અદાલતનો તિરસ્કાર* – ઉદયન ઠક્કર
(મનહર)
વકીલને વડચકું ભરી કહ્યું ન્યાયાધીશે,
‘અરજીની સાથે અખબાર કેમ આપ્યું છે?
તાણીતૂસી બંધાયેલા નાગાપુગા માણસનું
ચાર કોલમ ભરીને, ચિત્ર જેમાં છાપ્યું છે?’**
વકીલ તો શિયાવિયા થઈ ગયો, ન્યાયાધીશે
કારકૂનને કહ્યું કે ‘અલ્યા, આમ આવ તું!
ચિત્રમાં શું ચીતર્યું છે? ચિત્ર નીચે શું લખ્યું છે?
અદાલતમાં સહુને વાંચી સંભળાવ તું.’
કારકૂન કહે, ‘બધા રસોઈયા ભેગા મળી,
ઉતારતા હોય જેમ બટાકાની છાલને,
ચાર કસાઈઓ અહીં ભેગા મળી ઉતારે છે,
કસોકસ બંધાયેલા માણસની ખાલને.
પચીસ સદી પહેલાં ન્યાયમૂર્તિ સિસેમિસ
લાંચ લેતાં, રાજાજીને હાથે ઝડપાયેલો,
માફ કરો, આગળ વાંચી શકાય એવું નથી,
એનો અંત, નામદાર, આવી રીતે આવેલો.
એની ઉતરડાયેલી ખાલનું બેસણું કરી,
રાજાજીએ ખાસ, મોટી ખુરશી બનાવેલી,
નવા ન્યાયમૂર્તિ એ જ ખુરશીએ બેઠા બેઠા
ચુકાદાઓ આપે એવી રીત અપનાવેલી.’
ન્યાયાધીશ ગાજ્યા,’તેં તો મારું અપમાન કર્યું!’
વકીલ કહે કે ‘કેમ ગાંઠનું ઉમેરો છો?
પચીસ સદી પહેલાં થઈ ગયો સિસેમિસ,
બંધબેસતી પાઘડી શું કામ પહેરો છો?’
ચિત્ર જોઈ ન્યાયાધીશ થઈ ગયા રાતાપીળા,
‘તને ત્રણ મહિનાની કેદ ફટકારું છું!’
અદાલત દંગ, પેલા વકીલેય રાખ્યો રંગ,
‘આપની સજાના શિરપાવને સ્વીકારું છું.’
– ઉદયન ઠક્કર
* ‘અમુક ન્યાયાધીશો ભ્રષ્ટ છે’ એવું કહેનાર વકીલને વરિષ્ઠ અદાલતે ઈ.સ. 2020માં અદાલતના તિરસ્કાર બદલ ગુનેગાર ઠેરવ્યો હતો.
** સંદર્ભ : ‘સિસેમિસની ચામડી ઉતરડવી’, ચિત્રકાર: જેરાર્ડ ડેવિડ
લયસ્તરો પર કવિશ્રી ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો’નું સહૃદય સ્વાગત છે. આ સંગ્રહ આજે હાથ આવતા સંગ્રહોથી ઘણી રીતે ભિન્ન તરી આવે છે. મોટાભાગની રચના એકાધિક સંસ્કૃત વૃત્તોમાં રચાઈ છે. આજની કવિતાથી વિપરીત ઘણાં દીર્ઘકાવ્ય અહીં જોવા મળે છે. હળવા વ્યંગનો આશરો લઈને તીખા ચાબખા ફટકારવામાં મદદગાર મનહર છંદ કવિને સવિશેષ પ્રિય છે. ગઝલોને બાદ કરતાં મોટાભાગની રચનાઓમાં કવિએ મુક્તપદ્યને કાવ્યસ્વરૂપ તરીકે પસંદ કર્યું છે. ભારતીય પુરાકથાઓથી લઈને વિદેશી પુરાકથાઓ, ગુજરાતી અને ભારતીય વ્યક્તિવિશેષોથી લઈને વિદેશી વ્યક્તિવિશેષ, પ્રખ્યાત ચિત્રો-પ્રસંગો વગેરેને કેન્દ્રસ્થાને રાખીને કવિએ ગુજરાતી કાવ્યધારાથી સહેજે અને સાવ જ અલગ પડી જતાં બિલકુલ અનૂઠાં કાવ્યો રચ્યાં છે. સંગ્રહમાં સમાવિષ્ટ રચનાઓમાંથી ઘણી રચનાઓ લયસ્તરો પર લાંબા સમયથી ઉપલબ્ધ છે. આજે એક નવી રચના સાથે ઘરોબો કેળવીએ.
