કોઈએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.
શીતલ જોશી

માટે જ તો જીવતો છું – ઉદયન ઠક્કર

(ચીની કવિની ડાયરીમાંથી)

સ્ટીલ મિલના ફર્નેસ રૂમમાં મને નાખવામાં આવ્યો ત્યારે મારી વય વીસની હતી.દિવસ આખો કોલસા સવાલો પૂછે અને રાતે શરીર જવાબ દઈ દે. ચાદરની આડશે હું કવિતા લખતો હોઉં અને મારો પડછાયો કફન વણતો હોય.

છઠ્ઠે મહિને મારી હસ્તપ્રતો જપ્ત કરાઈ.સિક્રેટ પુલીસને સમજાય નહિ કે મેં લખ્યું છે શું? મામલો નિષ્ણાતો પાસે ગયો. તે પણ મુંઝાયા.
લોકો કહે છે, તમારી કવિતાઓ સમજાતી નથી.

હું કહું છું, માટે જ તો જીવતો છું.

– ઉદયન ઠક્કર

સંવેદનતંત્ર લકવો મારી જાય એવી ધારદાર રચના. દુનિયાના સેંકડો દેશોમાંથી કવિએ એકમાત્ર ચીન પસંદ કર્યો એનું કારણ શું હોઈ શકે? પ્રખર સામ્યવાદ અને માનવસ્વાતંત્ર્યના મૂલ્યોનો સદંતર હ્રાસ કદાચ. જે હોય તે. સ્ટીલ મિલની ભઠ્ઠીમાં કવિને કૂમળી વયે જોતરી દેવામાં આવ્યા હતા. આખો દિવસ કોલસા સાથે પનારો પાડવાનો અને રાત્રે શરીર જવાબ દઈ દે એ વાતને કવિએ કેવી માર્મિક કાવ્યાત્મક બોલીમાં રજૂ કરી છે! કોઈ જોઈ જાય તો સજા થઈ જવાની ભીતિને લઈને કવિ રાત્રે ચાદરની આડશમાં કવિતાઓ લખતા હોય ત્યારે મૃત્યુ શ્વાસે-શ્વાસે વધુ ને વધુ નજીક આવતું હોવાનું અનુભવતા. છ મહિને વાત બહાર આવી. હસ્તપ્રતો સિક્રેટ પોલીસે જપ્ત કરી લીધી. એમને ન સમજાયું તે નિષ્ણાંતોને મેદાનમાં લવાયા. એમનેય કવિતાઓ ન સમજાઈ. કવિતાનું તો ભઈ, એવું જ હોય ને! ‘ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત; કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.’

કવિ કહે છે કે એની રચનાઓ સત્તાધીશોને સમજાતી નથી, એટલે જ હસ્તપ્રતો જપ્ત થઈ ગયા બાદ પણ તેઓ હજી જીવંત છે. અન્યથા કવિતામાં રહેલ વિરોધ અને વિગ્રહ નજરે પડતાવેંત કવિના પ્રાણ ચીની શાસકોએ ખેંચી લીધા હોત ખોળિયામાંથી.

12 Comments »

  1. સંજુ said,

    August 12, 2022 @ 10:38 AM

    કવિતા તો કૌંસમાં લખાયેલા શીર્ષકથી નાટારંભ આદરે છે.
    એ પણ કૌંસમાં. બહુ જાહેર કરવા જેવું નથી. ખાનગીમાં કવિએ કહ્યું છે.

    પછીથી આખી રચના સબળ ગોપિતતાથી આગળ વધે છે.
    ફરી એક વખત ઉદયનાઈ શગે ચડી.
    રાજીપો
    અભિનંદન.
    🌹

  2. યોગેશ પંડ્યા said,

    August 12, 2022 @ 11:33 AM

    સાચી કવિતા બોલે છે જરૂર,પરંતુ સંભળાય છે કોઈક ને જ…
    ઉદયન ભાઈ એ જે લખ્યું,બહુ જ થોડા શબ્દોમાં..પણ આટલામાં તો ઘણું બધું કહી દીધું. કહેવા માટે ફકરા ભરવા જરૂરી નથી.એ આ કવિતા કહે છે..
    સરસ…કવિ ને અભિનંદન.
    શ્રી વિવેકભાઈ,ધન્યવાદ.આપ ચૂંટી ચૂંટી ને કવિતા પુષ્પો મુકો છો.

  3. Yogesh pandya said,

    August 12, 2022 @ 11:35 AM

    સાચી કવિતા બોલે છે જરૂર,પરંતુ સંભળાય છે કોઈક ને જ…
    ઉદયન ભાઈ એ જે લખ્યું,બહુ જ થોડા શબ્દોમાં..પણ આટલામાં તો ઘણું બધું કહી દીધું. કહેવા માટે ફકરા ભરવા જરૂરી નથી.એ આ કવિતા કહે છે..
    સરસ…કવિ ને અભિનંદન.
    શ્રી વિવેકભાઈ,ધન્યવાદ.આપ ચૂંટી ચૂંટી ને કવિતા પુષ્પો મુકો છો.

  4. Mayur Saraiya said,

    August 12, 2022 @ 12:00 PM

    Adbhut..!

  5. Niranjana Joshi said,

    August 12, 2022 @ 1:28 PM

    થોડું બોલે ને ઝાઝેરૂ સ્પર્શ કરાવે તે જ તો કવિ! શબ્દાર્થ સહિતમ્ કાવ્યમાં!

  6. રિયાઝ લાંગડા(મહુવા). said,

    August 12, 2022 @ 2:16 PM

    વાહ

  7. Shah Raxa said,

    August 12, 2022 @ 4:02 PM

    વાહ..વાહ..વાહ…કવિને સાદર વંદન….🙏💐

  8. pragnajuvyas said,

    August 12, 2022 @ 9:29 PM

    છઠ્ઠે મહિને મારી હસ્તપ્રતો જપ્ત કરાઈ.સિક્રેટ પુલીસને સમજાય નહિ કે મેં લખ્યું છે શું? મામલો નિષ્ણાતો પાસે ગયો. તે પણ મુંઝાયા.
    લોકો કહે છે, તમારી કવિતાઓ સમજાતી નથી.
    હું કહું છું, માટે જ તો જીવતો છું.
    કવિશ્રી ઉદયન ઠક્કર રમત રમતમાં પણ ઊંડી વાત કહી ગયા છે.
    ડૉ વિવેકજીનો અછાંદસનો ખૂબ સ રસ આસ્વાદ

  9. Medhavini raval said,

    August 12, 2022 @ 10:33 PM

    ખૂબ સરસ કવન.ઉદયનભાઈની કલમને નમન. ડો. વિવેકભાઈને ધન્યવાદ..

  10. Poonam said,

    August 13, 2022 @ 9:57 AM

    હું કહું છું, માટે જ તો જીવતો છું.
    – ઉદયન ઠક્કર – Waah !

    …કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય. Satya…

  11. Harihar Shukla said,

    August 13, 2022 @ 6:55 PM

    ઓહો !

  12. ડૉ.મંજરી મુઝુમદાર said,

    August 13, 2022 @ 10:46 PM

    થોડામાં ઘણું કહી દીધું. સરસ અછાંદસ કાવ્ય અને તેટલો જ સરસ આસ્વાદ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment