રખડુનું ગીત – ઉદયન ઠક્કર
આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?
તડકાનો પાક સોળ આની આવ્યાની ચાર ચકલીએ આપી વધામણી
લણવાને ચૌદ લોક એકઠું થિયું ને પછી લ્હેરખીએ લેવડાવી લાવણી
વાદળના માથા પર આવ્યો છે દાવ અને ઝરણાંઓ સંતાવા દોડે
સરવર તો પહેલેથી કાચ્ચો પાપડ, પણે બેસીને મોઢું મચકોડે
કોઈ કોઈ પંદર બાય દસમાં તો કોઈ વળી દસ બાય પંદરમાં રાજી
આપણે તો સહરાથી સપ્તર્ષિ હલ્લેસે હલ્લેસે હાલનારા હાજી !
મારું જો માનો તો દેવદારનું ઝૂલવું જમણી હથેળીમાં વાવજો
આપના વિચારોમાં વગડો ના આવે, તો એના વિચારોમાં આવજો
આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?
– ઉદયન ઠક્કર
નાજુક નમણું ગીત…..
Himanshu Jasvantray Trivedi said,
October 7, 2020 @ 4:41 AM
વાહ વાહ….ઉદયન ઠક્કર! ખુબજ સરસ…કવિતા/ગીત, લય-શબ્દો-expressions … વાહ! આપની સર્જકતા સદા સાર્થક રહે…
અને આભાર શ્રી વિવેકભાઈ નો….અવિરત સાહિત્યની સેવા અને આવા વ્યસ્ત જીવનમાં આવી સરસ રચનાઓ સતત પીરસવા બદલ। … ઉદયનભાઈ કે અન્ય કવિઓ લખે અને લોકો સુધી પહોંચેજ નહિ તો શું થાય એ વિચારીને જ કંપારી છૂટે છે…
કવિઓ-સર્જકો અને વાચકો-ભાવકો એકબીજા સુધી પહોંચી શકે એ શક્ય બનાવવા વિવેકભાઈ અને એવા ઘણાં બધા લોકોનો ખુબ ખુબ આભાર। .. ટહુકોની વેબસાઈટ, માવજીભાઈ ડોટ કોમ અને આવા તો ઘણાં પ્રયત્નો આપણને જીવવાનું જીગર આપે છે.
આભાર, સહુનો, કવિઓ-સર્જકોનો, વિવેકભાઈ, જયશ્રીબેન, અન્ય-સહુ જે આવી પ્રવૃત્તિ અંગત સમયના ત્યાગે અને નિસ્વાર્થ ભાવે કરે છે તે સહુનો। …. અન્ય સહુ વાચકો-ભાવકોનો।..જેમના પ્રતિભાવો વાંચતા આનંદ થાય છે કે આપણી ભાષા હજી જીવે છે અને ખુબ ખુબ પ્રગતિ કરશે।
saryu parikh said,
October 7, 2020 @ 8:41 AM
મન મંજુલ ગીત્.
સરયૂ
pragnajuvyas said,
October 7, 2020 @ 8:46 AM
કવિશ્રી ઉદયન ઠક્કરની અફલાતુન ગઝલ
અને
ડૉ તીર્થેશજીનો ટૂકો પણ સટિક આસ્વાદ
ધન્યવાદ
ઉદયન ઠક્કર દ્વારા એમની આ રચનાઓનું પઠન માણવાની મઝા ઔર !