ત્રિપદી – ઉદયન ઠક્કર
એક કલરવતી કેડી પર ચાલ્યા
હાં રે ગમતાને હારે રાખી ને
જો ઇશારાની એડી પર ચાલ્યા !
એક ઠેસે કમાડ ખોલીને
ઝીણું ઝરણું રણક ઝણક ચાલ્યું
પહાડ જેવો પહાડ ખોલીને !
કેટલી ખુશખુશાલ જગ્યા છે !
પીપળે હીંચવું કે આંબલિયે ?
એ વિના ક્યાં કોઈ સમસ્યા છે…
ના કોઈ ભીંસ ના કોઈ અડચણ
કંઠમાં વાયરાની વરમાળા
આંખમાં ઓસબિંદુનું આંજણ
વાયરામાં વહી જતા પહાડો
જોઈને ખીણના વળાંકોને
પાણીપાણી થઈ જતા પહાડો !
હે જી ઝીણાં ઝરણ મળી આવ્યાં
ટહેલતાં ટેકરીએ અલગારી
સોનવર્ણા સ્મરણ મળી આવ્યા !
– ઉદયન ઠક્કર
vimala Gohil said,
May 28, 2019 @ 10:02 PM
“કેટલી ખુશખુશાલ જગ્યા છે !
પીપળે હીંચવું કે આંબલિયે ?
એ વિના ક્યાં કોઈ સમસ્યા છે”
“હે જી ઝીણાં ઝરણ મળી આવ્યાં
ટહેલતાં ટેકરીએ અલગારી
સોનવર્ણા સ્મરણ મળી આવ્યા !”
ketan yajnik said,
May 29, 2019 @ 12:57 AM
સુંદર ત્રિવેણી અભિષેક થયા કરે એજ અભિલાષા
Anila Patel said,
May 30, 2019 @ 6:41 PM
કેટલી ખુશખુશાલ કવિતા છે?