વારતા – ઉદયન ઠક્કર
એક હતી બકરી.નામ એનું અસ્મિતા.
તેજતર્રાર સ્વભાવની.
વાતેવાતે શિંગડાં ભેરવે.
મગદૂર છે કોઇની કે અટકચાળું કરી જાય?
બચરવાળ થઈ પછી અસ્મિતા નરમ પડી ગઈ.
એ ભલી ને એનું ઘર ભલું.
શું પોતાનું નામ, એ પણ ભૂલી ગઈ.
એક દિવસ અસ્મિતા ચરવા ગઈ.
જતાં જતાં ભટુરિયાંને કહેતી ગઈ,
‘ હું સાદ કરું તો જ બારણાં ઉઘાડજો.
મારી બોલાશ ઓળખજો.’
તે જાણતી હતી કે માતાની ભાષા ઓળખનારાં જ
જીવતાં રહે છે આ જંગલમાં.
અસ્મિતા જતી રહે એની જ રાહ જોતું હતું વરુ.
‘હલ્લો, હાઉ ડુ યુ ડુ!’ કરતુંકને આવ્યું.
બોલ્યુંઃ
બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં….
ભટુરિયાંએ બારણાં ઉઘાડી નાખ્યાં.
વુલ્ફ હસ્યું.એના દાંત દેખાયા,
યલો યલો, લોંગ લોંગ.
અસ્મિતા મોડે મોડે પાછી આવી.
એના થાનેલાથી દૂધના ટશિયા ફૂટે.
બોલીઃ
બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં
તમને ખવરાવશે રે એલાં ભટુરિયાં
તમને ધવરાવશે રે એલાં ભટુરિયાં….
પણ હવે કોણ ઉઘાડે બારણાં?
-ઉદયન ઠક્કર
વારતા બકરી અને વરુની છે પણ અભિપ્રેત કંઈક બીજું છે – એક વાચ્યાર્થ તો સ્પષ્ટ છે જ – બકરીનું નામ અસ્મિતા અને વરુ એટલે ભોગવાદી પાશ્ચાત્ય સંસ્ક્રુતિ.
જરા બાજા અર્થમાં જોઈએ તો આપણી તમામ વ્રુત્તિઓ,આવેગો,વાસનાઓને વિવેકબુદ્ધિ નામના બારણાં હેઠળ જગન્નિયંતા દ્વારા સુરક્ષિત રખાઈ છે. વરુ એ છાકટાપણું છે,અનિયંત્રિત ઉન્માદ છે – જો આપણે બારણાં ઉઘાડી સંયમની પાળી તોડી તો વિનાશ મીનમેખ…..
pragnajuvyas said,
August 18, 2022 @ 1:17 AM
કવિશ્રી ઉદયન ઠક્કરની સરળ લાગતી અછાંદસ કવિતા ગૂઢ વાત કરે છે.
વાર્તા તો કવિએ કવિતામાં આખી કહી જ દીધી છે, એટલે એ હું નહીં કહું. કવિતા આંખના ખૂણા ભીના કરી દે છે.આડીતેડી વાતોમાં ઘેઘૂર વેદના છુપાયેલી છે. પ્રથમ વાંચને સંપૂર્ણ ભેદ ન ખૂલે. બીજી-ત્રીજી વારે દરેક પંચલાઇન સમજાય .કવિતા થવા માટે ઊંડા ચિંતનમનનયુક્ત દર્શન કે અનુભૂતિજન્ય આગવા પરિવેશ જ હોય એવું નથી. કયારેક સાધારણ અને વ્યવહારું ઘરઘરાવ બાબતો પણ યોગ્ય ભાષાભિવ્યક્તિ મળે તો કવિતા થઈને ઊભી રહેતી હોય છે.
ડૉ તીર્થેશ નો ખૂબ સ રસ આસ્વાદ
યાદ આવે
એક હતો પેમલો ને એક હતી પેમલી.
લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું – પેમલી! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.
પેમલી કહે – કોણ ના કહે છે? લો પેલો હાંડો; ઊંચકો જોઈએ!
પેમલે હાંડો ઊંચક્યો ને કહે – હવે?
પેમલી કહે – હવે બાજુના કુવામાંથી પાણી ભરી આવો.
પેમલો પાણી ભરી આવ્યો ને કહે – હવે?
પેમલી કહે – હવે હાંડો ચૂલે ચડાવો.
પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે – હવે?
પેમલી કહે – હવે લાકડાં સળગાવો.
પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે – હવે?
પેમલી કહે – હવે ફૂંક્યા કરો; બીજું શું?
પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે – હવે?
પેમલી કહે – હવે હાંડો નીચે ઉતારો.
પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે – હવે?
પેમલી કહે – હવે હાંડો ખાળે મૂકો.
પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે – હવે?
પેમલી કહે – જાઓ હવે નાહી લો.
પેમલો નાહ્યો ને પછી કહે – હવે?
પેમલી કહે – હવે હાંડો ઠેકાણે મૂકો.
પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો – હાશ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઈ ગયું! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું!
પેમલી કહે – હું ક્યાં ના પાડું છું? પણ આમાં આળસ કોની?
પેમલો કહે – આળસ મારી ખરી; પણ હવે નહિ કરું!
પેમલી કહે – તો ઠીક, હવે શાન્તિથી સૂઈ જાઓ