પ્રસિદ્ધ ચિત્રકાર જેરાર્ડ ડેવિડના વિખ્યાત ચિત્રયુગ્મ ‘ધ જજમેન્ટ ઑફ કેમ્બિસિસ’ તથા ‘ધ ફ્લેયિંગ ઑફ સિસેમિસ’ પ્રસ્તુત કાવ્યનાં કેન્દ્રબિંદુ અથવા સ્રોત છે. આજથી લગભગ પચ્ચીસસો વર્ષ પૂર્વે પર્શિયાના રાજા કેમ્બિસિસ બીજાએ લાંચ લેતા પકડાયેલ સિસેમિસ નામના ન્યાયાધીશની ચામડી જીવતેજીવ ઉતરડાવીને ન્યાયાધીશ માટેની ખુરશી પર એ મઢાવી દીધી, જેથી દરેક ન્યાયાધીશે એના પર બેસીને જ ન્યાય આપવાનો રહે અને ખોટું કામ કરતાં પહેલાં એ લાખવાર વિચારે. અઢી હજાર વર્ષ વહી ગયાં. સિસેમિસની ખુરશી સમય સાથે નાશ પામી હોય એમ ન્યાયાધીશ કે ન્યાય લાંચ લેતાં કે ખોટું કરતા અચકાતા નથી, કારણ કે હવે એકેય શાસક ભ્રષ્ટાચારવિરોધી રહ્યો નથી. થોડા સમય પહેલાં ન્યાયાધીશોને ભ્રષ્ટ કહેનાર એક વકીલને સુપ્રિમ કોર્ટે સજા ફટકારી એ હકીકતને જેરાર્ડ ડેવિડના ચિત્ર અને એના ઇતિહાસ સાથે સાંકળી લઈને કવિએ કેવી મર્મસ્પર્શી રચના આપી છે!
pragnajuvyas said,
February 24, 2023 @ 3:52 AM
કવિશ્રી ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો’નું સ્વાગત
અદાલતનો તિરસ્કાર- સુંદર માર્મિક ઊર્મિકાવ્ય
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
અદાલતનો તિરસ્કાર વિષયે અમને ઝાઝી ગતાગમ નથી તેમા પ્રસિદ્ધ ચિત્રકાર જેરાર્ડ ડેવિડના વિખ્યાત ચિત્રયુગ્મ ‘ધ જજમેન્ટ ઑફ કેમ્બિસિસ’ તથા ‘ધ ફ્લેયિંગ ઑફ સિસેમિસ’ના ચિત્રો કમકમા
કરાવે તેવા ! પ્રસ્તુત કાવ્યનાં કેન્દ્રબિંદુ વિષે ભીની આંખે વાંચ્યુ
અંતે રમુજથી
અદાલત દંગ, પેલા વકીલેય રાખ્યો રંગ,
‘આપની સજાના શિરપાવને સ્વીકારું છું.’
વેદન વિગલિત થ ઇ…મજા
Varij Luhar said,
February 24, 2023 @ 11:01 AM
વાહ વાહ.. ખૂબ સરસ
Aasifkhan said,
February 24, 2023 @ 11:35 AM
વાહ
ખુબ સરસ
આસ્વાદ પણ મજાનો
Harihar Shukla said,
February 24, 2023 @ 11:52 AM
મોજ કરાવી કાવ્યએ અને આસ્વાદે👌
Bhupendra Bachkaniwala said,
February 25, 2023 @ 1:24 PM
આજની ભ્રસ્ટાચાર ની નીતિ અનુરૂપ સચોટ કાવ્ય અને આસ્વાદ શાબાશ વિવેકભાઈ
Udayan said,
February 25, 2023 @ 1:30 PM
Thank you, Layastaro