવો શેર એમણે ઉમેર્યો હોવાનું જણાવ્યું પણ ‘સેલ્લારા’માં જોતાં જણાયું કે કવિએ એક-બે શેરમાં શબ્દોનો ફેરફર પણ કર્યો છે અને આ શેર રદ પણ કર્યો છે:

    કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું ?
    મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યાં

    આ શેર કાઢીને અને બાકીના શેરનો ક્રમ અને શબ્દો કાવ્યસંગ્રહ પ્રમાણે આ મુજબ છે:

    રાતદિવસ ગોખલે રહી-રહીને તુલસીદલ સડ્યાં
    બે જ પળ મૂકી દીધાં તડકે : ટપોટપ ઊઘડ્યાં !

    બાવડું ચલવે હથેળી ? કે હથેળી બાવડું ?
    કેટલા સ્હેલા સવાલો ! જોશીને ના આવડ્યા…

    મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
    આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા…

    જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
    આશકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા.

    હું હજીયે એકડા પર એકડો ઘૂંટ્યા કરું
    આપને તેંત્રીસ કોટી કેવી રીતે આવડ્યા ?

    સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતાં હતાં,
    એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં

  24. VIPUL PARMAR 'HASYA' said,

    August 17, 2010 @ 12:20 AM

    શબ્દોના સુસવાટા તને ક્યા સમ્ભલાઈ ગયા ?
    તુ પહેલા પહોચિ ગ્યો, ઉઠયા નહિ અમે ઉદિયા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment